રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: ગાંધીનગર , શનિવાર, 7 જુલાઈ 2018 (13:47 IST)

દેશની પ્રથમ ‘ખેલો ઇન્ડિયા નેશનલ ગેમ્સ’ નો જી.એન.એલ.યુ. ગાંધીનગર ખાતે શુભારંભ

, સ્પેશ્યલ ઓલિમ્પિકની સુવર્ણ જયંતિની ઉજવણીના ભાગરૂપે સ્પેશ્યલ ખેલાડીઓ માટેની દેશની પ્રથમ ‘ખેલો ઇન્ડિયા’ નેશનલ ગેમ્સ તા. ૫ થી ૯ જુલાઇ દરમિયાન ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે યોજાઇ રહી છે. જેનો ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી  જે.પી.નડ્ડા અને રમત ગમત રાજ્ય મંત્રી  ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. 
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ખેલો ઈન્ડિયા નેશનલ ગેમના ઉદઘાટન પ્રસંગે જણાવ્યું હતુ કે, તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાજ્યના યુવાનોને રમતમાં સક્ષમ બનાવીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઇ જવાના હેતુથી સૌ પ્રથમવાર રાજયમાં ખેલ મહાકુંભનો પ્રારંભ થયો હતો. જે આજે પણ દર વર્ષે ગુજરાતમાં યોજવામાં આવે છે, જેમાં લાખો ખેલાડીઓ વિવિધ રમતોમાં ભાગ લઈને પોતાનુ કૌવત રજૂ કરે છે. રાજ્ય સરકાર ખેલ મહાકુંભમાં વિજેતા ખેલાડીઓને દર વર્ષે અંદાજે રૂ.૫૫ કરોડથી વધુની ઈનામી રકમ આપીને સન્માનિત કરે છે. જેમાંથી પ્રેરણા લઈને વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં આજે પ્રથમવાર દિવ્યાંગો માટેનો ખેલો ઈન્ડિયા અભિયાનનો પ્રારંભ થયો છે. દેશના દિવ્યાંગ-સ્પેશ્યલ બાળકો પણ રમતમાં ભાગ લઈને પોતાની પ્રતિભા રાજ્ય-રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રજૂ કરી શકે તે માટે દેશમાં પ્રથમવાર આજે ગુજરાતમાં ગાંધીનગર ખાતે ખેલો ઈન્ડિયા નેશનલ ગેમનો પ્રારંભ થયો છે. જેમાં ગુજરાત સહિત ૨૬ જેટલા રાજ્યોના ૪૬૦ સ્પેશ્યલ બાળકો રમતમાં પોતાનું કૌશલ્ય બતાવશે, તેમ તેમણે ઉમેર્યું હતું.   

ગુજરાત સરકારે પણ ખેલ મહાકુંભના માધ્યમથી લાખો ખેલાડીઓને નેશનલ કક્ષાના કોચ દ્વારા કોંચિંગ આપીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તૈયાર કર્યાં છે. જેના પરિણામે આજે ગુજરાતના ખેલાડીઓ કોમનવેલ્થ ગેમ્સ, નેશનલ ગેમ્સ જેવી રમતમાં પોતાનું કૌવત બતાવીને મેડલ જીતી રહ્યાં છે. દેશના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર એવા પાર્થિવ પટેલ, રવિન્દ્ર જાડેજા, ઈરફાન પઠાણ અને યુસુફ પઠાણ, બુમરાહ, અક્ષર પટેલ જેવા અનેક ખેલાડીઓએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આ પાંચ દિવસની રમતમાં વિવિધ રાજ્યોના સ્પેશ્યલ ખેલાડીઓ રમતમાં પોતાનુ શ્રેષ્ઠ પ્રદાન આપી પોતાનુ-માતાપિતાનું, રાજ્યનું અને દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છા નાયબ મુખ્યમંત્રીએ ખેલાડીઓને પાઠવી હતી. તેમજ આ રમતના સફળ આયોજન બદલ કેન્દ્ર સરકાર અને આયોજકોને અભિનંદન આપ્યા હતા. 

કેન્દ્રીય આરોગ્યમંત્રી  જે.પી.નડ્ડાએ સ્પેશ્યલ ઓલિમ્પિકસના ૫૦ વર્ષની ઉજવણી નિમિતે યોજાયેલ દેશના પ્રથમ ખેલો ઈન્ડિયા નેશનલ ગેમના સફળ આયોજન માટે રાજ્ય સરકાર અને આયોજકોનો આભાર માનતા જણાવ્યું હતું કે, સમાજમાં સારા અને શ્રેષ્ઠ કામ માટે યોગ્ય નીતિની જરૂર પડે છે. આજે હું ગૌરવ સાથે કહી શકું છું કે, દેશના પ્રધાનમંત્રીની પ્રેરણાથી ગુજરાતની ભૂમિ ઉપર દેશની પ્રથમ દિવ્યાંગો માટેની ખેલો ઈન્ડિયા નેશનલ ગેમ યોજાઈ રહી છે. ગુજરાતના ખેલમહાકુંભનું વિશાળ સ્વરૂપ એટલે ‘ખેલો ઈન્ડિયા અભિયાન’ તેમ જણાવી  નડ્ડાએ કહ્યું કે, દિવ્યાંગ ખેલાડીઓને પ્રોત્સાહન માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતોમાં વિજેતાને રૂ. ૧ કરોડ ૪૩ લાખ જેટલી રકમ ઈનામ સ્વરૂપે ભારત સરકાર દ્વારા આપવામાં આવી છે.
                

આજે આપણી સમક્ષ આ ખેલો ઈન્ડિયા નેશનલ ગેમમાં લઘુ ભારતનું સ્વરૂપ જોવા મળ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા દિવ્યાંગોને વિવિધ ૨૧ પ્રકારની કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યાં છે. જે અગાઉ માત્ર સાત પ્રકારની કેટેગરી હતી.
પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદીએ શારીરિક અશક્ત લોકોની ખાસ ચિંતા કરીને તેમને ‘દિવ્યાંગ’ તરીકે નવી ઓળખ આપીને સમાજમાં તેમનું માન-સન્માન વધાર્યું છે, તેમ જણાવી મંત્રી  નડ્ડાએ વિવિધ રાજ્યમાંથી ઉપસ્થિત સ્પેશયલ ખેલાડીઓને રમત માટે શુભેચ્છાઓ પાઠવી હતી. 

સ્પેશ્યલ ઓલિમ્પિક ભારતના વાઇસ ચેરપર્સન ડૉ. મલ્લિકા નડ્ડાએ કહ્યું હતું કે, સ્પેશ્યલ બાળકો માટેની આજની આ ખેલો ઇન્ડિયા નેશનલ ગેમ્સ એ માત્ર રમત નથી પણ દિવ્યાંગ ખેલાડીઓને સમાજની મુખ્ય ધારા સાથે જોડવાનું એક આંદોલન છે. વિશ્વમાં પ્રથમ વાર ૧૯૬૮માં સ્પેશ્યલ ઓલિમ્પિકસનો પ્રારંભ થયો હતો. જેને ૨૦૧૮માં ૫૦ વર્ષ પૂર્ણ થયા છે. જેના ભાગ રૂપે દિવ્યાંગ બાળકો માટેનો આ સૌથો મોટા રમતોત્સવનું ગાંધીનગર ખાતે આયોજન કરાયું છે, તેમ ડૉ.નડ્ડાએ ઉમેર્યું હતું. 

આ પ્રસંગે સ્પેશ્યલ ઓલિમ્પિક ભારત-ગુજરાતના ચીફ પેટ્રોન  અજય પટેલે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. 
    દેશભરમાંથી આવેલા સ્પેશ્યલ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ગુજરાતી એવા ભારતના શ્રેષ્ઠ ક્રિકેટર  પર્થિવ પટેલ સહિત હિન્દી ટીવી શ્રેણી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. જે બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

    આ ઉદઘાટન પ્રસંગે સ્પેશ્યલ બાળકોએ દેશભક્તિની થીમ ઉપર વિવિધ આબેહૂબ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.

    સ્પેશ્યલ ઓલિમ્પિક ભારત-ગુજરાતના પ્રમુખ ડૉ. ડી.જી.ચૌધરીએ સ્વાગત પ્રવચન તેમજ જી.એન.એલ.યુ.ના ડાયરેકટર  બિમલ પટેલે આભારવિધિ કરી હતી.

સ્પોર્ટસ ઇન્ડિયા દ્વારા ખેલો ઈન્ડિયા નોર્મલ રમતવીરો માટે આયોજન થયું હતું જેના ભાગરૂપે દિવ્યાંગ રમતવીરો માટે પણ ખેલો ઈન્ડિયા ગેમ્સનું આયોજન કરવામાં આવે છે. સ્પોર્ટસ ઇન્ડિયા દ્વારા ખેલો ઈન્ડિયામાં જિલ્લા રમતોત્સવ, રાજય રમતોત્સવનું આયોજન દરેક રાજયોમાં કરવામાં આવ્યું હતું. સ્પેશિયલ ઓલિમ્પિક્સ દ્વારા દેશમાં સૌપ્રથમ વખત ખેલો ઈન્ડિયા નેશનલ ચેમ્પિયનશીપનું આયોજન માનસિક ક્ષતિ ધરાવતા દિવ્યાંગ રમતવીરો માટે કરવામાં આવી રહ્યું છે. જેની તમામ જવાબદારી સ્પેશ્યલ ઓલિમ્પિક્સ ભારત-ગુજરાતને આપવામાં આવી છે. 

આજથી શરૂ થયેલી સ્પેશ્યલ ઓલિમ્પિક્સ અંતર્ગત નેશનલ ગેમ્સમાં ગુજરાત સહિત આંધ્રપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, આસામ, બિહાર, છતીસગઢ, દિલ્હી, ગોવા, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, નાગાલેન્ડ, ઓડિશા, પોંડિચેરી, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગણાં, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાલ એમ કુલ ૨૬ રાજ્યોના રાજ્ય સ્તરે વિજેતા રમતવીરોનો સમાવેશ થાય છે. જેમાં ૩૧૪ ભાઇઓ અને ૧૪૬ બહેનો એમ કુલ-૪૬૦ ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. આ દિવ્યાંગ રમતવીરો સાથે ૧૨૧ કોચ, ૨૫૦ ઓફિશ્યલ, ૨૦૦ વોલેન્ટીયર્સ, ૧૦૦ ઓર્ગેનાઇઝર્સ એમ કુલ મળીને ૧૧૩૧ વ્યક્તિઓ આ ચેમ્પીયનશીપમાં પોતાનું પ્રદાન આપી રહ્યા છે. આ રમતોત્સવમાં બેડમીન્ટન, સ્વીમીંગ, ફુટબોલ, યુનીફાઇડ ફુટબોલ, ટેબલ ટેનિસ જેવી ઇનડોર-આઉટડોર રમતો યોજાશે.

    ઉલ્લેખનીય છે કે, સ્પેશ્યલ ઓલિમ્પિક્સ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે વિશ્વના ૨૦૦ દેશોમાં માનસિક ક્ષતિ ધરાવતા દિવ્યાંગ રમતવીરો માટે રમતોનું આયોજન કરે છે. જુલાઇ માસમાં સ્પેશ્યલ ઓલિમ્પિક્સને ૫૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. આ ઉપલક્ષમાં એક વર્ષ સુધી માનસિક ક્ષતિ ધરાવતા દિવ્યાંગ રમતવીરો માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જેની શરૂઆત ખેલો ઇન્ડીયા નેશનલ ચેમ્પીયનશીપથી કરવામાં આવ્યું અને તે પણ ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે જે ગુજરાત માટે ગર્વની વાત છે.