ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 1 જુલાઈ 2021 (20:33 IST)

જગન્નાથ મંદિરના મહંત રથયાત્રા કાઢવા જીદે ચડ્યા, સરકાર પાસે છે આ એક્શન પ્લાન

ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને હવે બસ ગણતરીના દિવસો બાકી છે. ત્યારે હજુ રાજ્ય સરકારે રથયાત્રા ને લઈને કોઈ પણ પ્રકારનો નિર્ણય કર્યો નથી, પરંતુ સરકાર અત્યારે એક્શન પ્લાન બનાવી રહી છે. જે દિવસે રથયાત્રા નીકળવાની હોય ત્યારે રથયાત્રાના રૂટ ઉપર કર્ફ્યુ લગાવવામાં આવી શકે છે, જેથી કરીને લોકોની ભીડ એકત્રિત ન થાય અને સંક્રમણ નો ડર ન રહે. 
 
તો તરફ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી જીદે ચડ્યા છે. તેમણે કહ્યું હતું કે સરકાર રથયાત્રા માટે મંજૂરી આપે કે ન આપે, પણ ચાલુ વર્ષે રથયાત્રા નીકળીને જ રહેશે. આ ઉપરાંત બુધવારે 40 ખલાસી ભાઇઓની યાદી તૈયાર કરવામાં આવી હતી. જેથી રથયાત્રા 6 જ કલાકમાં એના નિર્ધારિત રૂટ પર નીકળીને નિજમંદિરે પરત ફરે. હાલમાં તેમને કોરોનાની રસી અપાવવાની કામગીરી ચાલે છે, યાદીમાંના જે ખલાસીભાઈઓને રસી લેવાની બાકી છે તેમને 2 દિવસમાં રસી આપી દેવાશે.
 
જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીની જીદ પરથી લાગી રહ્યું છે કે તેઓ રથયાત્રા કાઢવાના મૂડમાં છે, પરંતુ સરકાર દ્વારા હજુ કોઇ જાહેરાત કરવામાં આવી નથી. જોકે તંત્ર દ્વારા એકશન તૈયાર કરી દેવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ પણ 12 મી જુલાઇએ ગુજરાતના પ્રવાસે આવવાના છે ત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અમિત શાહ આ વખતે પણ ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રામાં મંગળા આરતીમાં ભાગ લેશે અને ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરશે કે જલ્દીથી કોરોનામાંથી મુક્તિ મળે.
 
રથયાત્રામાં દર વર્ષે શહેર પોલીસના 13 હજાર જવાન ઉપરાંત ટ્રાફિક-પોલીસ, હોમગાર્ડ તેમજ એસઆરપી, આરએએફ, બીએસએફ અને સીઆરપીએફની 40 કંપની તહેનાત રહે છે. અન્ય શહેરોમાં ફરજ બજાવતા પોલીસકર્મચારીઓ અને અધિકારીઓ મળીને 22થી 25 હજાર પોલીસ સુરક્ષાકર્મી રથયાત્રાના બંદોબસ્તમાં તહેનાત રહે છે. તમામ પોલીસ અધિકારી-કર્મચારીને તૈયાર રહેવા સૂચના આપી દેવાઈ છે. સુરક્ષાદળની 40 કંપની ફાળવવા ડીજીપીની મંજૂરી મગાઈ છે.
 
બીજો એક્શન પ્લાન રથયાત્રાના સમય મર્યાદામાં ઘટાડો કરે અને ત્રીજો એક્શન પ્લાન જો સંક્રમણનો ફેલાવાનો ડર રાજ્ય સરકારને સતાવતો હોય તો મંદિર પરિસરની બહારથી લઈને જમાલપુર દરવાજા અને સપ્તર્ષિના આરાથી આ રથયાત્રા નિજ મંદિરે પરત ફરે તેવી વિચારણા સરકાર કરી રહી છે.