ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 23 ફેબ્રુઆરી 2024 (09:37 IST)

અમદાવાદ: મોબાઇલ ચોરવા 25 હજારનો પગાર અને ઇન્સેન્ટિવ, 'ચોર કંપની'ની કહાણી

chaitanya mandlik ahmedabad
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફોનની ચોરી કરતી ગૅંગના બે આરોપીને જમાલપુર માર્કેટમાંથી રંગે હાથ પકડ્યા છે.
 
અમદાવાદમાં કેટલાક દિવસોથી શાકમાર્કેટ અને રેલવે સ્ટેશન જેવા ભીડભાડવાળા વિસ્તારમાંથી મોંઘી બ્રાન્ડના મોબાઇલ ચોરી થવાની ફરિયાદો પોલીસને મળતી હતી.
 
આ ફરિયાદો બાબતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ભીડવાળા વિસ્તારોમાં વોચ ગોઠવી હતી.
 
મોબાઇલ ચોરોને પકડવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી શાકમાર્કેટ અને રેલવે સ્ટેશન પર ખાસ વોચ ગોઠવી અને આરોપીઓને પકડી પાડ્યા.
 
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિકે જણાવ્યું, "ઝારખંડમાં બેકાર યુવાનોને ફોન ચોરી કરવાની રીતસર ટ્રેનિંગ આપી, એમને અલગઅલગ રાજ્યોમાં મોકલી ફોન ચોરી કરી. બાંગ્લાદેશ અને નેપાળમાં ચોરીના ફોન એક્સપોર્ટ કરતી ગૅંગને ગુજરાતમાં પગપેસારો કરતા જ પોલીસે પકડી પાડી. આ લોકો લાખ્ખો રૂપિયાના ચોરીના ફોન ઝારખંડ એમના બૉસને મોકલે એ પહેલાં અમદાવાદમાંથી જ પકડાઈ ગયા છે."
 
કેવી રીતે પકડાયા આરોપીઓ?
 
આ ગૅંગને પકડવાની કાર્યવાહીમાં સામેલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર વી.બી. આલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "અમે જોયું કે મુખ્યત્વે શાકમાર્કેટ, રેલવે સ્ટેશન જેવા વિસ્તારમાંથી મોંઘા ફોન વધુ ચોરાયા હતા. અમે ભૂતકાળના હિસ્ટ્રીશીટરની તપાસ કરી તો એ લોકો આ ફોન ચોરીમાં સંડોવાયેલા ન હતા."
 
"છેવટે અમે હ્યુમન ઇન્ટેલિજન્સની સાથે સાથે શાકભાજી બજાર અને રેલવે સ્ટેશન પર ખાસ વોચ ગોઠવી. વોચ દરમિયાન બે યુવાનો એક ટ્રાવેલિંગ બેગ જેવો થેલો લઈને જમાલપુર શાકમાર્કેટ પાસે ફરતા જોવા મળ્યા. શાકમાર્કેટ પાસે સામાન્ય રીતે થેલી કે અન્ય વસ્તુ સાથે લોકો આવે પણ ટ્રાવેલિંગ બેગ સાથે ના આવે."
 
આલે વધુમાં ઉમેર્યું કે "અમારી ટીમે એ બે યુવાન પર વોચ રાખી. એ બંને આસપાસ નજર કરી લેતા અને સીસીટીવી કૅમેરાની રેન્જ ન આવે એ વાતનું ધ્યાન રાખતા. સીસીટીવી કૅમેરા પહેલા જોતા અને પછી બીજી દિશામાં જતા હતા એટલે આ બે જણા પર અમારી શંકા દૃઢ બની ગઈ."
 
"અમારી ટીમે ધીમે ધીમે બંનેને ખબર ન પડે એ રીતે ભીડમાં જ રહી એમને કૉર્ડન કરવાનું શરૂ કર્યું. એટલામાં જ એક યુવાને શાકભાજી લઈ રહેલી એક વ્યક્તિનો મોબાઇલ ચોર્યો અને જેની પાસે ટ્રાવેલિંગ બેગ હતી એને આપ્યો અને ઝડપથી આગળ જવા લાગ્યો. જે યુવાન પાસે ટ્રાવેલિંગ બેગ હતી એ ફોન બેગમાં મૂકી ફોન ચોરનાર યુવકથી ઊંધી દિશામાં જવા લાગ્યો."
 
ગીર સોમનાથ: સરકારી નોકરી અપાવવાના નામે '99 લાખ રૂપિયા' ઠગવાના આરોપી કેવી રીતે ઝડપાયા?
‘કૅનેડા જવા 45 લાખ ખર્ચીને IELTS પાસ યુવતી સાથે લગ્ન’ કર્યાં બાદ યુવક કેવી રીતે છેતરાયો?
મોબાઇલ ચોરી બદલ મહિને 25 હજારનો પગાર
ઇન્સ્પેક્ટર વી.બી. આલે કહ્યું, "આરોપી અવિનાશ મહન્તો ઝારખંડના સાહેબગંજના નાનકડા ગામ મહારાજપુરનો હતો અને કૉલેજનું એક વર્ષ ભણીને ભણવાનું છોડી દીધું હતું. બીજો શ્યામકુમાર કુર્મી ઝારખંડના સાહેબગંજના બવપુરા ગામનો હતો. શ્યામકુમારને કૉલેજમાં એડમિશન મળ્યું હતું, પણ આગળ ભણ્યો ન હતો."
 
બન્નેની પૂછપરછ કરતા ખબર પડી કે પોલીસને ખબર પડી કે એ લોકોને સાહેબગંજના રાજુ મહન્તો અને રાહુલ મહન્તોએ ફોન ચોરવાની ટ્રેનિંગ આપી હતી અને મહિને 25 હજારના પગારથી નોકરીએ રાખ્યા હતા.
 
પોલીસ અનુસાર, આ બન્ને યુવાનને સુરત રેલવે સ્ટેશન પાસે એક રૂમ પણ ભાડે અપાવ્યો હતો. બન્ને સુરતમાં એક રૂમમાં રહેતા હતા એટલે એમને સુરતમાં ફોન ચોરી ન કરવાની સૂચના આપી હતી. બન્ને આરોપીઓને અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ અને રાજકોટમાંથી જ ફોન ચોરીને એ જ દિવસે સુરત પરત જતું રહેવાનું હતું. આમ, બન્ને આરોપીઓ પોલીસના હાથે પકડાય નહીં અને સુરતમાં મજૂરની જેમ રહે તો કોઈને શંકા પણ ના જાય.
 
ઇન્સ્પેક્ટર આલે કહ્યું કે, "આ લોકો ફોન ચોરીને રેલવેના પારસલમાં ઝારખંડ રાહુલ અને રાજુ મહન્તોને મોકલી આપતા. ઝારખંડ ફોન મળે એટલે રાજુ અને રાહુલ એક ફોન દીઠ સરદારગંજમાં જ રહેતા મોબાઇલ મિકેનિક પાસે પાંચ હજાર રૂપિયા આપી ફોનનાં લૉક ખોલાવી દેતા હતા."
 
"રાજુ અને રાહુલ ત્યાર બાદ એ ફોન નેપાળ અને બાંગ્લાદેશમાં એક્સપોર્ટ કરીને વેચી દેતા હતા. રાહુલ અને રાજુએ કહ્યું હતું કે જો આ લોકો મહિનામાં 90થી વધુ ફોનની ચોરી કરશે તો તેમને મહિને 25 હજારનો પગાર ઉપરાંત ઇન્સેન્ટિવ પણ આપવામાં આવશે."
 
ઇન્સ્પેક્ટર આલે જણાવ્યું કે અત્યાર સુધીમાં બન્નેએ મળીને 20 લાખ 60 હજારના 58 મોંઘા ફોનની ચોરી કરી છે, જે અમે રિકવર કર્યા છે. ચોરીના ફોનની સંખ્યા 60 થાય પછી તેઓ બે ભાગમાં રેલવેમાં પારસલ બનાવીને ઝારખંડ મોકલવાના હતા."
 
ગુજરાતમાં વર્ષ 2023માં પકડાયેલાં ‘નકલી’ કારનામાં
મોબાઇલ ચોરી કરતાં બ્લેક મેઈલથી વધુ પૈસા મેળવતા
 
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિકે કહ્યું કે આ સૌથી અલગ પ્રકારની ફોન ચોરીની મૉડસ ઓપરેન્ડી છે, કારણ કે આ ફોન નેપાળ અને બાંગ્લાદેશમાં એક વાર વેચાઈ જાય એટલે આઈએમઈઆઈ નંબર પણ ટ્રેસ ન થાય. ઝારખંડથી ગુજરાત આવીને ફોનની ચોરી કરતી આ ગૅંગ 'કૉર્પોરેટ' રીતે કામ કરી રહી છે.
 
ડીસીપી ચૈતન્ય માંડલિકે કહ્યું કે, "ઝારખંડનો સાહેબગંજ જિલ્લો ડુંગરાળ છે એટલે ખાસ ખેતી નથી. શાળા અને કૉલેજની સંખ્યા ઓછી હોવાથી મોટા ભાગે લોકો અહીંથી કામ મેળવવા ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હી જેવી જગ્યાઓ પર જાય છે."
 
"જે લોકો અન્ડર ગ્રેજ્યુએટ હોય અને નોકરી શોધતા હોય એમને સાહેબગંજના રાજુ મહંતો અને રાહુલ મહંતો નામના બે લોકો આસપાસનાં ગામડાંમાંથી શોધી કાઢતા હતા. બન્ને આ લોકોને સરળતાથી પૈસા કમાવવાની લાલચ આપતા."
 
"બેરોજગાર અને નિરાશ થયેલા યુવાનો એમની લાલચની જાળમાં ફસાઈ જતા. યુવાનોને ભરોસામાં લેવા માટે પહેલા દોઢ મહિનો પાંચ હજાર રૂપિયા સ્ટાઈપેન્ડ તરીકે આપતા. લોકોના ખિસ્સામાંથી ફોન કેમ ચોરી કરવા એ શીખવતા હતા. ફોન ચોરી કરતા આવડી જાય એટલે એમને ટ્રેનિંગ અપાતી હતી કે ભીડભાડવાળા વિસ્તારમાં કેવી રીતે ચોરી કરવી, સીસીટીવીથી કેવી રીતે બચી શકાય. આ તમામ બાબતોની ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી."
 
ડીસીપી ચૈતન્ય માંડલિકે જણાવ્યું કે આ ગૅંગને કેટલાક ફોનમાં કેટલાંક કપલ અને પ્રેમીયુગલોના અંગત પળોના ફોટા અને વીડિયો મળ્યા છે, જેનાથી આરોપીઓ તેમને બ્લેકમેલ પણ કરી રહ્યા હતા.
 
આ અંગે તપાસ ચાલુ હોવાથી બ્લેક મેલિંગ અંગેની વધુ વિગતો આપવાનો ઇન્કાર કરતા માંડલિકે જણાવ્યું કે અમારી એક ટીમ ઝારખંડ પોલીસના સંપર્કમાં છે અને ત્યાં પહોંચી છે.
 
"આ માત્ર ફોન ચોરીને વિદેશમાં વેચવાનું કાવતરું નથી, પણ બ્લેક મેઈલિંગનું પણ મોટું રૅકેટ છે. ચોરીના ફોન વેચવા કરતાં એ લોકો બ્લેક મેઈલિંગથી વધુ પૈસા કમાય છે. એટલે જ તેઓ ફોન ચોરી કરવા યુવાનોને પગાર આપવા ઉપરાંત વધુ ફોન ચોરનારને ઇન્સેન્ટિવ આપતા."
 
ડીસીપી ચૈતન્ય માંડલિકે કહ્યું, “અમે આ ગૅંગ સુધી પહોંચી ગયા છીએ. આ બે લોકોની ધરપકડ થયા પછી ગૅંગના મુખ્ય સૂત્રધારો ભૂગર્ભમાં જતા રહ્યા છે. જોકે, અમે ટૂંક સમયમાં ઝારખંડની આ ગૅંગના મુખ્ય સૂત્રધારોને પણ પકડી પાડીશું."