મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 22 જાન્યુઆરી 2020 (14:27 IST)

રાજદ્રોહ કેસમાં સેશન્સ કોર્ટે હાર્દિક પટેલને શરતી જામીન આપ્યા

રાજદ્રોહ કેસમાં સેશન્સ કોર્ટે હાર્દિક પટેલના શરતી જામીન મંજૂર કર્યા છે. હાર્દિકના વકીલે કોર્ટમાં બાહેંધરી આપી હતી કે, હાર્દિક હવે ફરીથી આવી ભૂલ કરશે નહીં. તેમજ કોર્ટે હવે પછીની તારીખમાં ફરજીયા હાજર રહેવા આદેશ આપ્યો હતો. આ પહેલા રાજદ્રોહ કેસમાં કોર્ટમાં ગેરહાજર રહી કાનૂની કાર્યવાહીને જાણી જોઇને વિલંબમાં નાખી મુદતમાં હાજર ન રહેતા હાર્દિક પટેલ સામે એડિ.સેશન્સ જજ બી.જે.ગણાત્રાએ ધરપકડ વોરંટ કાઢ્યું હતું. ત્યાર બાદ સાઇબર ક્રાઈમની ટીમે ગણતરીના કલાકોમાં વિરમગામ પાસેથી હાર્દિકની ધરપકડ કરી હતી. હાર્દિકને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 24મી સુધી જ્યુડિશિયલ કસ્ટડીનો આદેશ કર્યો હતો. ત્યાર બાદ હાર્દિક પટેલે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેના પર આજે સુનાવણી કરતા કોર્ટે હાર્દિક પટેલના જામીન મંજૂર કર્યા હતા. વર્ષ 2016માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાસના કન્વીનર હાર્દિક પટેલ, કેતન પટેલ, દિનેશ બાંભણિયા અને ચિરાગ પટેલ વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો નોંધાયો હતો, જેમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જશીટ કરી છે. આ કેસની કાનૂની કાર્યવાહી સેશન્સ કોર્ટમાં ચાલે છે. છેલ્લા ઘણા સમયથી હાર્દિક સહિતના આરોપીઓ જાણી જોઇને વિવિધ પ્રકારની અરજીઓ કરી મુદત પડાવે છે. સામાન્ય કામ હોવા છતાં કોર્ટમાં હાજર ન રહેવાની અરજીઓ કરતા હોવાથી કેસની ટ્રાયલ ચલાવવામાં વિલંબ થઇ રહ્યો છે