રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 24 ફેબ્રુઆરી 2024 (12:40 IST)

પોલીસના ત્રાસથી રાજકોટના યુવાનનો આપઘાત, વીડિયો બનાવી કહ્યું સેટિંગના પૈસા આપ્યા છતાં માંગતા હતા

- મવડી વિસ્તારમાં રહેતા દીપક સુથાર નામની વ્યક્તિ દ્વારા ગળાફાંસો ખાઈ આપઘાત 
- દીપક સુથારને દારૂના કેસમાં ફિટ કરી દેવાની ધમકી 
- વિરમગામ પોલીસ મથકના પીએસઆઇ વિરુદ્ધ આત્મહત્યાના દુષ્પ્રેરણનો ગુનો દાખલ


રાજકોટના મવડી વિસ્તારમાં રહેતા દીપક સુથાર નામની વ્યક્તિ દ્વારા ગળાફાંસો ખાઈ આપઘાત કરવામાં આવ્યો હતો. તેણે આપઘાત કરતાં પહેલાં એક વીડિયો બનાવ્યો હતો. એમાં દીપક સુથારને દારૂના કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી રૂપિયાની માગણી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

મૃતકની પત્નીની ફરિયાદ આધારે વિરમગામ પોલીસ મથકના પીએસઆઇ વિરુદ્ધ આત્મહત્યાના દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.મારું નામ અલ્પાબેન દીપકભાઇ ધ્રાગધરિયાની ફરિયાદ પ્રમાણે, તેમના પતિ દીપક હરજીવનભાઇ ધ્રાગધરિયા સુથારીકામ કરતા હતા અને મારે સંતાનમાં એક દીકરો દર્શન છે, જે ધોરણ 10માં અભ્યાસ કરે છે. હું મારા પીયર ગજડી ગામે મારા ભાઈ કેતન પ્રવીણભાઇ તથા ભાભી સાથે ગઇ હતી અને મારા પતિ દીપક તથા મારો પુત્ર દર્શન બંને અમારા રાજકોટ ખાતેના ઘરે હતા.

મને મારા પતિનો રાત્રે 9.30 વાગ્યે ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે તું નીરાતે આવજે, ઉતાવળ ન કરતી. હું બહાર જમી લઇશ. એ બાદ હું રાત્રિના 11 વાગ્યે રાજકોટ મારા ઘરે આવી હતી. ત્યારે મારા પતિ દીપક ઘરે હાજર ન હતા અને મેં રાતના 12 વાગ્યે મારા પતિને ફોન કરતાં ઉપાડ્યો નહોતો. જેથી મેં રાત્રિના 1 વાગ્યે ફરી ફોન કરતાં એ ફોન પણ ઉપાડ્યો નહીં. બાદ 1.45 વાગ્યે પણ ફોન કર્યો, પરંતુ ફોન ન ઉપાડતાં હું અને મારો પુત્ર સૂઇ ગયા હતા. ત્યાર બાદ આજે સવારે 7.30 વાગ્યાની આસપાસ ફરીથી ફોન કરતા તેનો ફોન ઉપાડ્યો નહીં અને બાદ ટીવી પાસે જતા મારા પતિનો બીજો મોબાઇલ ઘરે જ પડ્યો હતો. જે મોબાઇલ ખોલી જોતાં મોબાઇલમાં ઉપર એક મારા પતિએ વીડિયો બનાવ્યો હતો. જે વીડિયો જોતાં એમાં મારા પતિએ રાજકોટ કમિશનર સાહેબને સંબોધીને વીડિયો ઉતાર્યો હતો.મારા જેઠ યોગેશભાઇ દ્વારા મને જાણવા મળ્યું કે, આ વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનવાળા પટેલ સાહેબ છે. તેમનું નામ હિતેન્દ્ર પટેલ છે અને તેઓ વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનમાં PSI છે. તો આ વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનના PSI હિતેન્દ્ર પટેલએ મારા પતિ દિપકને દારૂના કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી રૂપિયાની માંગણી કરી મરી જવા મજબુર કરતા તેમના ત્રાસથી કંટાળી મારા પતિ દિપકે પોતાની મેળે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હોય તેઓ સામે ધોરણસર થવા મારી ફરીયાદ છે.