શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. હિન્દુ
  4. »
  5. હિન્દુ ધર્મ વિશે
Written By વેબ દુનિયા|
Last Modified: સોમવાર, 29 એપ્રિલ 2013 (15:28 IST)

આપણે શા માટે ગુસ્સો કરીએ છીએ?

P.R
એક સંત તેના અનુયાયીઓ સાથે નદી કિનારે ફરતા હતા ત્યારે તેમણે જોયુ કે બે જણ વચ્ચે જોર જોરથી બોલાચાલી થતી હતી. આ જોઈ તેમણે હસતાં હસતાં પૂછયું કે શા માટે લોકો એક બીજા સાથે ગુસ્સામાં વાતો કરતા હશે?

થોડો વિચાર કરી એક બોલ્યો કે ધીરજ ગુમાવવાથી આમ થતું હશે.

' પણ આમ બૂમો મારવાની શું જરૂર છે જયારે બન્ને એક બીજાની નજીક ઉભા છે? તમે મૃદુ અવાજમાં પણ તમારે બીજાને જે કહેવાનું છે તે કહી શકો છો. '

બીજા અનુયાયીઓએ પોતપોતાની રીતે જવાબ આપ્યા પણ તેનાથી પેલા સંતને સંતોષ ન થયો એટલે તેમણે પોતાની રીતે સમજાવ્યું.

' જયારે બે જણ ગુસ્સામાં હોય છે ત્યારે નજીક હોવા છતાં તેમના દીલ વચ્ચેનું અંતર વધી જાય છે. આ અંતરને કાપવા તેમણે એક બીજા સાથે મોટેથી વાત કરવી પડે છે જેથી એક બીજાને સાંભળી શકાય. જેટલા વધુ ગુસ્સામાં તેટલી વધુ દૂરી, જે કાપવા વધુ જોરથી બોલવુ પડે છે.

' પણ જયારે બે જણા એક બીજાના પ્રેમમાં પડે છે ત્યારે શું થાય છે? તેઓ મોટે મોટેથી વાત ન કરતા ધીમા સ્વરમાં બોલે છે કારણ તેમનાં હૃદય વચ્ચેનું અંતર નહિવત હોય છે. '

આગળ વધતા તે સંત બોલ્યા કે જયારે બે જણ વચ્ચે વધુ સ્નેહ થાય છે ત્યારે શું બને છે? તેઓ બોલતા નથી પણ મૃદુ સ્વરમાં વાત કરે છે અને તેને કારણે તેઓ વધુને વધુ એક બીજાની નજીક આવે છે. અંતે એવો સમય આવે છે જયારે તેઓને વાત કરવાની પણ જરૂર રહેતી નથી કારણ એક બીજા સાથે નજર મેળવે તે બસ છે. '

અંતમાં તે બોલ્યા કે જયારે તમે કોઈ સાથે વાદવિવાદ કરો ત્યારે ધ્યાન રાખો કે તમારા હૃદય વચ્ચે અંતર વધતું તો નથીને? તેવા શબ્દો ન બોલો જેથી બન્ને વચ્ચે અંતર વધી જાય, નહી તો એક દિવસ એવો આવશે કે આ અંતર એટલુ વધી ગયું હશે કે તે અંતર કાપવા કોઈ માર્ગ નહી જડે.