રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 7 મે 2019 (18:35 IST)

ઑનર કિલિંગ : લગ્નથી નારાજ પિતાએ પુત્રી-જમાઈને જીવતા સળગાવી નાખ્યા

19 વર્ષનાં રુકમણી રણસિંઘેએ થોડા દિવસ પહેલાં જ પોતાના પ્રેમી સાથે લગ્ન કર્યાં હતાં. લગ્નના આ નિર્ણય સાથે તેમનો પરિવાર સહમત ન હતો. બંનેની જ્ઞાતિ અલગ હોવાને કારણે પરિવારના સભ્યો રુકમણીથી નારાજ હતા. આ વાતની નારાજગી એટલી હદ સુધી વધી ગઈ કે એક દિવસ રુકમણીના પિતા, કાકા અને મામાએ મળીને તેમને અને તેમના પતિને જીવતાં સળગાવી દીધાં.  પોતાના પરિવારના ગુસ્સાની કિંમત રુકમણીએ પોતાનો જીવ આપીને ચૂકવવી પડી.
 
મહારાષ્ટ્રના અહમદનગરના પરનેર તાલુકાના નિક્સોજ ગામમાં બનેલી આ ઘટનાએ ફરી એકવાર ઑનર કિલિંગના મુદ્દાને દુનિયા સમક્ષ લાવી દીધો છે. રુકમણી અનુસૂચિત જાતિ(એસસી)ની પાસી જ્ઞાતિનાં હતાં અને મંગેશ અન્ય પછાત વર્ગ (ઓબીસી)ની લુહાર જ્ઞાતિના હતા. બંનેએ છ મહિના પહેલાં જ પ્રેમલગ્ન કર્યાં હતાં. રુકમણીના પિતા અને અન્ય પરિવારજનો આ લગ્નની વિરુદ્ધમાં હતા. જોકે, મંગેશના પરિવારે બંનેનો આ સંબંધ સ્વીકારી લીધો હતો અને લગ્નથી ખુશ હતો. 
રુકમણીના દિયર મહેશ રણસિંઘેએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે લગ્નમાં રુકમણી તરફથી માત્ર તેમનાં માતા આવ્યાં હતાં.
રુકમણીને ઘરે બોલાવી માર માર્યો
 
મહેશે કહ્યું, "લગ્ન બાદ પણ રુકમણીના ઘરના સભ્યો આ સંબંધનો વિરોધ કરતા હતા."
 
"રુકમણી કે મંગેશને જ્યારે તેઓ રસ્તા પર મળતા હતા તો ધમકીઓ આપતા હતા. જેનાથી પરેશાન થઈને રુકમણી અને મંગેશે આ વર્ષે ફેબ્રુઆરીમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી હતી."
 
આ તણાવના માહોલમાં એક દિવસ રુકમણીનાં માતાપિતાએ 30 એપ્રિલના રોજ તેમને પોતાના ઘરે બોલાવ્યાં હતાં. ઘરે ગયા બાદ તેમણે રુકમણીને માર માર્યો હતો. એ રાત્રે જ રુકમણીએ મંગેશને ફોન કરીને જણાવ્યું હતું કે તેમના પરિવારજનોએ તેમને માર માર્યો છે.
 
રુકમણીએ મંગેશને કહ્યું કે તેઓ તેમને આવીને લઈ જાય. બીજા દિવસે એટલે કે 1 મેના રોજ મંગેશ રુકમણીના ઘરે પહોંચ્યો. ત્યાં સુધીમાં તો ઉત્તર પ્રદેશમાં રહેતા રુકમણીના મામા અને કાકા પણ આવી ગયા હતા. એ દિવસે રુકમણીનાં લગ્નને લઈને ઘરમાં મોટો ઝઘડો થયો. રુકમણીના મામા અને કાકાએ મંગેશ અને રુકમણી સાથે મારપીટ કરી.
એ બાદ તેમણે બંનેને દોરડાં વડે બાંધી દિધાં અને તેમના પર પેટ્રોલ છાંટીને આગના હવાલે કરી દીધાં.
 
તેમણે માત્ર દંપતીને આગ લગાડ્યા બાદ બહારથી ઘરના દરવાજા બંધ કરી દીધા હતા. મહેશ રણસિંઘે કહે છે કે ઘરમાંથી નીકળનારી દર્દનાક ચીસો પાડોશીઓ સુધી પહોંચી તો ઘટનાસ્થળ પર લોકો એકઠા થઈ ગયા. તેમણે ઍમ્બુલન્સ બોલાવી રુકમણી અને મંગેશને પૂણે લઈ જવામાં આવ્યાં. બંનેને સારવાર માટે સસૂન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.  ત્રણ દિવસ સુધી જીવવા માટે સંઘર્ષ કરતાં-કરતાં 5 મેના રોજ રુકમણીનું મૃત્યુ થઈ ગયું.
 
જ્યારે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં ત્યારથી જ તેમની હાલત ગંભીર હતી. રુકમણીના શરીરનો 60થી 65 ટકા ભાગ બળી ગયો હતો. સસૂન હૉસ્પિટલના ડૉક્ટર અજય તાવરેએ બીબીસને જણાવ્યું કે હાલ મંગેશની સારવાર ચાલી રહી છે. તેમની સ્થિતિ પણ ગંભીર છે અને તેમના શરીરનો 40થી 45 ટકા ભાગ બળી ગયો છે. 
 
રુકમણીના ઘરની નજીક રહેતા સંજય બેદી કહે છે, "ઘરમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો, પરંતુ દરવાજો બંધ હતો. અમે દરવાજો તોડી નાખ્યો અને પછી મામલો જોઈને ઍમ્બુલન્સ બોલાવવા ફોન કર્યો."
 
પરિવાર વિશે સંજય બેદી કહે છે કે તેમણે આ લોકો વિશે વધારે માહિતી નથી. આ પરિવાર ઉત્તર પ્રદેશથી આવ્યો છે અને છેલ્લા આઠ મહિનાથી અહીં રહે છે.
 
કાકા-મામાની ધરપકડ, પિતાની શોધખોળ
 
પરનેર પોલિસ સ્ટેશનમાં આ મામલે એક ફરિયાદ નોંધવામાં આવી છે અને રુકમણીના મામા ઘનશ્યામ અને કાકા સુરેન્દ્ર બાબુલાલ ભારતી ઉર્ફે બિલ્લુ પંડિતની ધરપકડ કરી લેવામાં આવી છે. અહમદનગરના અધિક પોલીસ અધીક્ષક મનીષ કલવાનિયાએ જણાવ્યું, "પોલીસ રુકમણીના પિતા રામા રામફલ ભારતીને શોધી રહી છે."
 
"ઘટનાસ્થળ પરથી પોલીસને પેટ્રોલની એક બૉટલ સહિત અન્ય કેટલીક વસ્તુઓ મળી છે. હાલ તપાસ ચાલી રહી છે."
 
રુકમણીના દિયર મહેશનો આરોપ છે કે પોલીસની નિષ્ક્રિયતાને કારણે જ તેમના પરિવારે ભોગવવું પડ્યું છે.
 
મહેશે કહ્યું, "અમે નિક્સોજ અને પરનેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. રુકમણીના પરિવારજનો ધમકીઓ આપતા હતા."
 
"ફેબ્રુઆરીમાં અમે પોલીસને આ ધમકીઓ અંગે જણાવ્યું હતું. આ ઘટના પહેલાં પણ અમે પોલીસને કહ્યું હતું કે અમને ધમકીઓ મળી રહી છે."
 
મહેશને હવે આશા છે કે તેમના ભાભીના હત્યારાઓને જલદી સજા મળે અને તેમના પરિવારને ન્યાય મળે.