શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By હેતલ કર્નલ|
Last Modified: શુક્રવાર, 7 ઑક્ટોબર 2022 (08:51 IST)

રાષ્ટ્રીય ખેલમાં સ્વિમિંગ સ્પર્ધામાં રાજકોટ બન્યું નવા ચાર રાષ્ટ્રીય રેકોર્ડનું સાક્ષી

રાજકોટના આંગણે ચાલી રહેલા ૩૬મા રાષ્ટ્રીય ખેલમાં જૂના ચાર રેકોર્ડ તૂટ્યા છે અને નવા ચાર રાષ્ટ્રીય રેકોર્ડ બન્યા છે. રાજકોટ આ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું છે. પુરુષોની ૧૫૦૦ મીટર ફ્રી સ્ટાઈલ સ્પર્ધા મધ્યપ્રદેશના અદ્વૈત જૈનએ ૧૫ મિનિટ તથા ૫૪.૭૯ સેકન્ડમાં પૂરી કરીને, વર્ષ ૨૦૧૫ના રાષ્ટ્રીય ખેલનો સજનનો ૧૫ મિનિટ ૫૫.૭૮ સેકન્ડનો રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ કાયમ કર્યો છે. 
 
જ્યારે ૮૦૦ મીટર ફ્રી સ્ટાઈલ મહિલાઓની સ્પર્ધા દિલ્હીની ભવ્યા સચદેવાએ ૯ મિનિટ ૧૫.૨૪ સેકન્ડમાં પૂરી કરીને. વર્ષ ૨૦૧૫નો આકાંક્ષા વોરાનો ૯:૧૫.૩૦ મિનિટનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. છ સેકન્ડના ફરકથી ભવ્યાએ નવો રેકોર્ડ બનાવ્યો છે. ૨૦૦ મીટર બ્રેસ્ટસ્ટ્રોક સ્પર્ધામાં આજે બે વાર રેકોર્ડ તૂટ્યા છે. આ સ્પર્ધામાં વર્ષ ૨૦૧૫માં કર્ણાટકની સજની શેટ્ટીનો ૨ મિનિટ ૪૬.૩૯ સેકન્ડ સાથેનો રેકોર્ડ નોંધાયેલો હતો. 
 
જ્યારે આજે સવારની હિટમાં કર્ણાટકની એસ. લક્ષ્યાએ ૨ મિનિટ ૪૫.૯૬ સેકન્ડ સાથે રેકોર્ડ તોડ્યો હતો. તો સાંજે ફાઈનલ સ્પર્ધા ૨ મિનિટ ૪૨.૬૩ સેકન્ડમાં પૂરી કરીને સવારનો પોતાનો જ રેકોર્ડ તોડીને નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો. આ ઉપરાંત ૪ બાય ૧૦૦ મીટર મીડલે – મહિલાની સ્પર્ધા કર્ણાટકની ટીમે ૪ મિનિટ ૨૭.૭૮ સેકન્ડમાં પૂરી કરીને, અગાઉનો મહારાષ્ટ્રની ટીમનો ૪ મિનિટ ૩૨.૩૨.૩૮ સેકન્ડનો રેકોર્ડ તોડી નવો બેન્ચમાર્ક બનાવ્યો છે.