ફ્રાન્સનાં શહેરોમાં યુવતીઓ રસ્તા પર કેમ ઊતરી?

france
Last Modified સોમવાર, 25 નવેમ્બર 2019 (13:26 IST)
ફ્રાન્સનાં જુદાં-જુદાં શહેરોમાં યુવતીઓ અને મહિલાઓ પ્રદર્શન કરવા માટે રસ્તાઓ પર ઊતરી છે.
તેઓ ફ્રેંચ શહેરોમાં મહિલાઓની હત્યા તેમજ અન્ય જાતીય હિંસાનો વિરોધ કરી રહી છે. તેમનો આરોપ છે કે અધિકારીઓ આંખે પાટા બાંધીને આ સમસ્યાને જોઈ રહ્યા છે.

સમગ્ર પશ્ચિમ યુરોપમાં ફ્રાન્સમાં ઘરેલુ હિંસાના કેસમાં સૌથી વધુ મહિલાઓની હત્યા થાય છે. સ્થાનિક મીડિયાનું કહેવું છે કે માત્ર એક વર્ષમાં આશરે 115 મહિલાઓની ઘરેલુ હિંસામાં હત્યા થઈ છે.

તેનો જ વિરોધ કરવા સમગ્ર ફ્રાન્સનાં જુદાં-જુદાં શહેરોમાં આશરે 30 જેટલી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.

એવી આશા છે કે સોમવાર સુધી ઘરેલુ હિંસા પર નિયંત્રણ મેળવવાનાં પગલાં અંગે કંઈક નિર્ણય લેવામાં આવશે.

રેલીમાં ભાગ લેવા આવેલા કેરોલિના ડે હાસનું કહેવું છે, "મને લાગે છે કે આ એક ઐતિહાસિક પ્રદર્શન હશે. જે સમસ્યા છે તેના વિશે આ માર્ચના કારણે લોકો ઝડપથી જાણવા લાગ્યા છે."

AFPના રિપોર્ટ પ્રમાણે ફ્રાન્સમાં દર ત્રીજા દિવસે એક મહિલાની તેના પતિ અથવા તો પૂર્વ પતિ દ્વારા હત્યા થાય છે.
યુરોપિયન યુનિયનના આંકડા કહે છે કે વર્ષ 2017માં ફ્રાન્સમાં પાર્ટનર દ્વારા 123 મહિલાઓની હત્યા થઈ હતી.

મહત્ત્વનું છે કે સમસ્યાના સમાધાન માટે સરકારે સપ્ટેમ્બર મહિનામાં કેટલાંક પગલાં લીધાં હતાં જેમાં મહિલાઓ માટે 1000 આશ્રયસ્થળો બનાવવાની વાત હતી.

આ સાથે જ 400 નવાં પોલીસ સ્ટેશનની પણ વાત હતી કે જેમાં એ જોવામાં આવશે કે મહિલાઓની ફરિયાદ પર કેવી રીતે પગલાં ભરવામાં આવે છે.
ફ્રાન્સના વડા પ્રધાને જાતીય હિંસા પર રોક લગાવવા માટે 45 લાખ પાઉન્ડના ફંડની પણ જાહેરાત કરી હતી.


આ પણ વાંચો :