શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અમદાવાદ , મંગળવાર, 18 જૂન 2024 (12:16 IST)

ગુજરાતમાં સ્કૂલ વાહનચાલકોની હડતાળ, અનેક જગ્યાએ વાલીઓના વાહનોથી ટ્રાફિકજામ

school van strike
school van strike
સ્કૂલોમાં વેકેશન ખુલતાની સાથે જ વાલીઓ માટે મુશ્કેલી જોવા મળી રહી છે. કારણ કે ગુજરાતભરમાં સ્કૂલ વાહનના એસોસિએશન દ્વારા હડતાળનો નિર્ણય લેવાયો છે. ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓ વિભાગ દ્વારા પાસિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના કારણે સ્કૂલ વાહન એસોસિએશને આજે હડતાળ પર ઉતરવાનો નિર્ણય લીધો છે. આજે વહેલી સવારે વાલીઓ બાળકોને સ્કૂલે છોડવા માટે આવ્યા હતા. સુરતમાં વરસાદી વાતાવરણ વચ્ચે સ્કૂલ બહાર વાલીઓનો જમાવડો જોવા મળ્યો હતો. નોકરિયાત લોકો પણ રોષે ભરાયેલા જોવા મળ્યા હતાં.વડોદરામાં સ્કૂલ વાહનચાલકો હડતાળમાં જોડાયા નથી અને વિદ્યાર્થીઓને સ્કૂલે મૂકવા આવ્યા હતા. 
 
સમસ્યાના સમાધાન માટે RTOને જાણ કરીશુંઃ શિક્ષણમંત્રી
અમદાવાદમાં પણ આજથી સ્કૂલ વર્ધી એસોસિએશન હડતાળ પર ઉતર્યું છે. જેના કારણે વાલીઓએ પોતાના બાળકોને જાતે સ્કૂલે મૂકવા આવવું પડ્યું હતું. સ્કૂલ વર્ધી એસોસિએશનનું કહેવું છે કે, સરકારે અમને મુદત આપવી જોઈએ. વાલીઓનું કહેવું છે કે, સ્કૂલ વાનમાં 7ને બદલે 14 બાળકો બેસાડાય છે. શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, વાલીઓ અને ખાનગી સ્કૂલ વર્ધી ચાલકનો મામલો છે. આ મામલો RTOને લગતો છે. સમસ્યાના સમાધાન માટે RTOને જાણ કરીશું. જેથી ઝડપથી નિકાલ આવે. સ્કૂલ વર્ધી એસોસિયેશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે RTO અને રાજ્ય સરકારની નબળાઈના કારણે આજે હડતાળ પાડી છે. છેલ્લા એક વર્ષથી અમે રજૂઆત કરતા હતા પરંતુ નિવેડો ના આવ્યો. 
 
રાજકોટની ઘટના બાદ તંત્ર અચાનક જાગ્યું
સ્કૂલ વર્ધી એસોસિએશનનું કહેવું છે કે, રાજકોટની ઘટના બાદ તંત્ર અચાનક જાગ્યું છે. અમે બાળકોની સુરક્ષા માટે હડતાળ પાડી છે. RTOને વિનંતી છે કે, અમને થોડો સમય આપવામાં આવે. જે લોકો ગેરકાયદે ચલાવે છે એમની સામે કાર્યવાહી કરો. જ્યાં સુધી અમારી સમસ્યાનું સમાધાન નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે.  સરકારે અને વર્ધી એસોસિએશને સાથે મળીને બેઠક કરીને નિર્ણય કરવો જોઈએ. બાળકોને બેસવામાં અનુકૂળતા નથી રહેતી છતાં વધારે બેસાડવામાં આવે છે.સ્કૂલ વાન અને રિક્ષામાં ફિટનેસ સર્ટિફિકેટ, પાસિંગ, બેસવાની ક્ષમતા અંગે RTO અને ટ્રાફિક દ્વારા સંયુક્ત ડ્રાઈવ યોજવાની હતી, જેને લઈને સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા આજથી અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરવામાં આવી હતી.