હવામાન વિભાગની આગાહી, આવનારા 5 દિવસ તાપમાન 44 ડિગ્રી વટાવી શકે છે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે અથવા આવતીકાલે તાપમાન 44ને વટાવી શકે છે. આગામી અઠવાડિયા દરમિયાન સમગ્ર રાજ્ય હીટવેવને કારણે ગરમીમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે. સોમવારે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના ગીર-સોમનાથમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તેમજ સુરત, વલસાડ, પોરબંદર, જુનાગઢ અને ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. 26 એપ્રિલથી ચારથી પાંચ દિવસો સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો વધવાની શક્યતા હોવાથી યલો એલર્ટ અપાયુ છે.
રાજ્યમાં ઉનાળો આકરો બની રહ્યો છે ત્યારે આગામી પાંચ દિવસ સુધી નાગરિકોએ ગરમીથી શેકાવા તૈયાર રહેવું પડશે. હીટવેવની આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સૂકા પવનોને કારણે રાજ્યમાં પાંચ દિવસ સુધી હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. બે દિવસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હિટવેવની વધુ અસર વર્તાશે. બે દિવસ બાદ એટલે કે 27 એપ્રિલથી ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના વિસ્તારોમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધે તેવું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી આપવામાં આવી છે, તો અનેક વિસ્તારોમાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચી શકે છે. અમદાવાદમાં ગરમીનું તાપમાન ગઈકાલે 43 ડિગ્રીએ પહોંચ્યું હતું. મહત્વનું છે કે કાળઝાળ ગરમીથી બચવા માટે કામ સિવાય બહાર ન નીકળવા હવામાન વિભાગે દરેક જનતાને અપીલ કરી છે.