રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 7 મે 2021 (17:09 IST)

રાજ્યમાં અત્યાર સુધી ૧.૩૪ કરોડ નાગરિકોને વેક્સિનથી સુરક્ષિત કરાયા

રાજ્યમાં પ્રવર્તી રહેલી કોરોનાની સાંપ્રત પરિસ્થિતિમાં નાગરિકોને કોરોનાથી સુરક્ષિત કરવા માટે વેક્સિન અમોઘ શસ્ત્ર પૂરવાર થઈ રહ્યું છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના માર્ગદર્શન હેઠળ વેક્સિનેશનની અસરકારક કામગીરી કરવામાં આવી છે. જેના ભાગરૂપે રાજ્યમાં અત્યારસુધીમાં ૧.૩૪ કરોડ નાગરિકોને વેક્સિનથી સુરક્ષિત કરાયા છે. વેક્સિનેશન માટે મુખ્ય સચિવના સીધા મોનિટરિંગ હેઠળ સ્ટેટ સ્ટીયરિંગ કમિટી અને આરોગ્ય વિભાગના સ્ટેટ ટાસ્ક ફોર્સ દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.
 
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યાનુસાર રાજ્યમાં હેલ્થ કેર વર્કસ, ફ્રન્ટ લાઈન હેલ્થ વર્કસ, ૪૫ વર્ષથી વધુ વયના અને ૧૮ થી ૪૫ વર્ષની વયજૂથની વિવિધ કેટેગરી હેઠળ ૧,૩૪,૭૪,૨૯૬ નાગરિકોને સુરક્ષિત કરાયા છે. જેમાં ૯,૭૪,૪૦૫ હેલ્થ વર્કર્સ, ૧૭,૦૯,૯૦૩ ફ્રન્ટ લાઈન વૉરિયર્સ જયારે ૧,૦૭,૬૬,૯૮૮ વિવિધ વય જૂથના નાગરિકોનો સમાવેશ થાય છે.
 
આરોગ્ય વિભાગ દ્વારા વધુમાં જણાવ્યાનુસાર ભારત સરકારની ગાઇડલાઇન મુજબ ત્રણ જુથોને પ્રાધન્ય આપવામાં આવેલ છે. જેમાં સરકારી તથા ખાનગી આરોગ્ય કાર્યકર, ફ્રન્ટલાઇન વર્કર (મુખ્યત્વે પોલીસ વિભાગ, શહેરી વિકાસ વિભાગ, મહેસુલ વિભાગ, પંચાયતી રાજ વિભાગ, રેલ્વે પ્રોટેકશન ફોર્સ) તથા ૪૫ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને આવરી લેવાયા છે. 
 
ગુજરાતમાં તા.૧૬ જાન્યુઆરી, ૨૦૨૧ના દિવસે રસીકરણ કાર્યક્રમનો શુભારંભ મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતેથી કરવામાં આવ્યો હતો. જેને રાજ્યભરમાં અપ્રતિમ પ્રતિસાદ સાંપડયો છે. સમગ્ર દેશમાં ફ્રન્ટ લાઇન વર્કરોનું રસીકરણ શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. 
 
કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, પૂણે દ્વારા વિકસાવવામાં આવેલ કોવિડ-૧૯ની રસી કોવિશિલ્ડ અને ભારત બાયોટેક કોવેક્સિન રસીના ડોઝ પ્રાપ્ત થયા છે. ભારત સરકારની સૂચના મુજબ ૧ માર્ચ, ૨૦૨૧થી આખા દેશની સાથે સાથે, ગુજરાતમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના અને ૪૫ વર્ષથી વધુ ઉંમરના અન્ય રોગો ધરાવતા તે બધાને કોવિડ-૧૯ની રસીકરણ અભિયાન હાથ ધરાયું છે. 
 
જે અંતર્ગત રસીકરણ માટે ૫૩૭૨ સરકારી હોસ્પિટલો, ૪૨૭ પીએમજેવાય હોસ્પિટલો, ૧૪ સીજીએચએસ હોસ્પિટલો અને ૯૦ અન્ય ખાનગી હોસ્પિટલોને કોવિડ-૧૯ રસીકરણ કેન્દ્રો પર રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. એ જ રીતે ૧લી એપ્રિલ, ૨૦૨૧ થી ૪૫ વર્ષથી વધુની ઉંમરના વ્યક્તિઓને રસી આપવાનું શરૂ કરાયું છે. 
 
ભારત સરકાર દ્વારા બનાવવામાં આવેલ Co-WIN પોર્ટલ પર કોઇપણ વ્યક્તિ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી નજીક સેશન સ્થળ પર જઇને રસી લઇ શકે છે. રસી માટેનું સ્થળ અને સમય બંને લાભાર્થી પોતાની અનુકુળતા મુજબ પસંદ કરી શકે છે. ઓનલાઇન અથવા સ્થળ પર નોંધણી માટે ફક્ત કોઇપણ એક ઓળખનો પુરાવો જેમાં આધારકાર્ડને પ્રાથમિકતા આપી છે તથા મોબાઇલ નંબર જરૂરી છે અને ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ખુબ જ સરળ છે.  
 
ભારત સરકારની સૂચના મુજબ, ૧૮ થી ૪૫ વર્ષની વય જૂથના કોવિડ-૧૯ રસીકરણ માટે ઓનલાઇન નોંધણી પ્રક્રિયા ફરજિયાત કરાઈ છે. જે અંતર્ગત એપ્રિલ માસથી કોવિન પોર્ટલ પર આ કામગીરી ચાલી રહી છે. જેમાં ગુજરાતમાં પણ આ કામગીરી સરળતાથી થઈ રહી છે. આ માટેની રસી રાજ્ય સરકાર, ખાનગી હોસ્પિટલો અને ઓદ્યોગિક એકમો દ્વારા સીધે સીધી રસી ઉત્પાદક પાસેથી ખરીદવામાં આવી રહી છે. 
 
આ વય જૂથના લાભાર્થીને તમામ સરકારી રસીકરણ કેન્દ્રો પર રસી નિ:શુલ્ક આપવામાં આવે છે. હાલ રાજ્યના ૭ કોર્પોરેશન જેવા જે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર અને ગાંધીનગર તથા ૩ જિલ્લા જેવા કે મહેસાણા, કચ્છ અને ભરૂચ કે જ્યાં કોવિડ-૧૯ના એક્ટીવ કેસોની સંખ્યા વધુ છે ત્યાં રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. તા.૦૫.૦૫.૨૦૨૧ સુધી આ વય જુથમાં ૧,૯૮,૩૧૩ વ્યક્તિઓને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.
 
રાજ્યમાં કોવિડ-૧૯ રસીના સ્ટોરેજ ૬ ઝોન કક્ષાના વેકસીન સ્ટોર, ૪૧ જિલ્લા/કોર્પોરેશન કક્ષાના સ્ટોર તથા ૨૧૯૫ કોલ્ડ ચેઇન પોઇન્ટ હાલની પરિસ્થિતિએ ઉપલબ્ધ છે. કોવિડ રસીકરણ કાર્યક્રમ માટે રાજ્યમાં ૧૮,૦૦૦ જેટલા વેક્સીનેટર દ્વારા રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્ય અને જિલ્લા/કોર્પોરેશન સ્તરે AEFI (રસીકરણ બાદની આડ અસર) કમિટી બનાવવામાં આવી છે અને તમામ સેશન સાઇટ પર AEFI કીટની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. રાજ્યની તમામ ૧૦૮ એમ્બ્યુલન્સમાં પણ AEFI કીટની વ્યવસ્થા કરવામાં આવી છે.
 
રાજ્ય સરકાર દ્વારા કોવિડ-૧૯ રસીકરણ કાર્યક્રમ માટે ભારત સરકાર તરફથી મળતી માર્ગદર્શિકા તથા કાર્યક્રમના સફળ આયોજન માટે માર્ગદર્શન આપવા માટે એક એક્સપર્ટ ગૃપની રચના કરાઈ છે. આ ગ્રુપ દ્વારા નાગરિકોને કોવિડ-૧૯ રસી અંગે અને રસીકરણ બાદની આડ અસર અંગે મુંઝવતા પ્રશ્નો સંદર્ભે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે