શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 10 ફેબ્રુઆરી 2022 (15:04 IST)

વડોદરામાં સાવલી રોડ પર રહેતા પરિવારની ધોરણ 12 સાયન્સની છાત્રાએ ડિપ્રેશનમાં આવીને ફાંસો ખાધો

શહેરના સમા સાવલી રોડ પર રહેતી ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી સગીરાએ ડિપ્રેશનમાં આવી જઇને પોતાના રૂમમાં જ ગળે ફાંસો લગાવી દીધો હતો. વિદ્યાર્થિનીએ લખેલી ચિઠ્ઠી પણ પોલીસને મળી આવી હતી. જેમાં તેણે ડિપ્રેશનમાં આવી જઇને અંતિમ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ મામલે વધુ તપાસ આદરી હતી. હરણી પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સમા સાવલી રોડ પર રહેતા પરિવારમાં માતા-પિતા બંને નોકરી કરે છે અને તેમને સંતાનમાં 2 પુત્રીઓ છે. મંગળવારે દિવસ દરમિયાન માતા-પિતા નોકરી પર ગયાં હતાં, જ્યારે તેમની બંને પુત્રી ઘેર હતી. જે પૈકી મોટી 16 વર્ષની ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી સગીરા આખો દિવસ તેના રૂમમાં હતી. જેથી તેની નાની બહેનને એમ હતું કે, તેની બહેન તેના રૂમમાં વાંચી રહી છે. દરમિયાન સાંજના સમયે માતા-પિતા નોકરી પરથી ઘેર પરત આવ્યાં ત્યારે નાની પુત્રીએ મોટી બહેન આખો દિવસ રૂમમાં રહીને વાંચતી હોવાનું જણાવ્યું હતું. માતા-પિતાએ રૂમનો દરવાજો ખખડાવતાં બંધ જણાયો હતો. જેથી દરવાજો બળજબરીથી ખોલીને જોતાં સગીરાએ ગળે ફાંસો લગાવી લીધેલો જોવા મળ્યો હતો. આ મામલે હરણી પોલીસને જાણ કરાતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. તપાસ કરતાં અંગ્રેજીમાં લખેલી ચિઠ્ઠી મળી આવી હતી, જેમાં તેણે ડિપ્રેશનમાં આવી જઇને આ અંતિમ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે, વિદ્યાર્થિની અભ્યાસમાં તેજસ્વી હતી અને તે સંગમ ચાર રસ્તા પાસેની સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થિનીએ અંતિમ પગલું ભરતાં પહેલાં અંગ્રેજીમાં એક પાનાની ચિઠ્ઠી લખેલી હતી. જેમાં તેણે વારંવાર જણાવ્યું હતું કે, હું ડિપ્રેશનમાં છું અને મને આશા હતી કે મારો સમય સારો આવશે પણ સારો સમય આવ્યો નહીં. હું સારી પુત્રી ન બની શકી. તેણે ચિઠ્ઠીમાં સેડનેસ અને હોપલેસ જેવા શબ્દોનો પણ પ્રયોગ કર્યો છે અને તેના આધારે તે માનસિક ડિપ્રેશનમાં હોવાનુંપોલીસને લાગી રહ્યું છે.