મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By પ્રદીપ કુમાર|
Last Modified: મંગળવાર, 4 જૂન 2019 (15:01 IST)

મોદી સરકાર રાજ્યસભામાં બહુમતી મેળવ્યા પછી શું-શું કરી શકે છે?

17મી લોકસભામાં ભાજપના 303 સાંસદ છે અને એનડીએના 353. આટલી બહુમતી હોવા છતાં મહત્ત્વના નિર્ણયો માટે ભારતીય જનતા પક્ષે રાજ્યસભામાં બહુમત માટે રાહ જોવી પડશે.
245 સભ્યોવાળી રાજ્યસભામાં ભાજપના હાલમાં 73 સભ્યો છે. રાજ્યસભાના ઇતિહાસમાં ભાજપે પહેલી વાર ગત વર્ષે કૉંગ્રેસને પાછળ છોડી હતી.
આ સિવાય જનતાદળ (યૂનાઇટેડ)ના છ, શિરોમણિ અકાલીદળના ત્રણ, શિવસેનાના ત્રણ અને રિપબ્લિક પાર્ટી ઑફ ઇન્ડિયાના એક સભ્ય છે.
આ બધા મળીને એનડીએના રાજ્યસભામાં 86 સાંસદો થાય છે. વર્તમાન સમયમાં અન્ના દ્રમુકના રાજ્યસભામાં 13 સાંસદ છે અને નિર્ણાયક સમયે તેનું ભાજપને સમર્થન મળતું રહ્યું છે. આ હિસાબે રાજ્યસભામાં એનડીએના સાંસદોની સંખ્યા 99 સુધી પહોંચે છે.
આ સિવાય વર્તમાન સરકારને ત્રણ નામાંકિત સભ્યોનું સમર્થન મળી રહ્યું છે. આ ત્રણ સભ્યો છે- સ્વપન દાસગુપ્તા, મેરીકૉમ અને નરેન્દ્ર જાધવ.
 
 
એટલે કે રાજ્યસભામાં એનડીએ બહુમતથી માત્ર 21 સીટ દૂર છે. તેમ છતાં વર્તમાન સ્થિતિમાં એનડીએને રાજ્યસભામાં બહુમતી હાંસલ કરવા માટે બહુ મુશ્કેલી નહીં પડે.
વરિષ્ઠ રાજકીય પત્રકાર રશીદ કિદવાઈ કહે છે, "હાલમાં પણ વર્તમાન સરકારને બહુ મુશ્કેલી નહીં પડે. બીજુ જનતાદળ, વાયએસઆર કૉંગ્રેસ અને તેલંગણા રાષ્ટ્ર સમિતિના સમર્થન પર નિર્ભર રહેવું પડશે. ત્રણેય દળ બિનકૉંગ્રેસ અને બિનભાજપી જૂથમાં જરૂર છે, પરંતુ જરૂર પડતા તેઓ ભાજપને સમર્થન આપી શકે છે."
વર્તમાન સમયમાં રાજ્યસભામાં બીજુ જનતાદળના નવ, તેલંગણા રાષ્ટ્ર સમિતિના છ અને વાયએસઆર કૉંગ્રેસના બે સભ્યો છે.
 
ક્યારે બહુમત મળી શકશે?
જોકે, 14 જૂન, 2019માં આસામમાં રાજ્યસભાની બે બેઠક ખાલી થવાની છે. મનમોહનસિંહ અને એસ. કુજુર બંને કૉંગ્રેસી સાંસદ છે.
હવે આસામમાં ભાજપ બહુમતીમાં છે. આથી આ બંને બેઠક પર એનડીએનો કબજો નક્કી છે.
ભાજપ ચૂંટણી પહેલાં આમાંથી એક બેઠક લોજપાના સંસ્થાપક રામવિલાસ પાસવાનને આપવા માટે તૈયાર થયો હતો.
2020ની શરૂઆતમાં યૂપીએ તરફથી નિયુક્ત કેટીએસ તુલસી રિટાયર થશે. આથી એનડીએ પોતાની પસંદના સાંસદની નિમણૂક કરી શકશે.
વરિષ્ઠ પત્રકાર અજયસિંહ કહે છે, "આ બધા વચ્ચે કર્ણાટક અને મધ્ય પ્રદેશ સરકાર પર પણ નજર રાખવી પડશે. ત્યાં જો આવનારા કેટલાક મહિનામાં સરકાર બદલાય તો ભાજપ રાજ્યસભામાં બહુમતીની નજીક પહોંચી જશે."
એપ્રિલ 2020માં મહારાષ્ટ્ર, આસામ, ઝારખંડ, હરિયાણા, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશથી રાજ્યસભાની 55 બેઠકો ખાલી થશે.
તેમાંથી ઉત્તર પ્રદેશમાંથી નવ બેઠકો ખાલી થશે, જેમાં સમાજવાદી પાર્ટીના રામગોપાલ યાદવ, નીરજ શેખર, જાવેદ અલી ખાન અને કૉંગ્રેસના પીએલ પૂનિયા જેવા સાંસદો રિટાયર થશે.
આ નવ બેઠકમાંથી માત્ર એક બેઠક સમાજવાદી પાર્ટી પાછી મેળવી શકશે અને બાકીની આઠ બેઠક ભાજપને મળશે એ નક્કી છે, કેમ કે ઉત્તર પ્રદેશમાં ભાજપના 309 ધારાસભ્યો અને 62 સાંસદ છે.
રાજ્યસભાની આ 55 બેઠકમાંથી ઓછામાં ઓછી 19 બેઠક ભાજપને મળે તેવી ઉમેદ છે.
આથી આવનારા વર્ષ સુધીમાં ભાજપ રાજ્યસભામાં પોતાના દમ પર બહુમત હાંસલ કરી શકશે.
ગત પાંચ વર્ષમાં ઘણી વાર એવું જોવા મળ્યું હતું કે રાજ્યસભામાં બહુમતી ન હોવાથી ભાજપ સરકાર ઘણા બિલ પાસ ન કરાવી શકી.
અજયસિંહ માને છે કે રાજ્યસભામાં બહુમતી મળતા સરકારને ઘણી બાબતોમાં રાહત થશે.