શનિવાર, 27 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : રવિવાર, 19 જૂન 2016 (11:37 IST)

જે માતા અને પિતાના ઉપકારને સમજે નહીં એ ભગવાન કે ગુરુના ભક્ત કહેવાય?

માતા અને પિતાના ઉપકારને જે સમજે નહીં એ ભગવાન કે ગુરુના ભક્ત નથી એમ જૈનાચાર્ય શ્રીમદ વિજય નયવર્ધનસૂરિજી મહારાજે જૈન મહાભારત વિષય પર વક્તવ્ય આપતાં જણાવ્યું હતું. મહાભારતની કથાઓ વિશે ગાંગેયથી ભીષ્મ બનવા સુધીના ભીષ્મપિતામહના જીવન પ્રસંગોને વર્ણવીને જણાવ્યું હતું કે જે માતાપિતાએ જન્મ આપ્યો, જીવન આપ્યું, સર્વ અનુકૂળતા આપી, અમૂલ્ય સંસ્કાર ધન આપ્યું તેમના કોઈ પ્રત્યક્ષ ઉપકાર જેને ન દેખાય તેને પરોક્ષ ઉપકાર કરનારા ભગવાન કે ગુરુઓનો ઉપકાર ક્યાંથી સમજાશે ?

આજે કેટલાય યુવાનો દેરાસરમાં કલાક-દોઢ કલાક ભગવાનની ભક્તિ કરે છે, એ કરે છે ઘણું સારું... પણ પછી એને વૃદ્ધ માતા-પિતા પાસે નિરાંતે ૦। કલાક પણ બેસવાની ફુરસદ ન હોય, એમના હૈયાના ભાવો જાણવાનો ભાવ ન હોય તો એણે ભગવાનની ભક્તિ નહીં, આશાતના કરી કહેવાય...

કોઈ સાધુ માટે દવા લાવવાની હોય, તો પડાપડી કરીનેય પોતે જ દવા લાવી આપવાનો ભાવ ધરાવનાર વ્યક્તિને માતા-પિતાની તબિઅત કેવી છે એની ખબર-અંતર કાઢવાની ય ફુરસદ ન હોય એવા ગુરુભક્તો (!) ગુરુનું ગૌરવ વધારતા નથી પણ ઘટાડે છે.

મા-બાપે જન્મ આપ્યો એટલે 'જાત' તો બધા કહેવાય, પણ એમાંથી કેટલાય કજાત હોય છે, કેટલાક સુજાત હોય છે.
ભીષ્મની વાતમાંથી આવી કાંઈક પ્રેરણા લઈને - (૧) માતા-પિતાની ભક્તિ કરતાં શીખો... (૨) ભીષ્મના આ વૃત્તાંત ઉપરથી જીવનમાં બ્રહ્મચર્ય અને સદાચારની સુવાસ ખીલવવાનો પ્રયત્ન કરો.