ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 19 ફેબ્રુઆરી 2020 (16:51 IST)

ડોનાલ્ડ ટ્રમ્પ માટે મોટેરાનો રોડ બનાવવા 15 દિવસમાં 30 કરોડ ખર્ચાયા

મોટેરા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ટ્રમ્પ આવવાના હોવાથી સમગ્ર વિસ્તારના પાંચ કિલોમીટરમાં આવતા તમામ મુખ્ય રોડ અને 50 થી વધુ સોસાયટીઓના રસ્તા બનાવી દેવામાં આવ્યા છે. આ કામગીરી પાછળ અંદાજે રૂા.30 કરોડનો ખર્ચ કર્યો છે. સામાન્ય રીતે, મોટેરા વોર્ડમાં પ્રતિ વર્ષ રોડની કામગીરી માટે રૂા.3 કરોડનું બજેટ મ્યુનિ.ફાળવેે છે. આ સરખામણીએ દસ વર્ષમાં મ્યુનિ.એ મોટેરા વોર્ડમાં રોડ પાછળ જેટલુ બજેટ વાપર્યું તેટલો ખર્ચ માત્ર પંદર જ દિવસમાં ટ્રમ્પની મુલાકાતને કારણે કરાયો હોવાનું મ્યુનિ.અધિકારી સૂત્રોનું કહેવું છે. હાલ કુલ રૂા.25.50 કરોડનો ખર્ચ થઈ ગયો છે પરંતુ હજુ પણ બે થી ત્રણ નવા રોડ બનાવાઈ રહ્યાં હોવાથી આ ખર્ચ 30 કરોડ સુધી પહોંચે તેવી શકયતા છે. મોટેરા તરફના મુખ્ય રોડ બનાવવાની જવાબદારી પ્રોજેકટ વિભાગને સોંપવામાં આવી છે જ્યારે સોસાયટીઓના રોડ બનાવવાની જવાબદારી પશ્ચિમ ઝોનના ઈજનેર વિભાગને સોંપાઈ છે. લગભગ મોટેરા વોર્ડની તમામ મોટી સોસાયટીઓમાં રોડ બનાવી દેવામાં આવ્યા છે અને મુખ્ય રસ્તાઓ તો એક પણ બાકી નહીં હોવાનું મનાય છે. છેલ્લા પાંચ-સાત વર્ષથી આ વિસ્તારમાં રોડ બનાવવામાં આવ્યા ન હતા. ત્યારે ટ્રમ્પ આવવાના હોવાથી આખા વિસ્તારની સુરત બદલી દેવામાં આવી હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે.