રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 20 માર્ચ 2023 (09:01 IST)

આજે વિશ્વ ચકલી દિવસ - એક સાથે 2500 ચકલીઓ જોવા આવો...રાજકોટ

sparrow
આજે ચીં...ચીં... એટલે કે વિશ્વ ચકલી દિવસ છે. દેખાડા પૂરતું અનેક જગ્યાએ ચકલીના માળાનું વિતરણ કરવામાં આવશે અને પછી પક્ષીપ્રેમ પાંખો ફફડાવીને ક્યાં ઉડી જશે ખબર પણ નહીં પડે. કિંતુ રાજકોટના એક પક્ષીપ્રેમી છેલ્લા છ વર્ષથી રોજ જાણે ચકલી દિવસ ઉજવી રહ્યા છે. બાબુભાઇ લિંબાસિયાએ તેમના ઘરની સાવ નજીક આવેલા બે વૃક્ષમાં ૨૫૦૦ ચકલી પાળી છે.
 
છ વર્ષ પહેલાં પાણીનું એક કૂંડુ મૂકયું ત્યારે બે-ત્રણ ચકલીઓએ આવવાનું શરૃ કર્યું. પછી ચણ નાખવાની શરૃઆત કરી અને આ સંખ્યા ખૂબજ ઝડપથી વધવા માંડી. જોતજોતામાં મારા ઘરની બાજુમાં ૨૫૦૦ ચકલીઓએ પોતાનું ઘર બનાવી લીધું.
 
ચકલીનો રજવાડી ઠાઠઃ લીલી લાઇટનું અજવાળુ
 
સંતકબીર રોડ પર આ પક્ષીપ્રેમીના ઘર પાસે આવળના બે ઝાડમાં ૨૫૦૦ ચકલીઓએ વસવાટ કર્યો છે. આ ચકલીઓ માટે પાણી અને ચણના કુંડા મૂકવામા આવ્યા છે. એટલું જ નહીં બંને વૃક્ષોનું લાઇટ વડે ડેકોરેશન કરવામાં આવ્યું છે. તેમાં સીરીઝ લગાવવામાં આવી છે અને લીલી હેલોઝન પણ લગાવવામાં આવી છે. રાત્રે ૧૨ વાગ્યા સુધી બધી લાઇટ ચાલુ રખાય છે અને એક ટયુબલાઇટ આખી રાત ચાલુ રાખવામાં આવે છે.
 
માણસનો અવાજ ન સંભળાય એટલો કલરવ
 
અઢી હજાર ચકલીઓ રોજ સવારે ૬.૪૫ વાગ્યે જાગી જાય છે અને કલરવ કરવા લાગે છે. સાત વાગ્યે તે માળામાંથી ઉડવા માંડે છે અને છેક સાંજે સાત વાગ્યે પાછી ફરે છે. સાંજે ૭ અને સવારે ૭ વાગ્યે જ્યારે ૨૫૦૦ ચકલી એકસાથે ચીં....ચીં... કરે ત્યારે એટલો બધો કલરવ થાય છે કે માણશનો અવાજ સાંભળી જ ન શકાય.
 
રોજ દસ કિલો અનાજ ચણી જાય છે
 
શિયાળા અને ચોમાસામાં ચકલીને બહુ ચણ આપવાની જરૃર પડતી નથી. તે બહારથી જ પોતાનો ખોરાક શોધી લે છે. પરંતુ ઉનાળામાં તેમને રોજ દસ કિલો ચણ નાખવી પડે છે. ચણમાં બાજરો, ચોખા, જઉ, સાબુદાણા અને કનોજ નાખીએ છીએ. રાજકોટમાં એકસાથે આટલી ચકલી ક્યાંય જોવા ન મળે.
 
જો કોઇ જાનવર આવે તો તરત જ મને જાણ કરી દે
 
તેમણે જણાવ્યું હતું કે અમે ક્યારેય બિલાડીને વૃક્ષની આસપાસ ફરકવા દેતા નથી. જો કોઇ જાનવર આવે તો તે તરત જ અમને જાણ કરી દે છે. અમે ઘરમાં સૂતા હોઇએ ત્યારે કોઇ જાનવર આવી ચડે તો પણ તે ચીં...ચીં... કરીને અમને જગાડી દે છે. અમે તરત જ જાનવરને ભગાડી દઇએ છીએ.
 
મને ચોમાસામાં ખૂબ ચિંતા થાય
 
માયાળુ પક્ષીપ્રેમી બાબુભાઇ કહે છે કે ચોમાસામાં વરસાદ આવે ત્યારે મને ચકલીની ચિંતા થાય છે કે તે કઇ રીતે બહાર રહેતી હશે. પરંતુ હું લાચાર છું. ૨૫૦૦ ચકલીને ચોમાસામાં ઘરમાં કઇ રીતે રાખી શકું ? મને ક્યારેક એમ થાય છે કે જો આપણને ઠંડી લાગે તો ચકલીને ટાઢ નહીં લાગતી હોય ? જો કે કુદરતે એને શક્તિ આપેલી જ હશે.