રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Last Modified: શુક્રવાર, 8 માર્ચ 2024 (12:28 IST)

217 વખત કોરોનાની રસી લેનાર દર્દીનું શું થયું?

તમામ તબીબી સલાહોને અવગણીને જર્મનીમાં એક 62 વર્ષીય વ્યક્તિએ 217 વખત કોરોનાની રસી લીધી હોવાનો મામલો સામે આવ્યો છે. ડૉક્ટરોએ આ વાતની પુષ્ટિ કરી છે.
 
આ પ્રકારનો વિચિત્ર કેસ ‘ધી લાન્સેટ ઇન્ફેક્શિયસ ડિસીઝ’ જર્નલમાં પ્રકાશિત થયો છે.
 
ચોંકાવનારી બાબત એ છે કે આ વ્યક્તિએ માત્ર 29 મહિનાના ગાળામાં જ રસીના 217 ડોઝ લીધા છે. આ રસી તેણે ખરીદી હતી અને ખાનગીમાં જ ડોઝ લીધા હતા.
 
યુનિવર્સિટી ઑફ ઍર્લેન્જન-નુરામબર્ગના સંશોધકોના જણાવ્યા અનુસાર, આ વ્યક્તિને કોઈપણ પ્રકારની આડઅસર થઈ નથી.
 
ખૂબ જ ગંભીર અને રસપ્રદ મામલો
યુનિવર્સિટીના સૂક્ષ્મજીવવિજ્ઞાન કેન્દ્રના ડૉ. કિલિયન સ્કોબર કહે છે, "અમને આ કેસની માહિતી સમાચારપત્રોમાંથી જ મળી હતી."
 
તેઓ કહે છે, "ત્યારબાદ અમે તે વ્યક્તિનો સંપર્ક કર્યો હતો અને તેમને ઍર્લેન્જનમાં વિવિધ પ્રકારના ટેસ્ટ કરાવવા માટેનું આમંત્રણ આપ્યું હતું." તેને પણ આ તમામ ટૅસ્ટ કરાવવામાં ખૂબ રસ હતો.
 
આ વ્યક્તિએ ઉત્સાહભેર લોહી અને લાળના નમૂનાઓ આપ્યા હતા.
 
સંશોધકોએ કેટલાક જમાવેલા ઠંડા લોહીના નમૂનાઓનું પણ પરીક્ષણ કર્યું હતું.
 
ડૉ. સ્કોબર કહે છે, "જ્યારે વ્યક્તિએ તેના પોતાના આગ્રહથી આ સંશોધન દરમિયાન વધુ રસીકરણ કરાવ્યું ત્યારે અમે જાતે જ લોહીના ફરીથી નમૂના લીધા હતા."
 
"શરીરનું રોગપ્રતિકારક તંત્ર રસીના ડોઝને ચોક્કસ કેવી રીતે પ્રતિક્રિયા આપે છે તે સમજવા માટે અમે આ નમૂનાઓનો ઉપયોગ કરી શક્યા."
 
મેગડેબર્ગ શહેરના સરકારી વકીલ દ્વારા 130 રસીના ડોઝ માટે પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા. તેમણે છેતરપિંડીના આરોપ સાથે તપાસ શરૂ કરી હતી, પરંતુ પછી કોઈ ફોજદારી આરોપો દાખલ કરવામાં આવ્યા ન હતા.
 
કોરોનાની રસીઓ ચેપનું કારણ બનતી નથી પરંતુ શરીરને રોગ સામે કેવી રીતે લડવું તે શીખવી શકે છે.
 
રોગપ્રતિકારક શક્તિ
મેસેન્જર રિબોન્યુક્લિક એસિડ (mRNA) રસીઓ શરીરના કોષોને વાયરસમાંથી આનુવંશિક કોષ બતાવે છે અને પછી કામ કરે છે.
 
પછી વાસ્તવિક રીતે જ્યારે કોરોના થાય ત્યારે રોગપ્રતિકારક તંત્ર એ પછી ઓળખે છે અને જાણતું હોય છે કે કોરોના સામે કેવી રીતે લડવું.
 
ડૉ. સ્કોબરને એવી ચિંતા હતી કે વારંવાર ડોઝ લેવાથી રોગપ્રતિકારક તંત્ર હાયપર-સ્ટિમ્યુલેટ થાય છે અને ચોક્કસ કોષો થાકી જાય તેવી શક્યતા રહેલી છે.
 
પરંતુ 62 વર્ષીય આ વ્યક્તિમાં સંશોધકોને એવા પણ કોઈ પુરાવા ન મળ્યા.
 
એ સિવાય આ વ્યક્તિને કોરોનાનો ચેપ લાગ્યો હોય તેવી પણ કોઈ નિશાની જોવા મળી ન હતી.
શું ખરેખર વધુ વખત રસી લેવી હિતાવહ છે?
સંશોધકો કહે છે, "સૌથી મહત્ત્વની વાત એ છે કે અમે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે વધુ પ્રમાણમાં વારંવાર રસી લેવાની વાતને પ્રોત્સાહન આપતા નથી."
 
એ સિવાય આ 62 વર્ષીય વ્યક્તિ પર કરવામાં આવેલાં સંશોધનો પણ લાંબાગાળાના સમય માટે કોઈ મોટું તારણ કાઢવા માટે સક્ષમ નથી. આથી, લોકોને તેની ભલામણ કરી ન શકાય.
 
યુનિવર્સિટીની વેબસાઇટ પર કહેવામાં આવ્યું છે કે, "હાલનું સંશોધન સૂચવે છે કે વેક્સિનના ત્રણ ડોઝ, તથા સંવેદનશીલ ગણાતા વૃદ્ધોને વધુ એક બૂસ્ટર ડોઝ એ સ્વીકાર્ય છે. એવી કોઈ સાબિતી નથી કે તેનાથી વધુ વેક્સિનની જરૂર છે."
 
યુકેના નેશનલ હૅલ્થ સર્વિસ અનુસાર, કેટલાક નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને કોરોનાની રસીનો વધુ એક ડોઝ લેવાની જરૂર પડે છે પરંતુ એ સરકારી હૅલ્થ ડિપાર્ટમેન્ટ જ નક્કી કરે છે કે કોને તે રસી આપવી જરૂરી છે.
 
કોરોનાની રસીની આડઅસરો પણ થઈ શકે છે. ઘણીવાર રસી લીધા બાદ હાથ સોજી જવા, તાવ આવવા જેવી પણ ઘટનાઓ બને છે.


Edited By-Monica sahu