શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 26 સપ્ટેમ્બર 2019 (09:52 IST)

પરંપરાને પડકારી દુલહન જાન લઈને વરરાજાને ઘરે પહોંચી

એક લગ્ન ચર્ચાનો વિષય બન્યા છે જેમાં દુલહન નિકાહ કરવા માટે પોતાના દુલ્હાને ઘરે પહોંચી ગયાં.

19 વર્ષનાં ખદીજા અખ્તર ખુશીએ આવું પોતાનાં મહેમાનો માટે નહીં પરંતુ બાંગ્લાદેશની મહિલાઓને પ્રેરણા આપવા માટે કર્યું હતું.

આ પહેલાં આ દેશમાં સદીઓથી દુલ્હા જ દુલહનના ઘરે નિકાહ કરવા જતા આવ્યા છે.

બાંગ્લાદેશના ખદીજાએ બીબીસીને કહ્યું કે જો છોકરાઓ છોકરીઓને નિકાહ કરીને લઈ જઈ શકતા હોય તો છોકરીઓ કેમ નહીં?

તારીક ઇસ્લામ સાથે તેમના લગ્ન બાંગ્લાદેશમાં ચર્ચાનો વિષય બન્યા છે.

કેટલાક લોકો આ નિકાહને પ્રેરણાદાયક માને છે તો કેટલાક લોકોને આ વાત પસંદ પડી નથી.

સોશિયલ મીડિયા પર એક વ્યક્તિએ દુલ્હા-દુલહન અને તેમના પરિવારોને ચંપલથી મારવાની વાત પણ લખી.

જોકે, ખદીજા અને તેમના પતિ આ રીતે નિકાહ કરવાને એક યોગ્ય પગલું માને છે.

ખદીજાએ બીબીસીને કહ્યું, "આ પરંપરાનો પ્રશ્ન નથી. આ મહિલા અધિકારની બાબત છે. "

"આજે જો છોકરી સાથે લગ્ન કરવા છોકરાને ત્યાં જાય તો કોઈનું નુકસાન નથી થતું."

તેમણે ઉમેર્યું, "આનાથી મહિલા વિરુદ્ધ અત્યાચાર ઓછાં થશે, મહિલાઓને તેમની ગરિમા પાછી મળશે. બધા સમાન હશે."

વિરોધ પણ થયો
 

નવદંપતિને પહેલાંથી અંદાજ હતો કે આ પ્રકારના નિકાહ સામે વિરોધ થશે.
 
તેમનું લગ્ન ભારતની સરહદ પાસે શનિવારે એક ગ્રામ્ય વિસ્તારમાં થયું.
 
તેમના પરિવારજનો પણ પહેલાં આ રીતે નિકાહ થાય તે માટે તૈયાર નહોતા.
 
27 વર્ષનાં તારીકુલનું કહેવું છે કે પરિવારજનો પાછળથી માની ગયા કારણ કે આમાં કંઈ ખોટું નથી.
 
નવદંપતિ કહે છે, "કેટલાક લોકો કોર્ટ મૅરેજ કરે છે, કેટલાક લોકો મસ્જિદમાં જાય છે. અમે ધાર્મિક રીતે લગ્ન કર્યા હતાં."
 
તેમણે ઉમેર્યું, "એક કાઝી અમારા નિકાહના સાક્ષી બન્યા હતા. આવી રીતે નિકાહની નોંધણી થઈ હતી. આ નિકાહની ઔપચારિકતા હોય છે. અમે આવું જ કર્યું હતું."
 
તેમણે કહ્યું, " એ મહત્ત્વપૂર્ણ નથી કે લોકો શું વિચારે છે, અમુક લોકો જુદી રીતે વિચારે છે, બધાનો પોતાનો અભિપ્રાય હોઈ શકે છે."

પરંપરા શું છે?

બીબીસી બંગાળીનાં સંવાદદાતા સંજના ચૌધરી કહે છે કે અહીં પરંપરા અનુસાર, વરરાજા અને તેમનો પરિવાર દુલહનના ઘરે જતા હોય છે.

ત્યાં લગ્ન સમારંભ યોજાતો હોય છે. પછી દુલહનની વિદાય કરવામાં આવે છે.

પ્રાચીન સમયથી આવી જ પરંપરા ચાલતી આવી છે.

પરંતુ બાંગ્લાદેશના પશ્ચિમમાં આવેલા મેહરપુરમાં પરંપરાથી જુદું કંઈક થયું છે.

આ એક મહત્ત્વપૂર્ણ બનાવ છે અને કેટલાક પુરુષોને આ અપમાનજનક લાગ્યું હશે.

જે બાંગ્લાદેશના શહેરોમાં પણ ક્યારેય નથી થયું એ એક નાના ગામમાં બન્યું હતું. આ દંપતીએ બહુ હિંમત દાખવીને પોતાના નવા જીવનની શરૂઆત કરી છે.

તેમના આત્મવિશ્વાસ છતાં આ એક સાહસિક પગલું છે.

તાજેતરના વર્ષોમાં લૈંગિક સમાનતા બાબતે બાંગ્લાદેશમાં ઘણી પ્રગતિ થઈ છે. વર્લ્ડ ઇકોનૉમિક ફોરમ પ્રમાણે એશિયામાં લૈંગિક સમાનતાની બાબતે બાંગલાદેશ મોખરે છે.

પરંતુ કેટલીક ગંભીર બાબતો હજુ સમાજમાં છે.