ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By રોહન નામજોશી|
Last Updated : સોમવાર, 7 નવેમ્બર 2022 (17:18 IST)

માતા બનવાની વધુ યોગ્ય ઉંમર કઈ ગણાય? મોટી ઉંમરે માતા બનીએ તો શુ સમસ્યાનો સામનો કરવો પડે

પૂજા ખાડે-પાઠક પૂણેમાં રહે છે. તેઓ હ્યુમન રિસોર્સ ક્ષેત્રમાં કામ કરે છે. તેમણે 23 વર્ષની વયે માતા બનવાનો નિર્ણય કર્યો હતો. આજે તેઓ 33 વર્ષનાં છે અને તેમની દીકરી 10 વર્ષની.
 
માતા બનવાનો નિર્ણય પોતે વિચારપૂર્વક કર્યો હોવાનું તેઓ જણાવે છે.
 
પૂજા કહે છે કે "દરેક ક્ષેત્રમાં સ્પર્ધા હોય છે. ચડાવ-ઉતરાવ હોય છે. મારી કારકિર્દીની શરૂઆત જોશભેર થઈ ન હતી. તેથી મેં વિચારેલું કે એ તબક્કે જ હું બ્રેક લઈશ તો આગળ જતાં વધુ સારી તક મળશે. તેથી કામ કરવાનું ઝનૂન સવાર થયું હોય ત્યારે બ્રેક લેવાને બદલે શરૂઆતમાં જ માતા બની જવું વધારે સારું છે એવું મેં વિચાર્યું હતું."
 
પૂજા ઉમેરે છે કે "બીજો વિચાર મેં આરોગ્યનો કર્યો હતો. 23 વર્ષની વયે હું એકદમ તંદુરસ્ત હતી. તેથી મને લાગ્યું હતું કે હું તાણ અને સંયમ વગેરે સાથે સારી રીતે કામ પાર પાડી શકીશ."
 
"ઉપરાંત મારા અને મારા સંતાન વચ્ચે જનરેશન ગેપ હોય તેવું હું ઇચ્છતી ન હતી. તેથી મેં આ નિર્ણય કર્યો હતો."
 
 
માતા બનવાની કોઈ ઉંમર હોય?
 
ટેકનિકલી આ એક અત્યંત વ્યક્તિગત સવાલ છે, પણ તબીબી દૃષ્ટિએ વિચારીએ તો દરેક જણે અલગ-અલગ મોરચે લડવાનું હોય છે.
 
સ્ત્રીરોગોનાં નિષ્ણાત ડૉ. નંદિની પાળશેતકરના મતાનુસાર, માતા બનવા માટે 25થી 35 વર્ષનો સમયગાળો ઉત્તમ હોય છે.
 
ડૉ. પાળશેતકર કહે છે કે "35 વર્ષ પછી માતા બનવામાં સ્ત્રીએ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેથી 25થી 35 વર્ષનો દસકો માતા બનવા માટે સુયોગ્ય છે. 35 વર્ષ પછી ગર્ભવતી થવામાં બહુ મુશ્કેલી થાય છે."
 
"અત્યારે તો છોકરીઓનાં લગ્ન જ મોડાં થાય છે. એ પછી માતા ક્યારે બનવું તેનો નિર્ણય કરવામાં આવે છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં યુવતીઓએ બહુ સાવધ રહેવું જોઈએ. તેમણે ફર્ટિલિટી ટેસ્ટ એટલે કે ગર્ભાધાન સંબંધી પરીક્ષણ કરાવવું જોઈએ."
 
"AMH (એન્ટિ-મુલેરિયન હોર્મોન) નામે ઓળખાતા આ ટેસ્ટ વડે સ્ત્રીના શરીરમાંના ગર્ભધારણ સંબંધી ઈંડાનું પ્રમાણ જાણી શકાય છે. તે પ્રમાણ ઓછું હોય તો જોખમ વધારે હોય છે. તેથી યુવતીઓએ સાવધ રહેવું જોઈએ."
 
નાગપુરનાં વિખ્યાત સ્ત્રીરોગ નિષ્ણાત ડૉ. ચૈતન્ય શેંબેકર માને છે કે માતા બનવાની યોગ્ય વય 25થી 30 વર્ષનો સમયગાળો છે.
 
તેઓ કહે છે કે "અમારે ત્યાં આઈવીએફ એટલે કે ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન માટે આવતી મહિલાઓના Ovarian reserveની વય ઘટીને 30 વર્ષની થઈ ગઈ છે. 32 વર્ષની વય સુધીમાં તો તેમાં વધુ ઘટાડો થાય છે."
 
"આપણે પશ્ચિમી દેશોનું અનુકરણ કરીએ છીએ. એમની માફક આપણે પણ કારકિર્દી પર વધારે ફોક્સ કરીએ છીએ. સમસ્યા ત્યાંથી શરૂ થાય છે. ભલે ગમે તેટલાં સંતાનો જોઈતાં હોય, પરંતુ માતા બનવાની વય આ જ હોવી જોઈએ એમ હું સ્પષ્ટ માનું છું."
 
ડૉ. પાળશેતકર ઉમેરે છે કે "અત્યારે ઓવેરિયન એજિંગ બહુ મોટી સમસ્યા છે. મારા ક્લિનિકમાં આવતી કુલ પૈકીની 30 ટકા યુવતીઓમાં આ સમસ્યા જોવા મળે છે. તેમનાં લગ્ન મોટી વયે થાય છે અને એ પછી માતા ક્યારે બનવું તેનો નિર્ણય કરવામાં આવે છે. અત્યારે તો અંડાણુ થીજાવવાનો વિકલ્પ સુધ્ધાં ઉપલબ્ધ છે. અનેક યુવતીઓ તે વિકલ્પ અપનાવે છે, પરંતુ તેમાં અપવાદ હોય છે. તેથી મને લાગે છે કે માતા બનવાની યોગ્ય વય 25થી 35 વર્ષનો દાયકો છે."
 
ડૉ. શેંબેકરના મતાનુસાર શુક્રાણુ થીજાવવાનો વિકલ્પ બહુ વ્યવહારુ નથી. અત્યારે તો અંડાણુ થીજાવવાની મોટી લહેર આવી છે. અનેક મોટી કંપનીઓ એ માટે વીમો પણ ઑફર કરે છે, પરંતુ આ સંબંધે માત્ર અંડાણુની જ નહીં, પરંતુ સ્ત્રીની વયને પણ ધ્યાનમાં લેવી જોઈએ. ઉંમર જેમ વધે છે તેમ શરીરની મર્યાદા પણ વધે છે. તરુણ વયે સહનશક્તિ વધારે હોય છે, શારીરિક ક્ષમતા વધારે હોય છે.
 
બાળકને જન્મ આપવો એ દરેક સ્ત્રીનો બીજો જન્મ હોવાનું કહેવાય છે, કારણ કે ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસ, બ્લડપ્રેશર વગેરે જેવી સમસ્યાઓ ઉદભવતી હોય છે. તેથી વેળાસર લગ્ન કરીને બાળકને જન્મ આપવાથી આવી સમસ્યાઓ ટાળી શકાય છે, એવું ડૉ. શેંબેકર જણાવે છે.
 
મોટી ઉંમરે માતા બનીએ ત્યારે શું થાય?
 
મૂળ મુંબઈનાં રીટા જોશી ઈન્ફોર્મેશન ટેક્નોલૉજી ક્ષેત્રે કામ કરે છે. સામાજિક દૃષ્ટિએ જે વય લગ્નની ગણાય છે એ વયે તેઓ કારકિર્દીમાં વ્યસ્ત હતાં.
 
તેમણે કામના ભાગરૂપે અનેક વખત પરદેશ જવું પડ્યું હતું. આવાં અનેક કારણસર તેમનાં લગ્ન 35 વર્ષે થયાં હતાં. લગ્ન પછી તેમણે કુદરતી રીતે ગર્ભવતી થવાના અનેક પ્રયાસ કર્યા હતી, પરંતુ તેમાં સફળતા મળી ન હતી.
 
તેમણે આઈયુઆઈ અને આઈવીએફનો વિકલ્પ અજમાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એ માટે સુધ્ધાં કારકિર્દીમાં સમય મળ્યો ન હતો.
 
આખરે ઑક્ટોબર-2020માં તેમણે આઈવીએફનો વિકલ્પ અજમાવ્યો હતો. એ સમયે લૉકડાઉન હતું અને વર્ક ફ્રોમ હોમના કારણે તેઓ ટ્રીટમેન્ટ માટે જરૂરી સમય આપી શક્યાં હતાં અને આખરે સુંદર પુત્રીનાં માતા બન્યાં હતાં.
 
કારકિર્દીને લીધે લગ્ન મોડાં થાય અને એ પછી વિલંબથી માતૃત્વ પામવા મળે એવી આ કથા એકમાત્ર રીટા જોશીની નથી.
 
 સ્ત્રીઓ માટે વય શા માટે મહત્ત્વની છે?
 
સ્ત્રીઓ માટે વય મહત્ત્વની હોવાનું કારણ છે તેમના શરીરમાંનું અંડાણુનું પ્રમાણ. વધતી વયની સાથે સ્ત્રીઓના ગર્ભાશયમાં એગ્ઝનું પ્રમાણ ઘટતું હોવાનું પાછલા કેટલાય દાયકાઓમાં વિજ્ઞાનીઓએ નોંધ્યું છે.
 
પુરુષના શરીરમાં રોજ લાખો સ્પર્મ બનતાં હોય છે, જ્યારે સ્ત્રીઓમાં જન્મસમયે 10 લાખ એગ્ઝ હોય છે. સ્ત્રીઓમાં માસિક આવતું શરૂ થાય ત્યાં સુધીમાં એ સંખ્યા ઘટીને ત્રણ લાખની થઈ જાય છે.
 
સ્ત્રી 37 વર્ષની થાય ત્યાં સુધીમાં તેની સંખ્યા વધુ ઘટીને 25,000 થઈ જાય છે અને તે 51 વર્ષની થાય ત્યારે તે એગ્ઝની સંખ્યા માત્ર 1,000ની હોય છે. આ પૈકીનાં માત્ર 300થી 400 એગ્ઝ જ ગર્ભાધાનની ક્ષમતા ધરાવતાં હોય છે.
 
સ્ત્રીની વય વધવાની સાથે એગ્ઝની સંખ્યા ઘટતી હોવાની સાથે એગ્ઝનાં ક્રોમોઝોમ્સની, તેના ડીએનએની ગુણવત્તા પણ કથળે છે.
 
છોકરીઓમાં સામાન્ય રીતે 13 વર્ષની વયથી માસિક આવવું શરૂ થાય છે. પ્રથમ બે વર્ષમાં એગ્ઝનું ફલન થતું નથી.
 
આ પ્રક્રિયામાં 33 વર્ષની વય સુધીમાં એગ્ઝનું પ્રમાણ ઘટવાની શક્યતા વધારે હોય છે. મોટાં ભાગનાં મહિલાઓ તેમની રજોનિવૃત્તિનાં આઠ વર્ષ પહેલાં પ્રજનનક્ષમતા ગુમાવી બેસતાં હોય છે.
 
પ્રસૂતિ નિષ્ણાત એન્ડ્રિયા જ્યુરિસિકોવાએ કરેલા સંશોધનનું તારણ જણાવે છે કે ગર્ભાશયમાંના એગ્ઝના પ્રમાણનો આધાર આનુવંશિક સ્થિતિ પર હોય છે. જોકે, એગ્ઝના પ્રમાણનો આધાર જે તે સ્ત્રીના જીવનમાં થતી ઊથલપાથલ પર હોય છે. ઝેરી રસાયણો અને તણાવનો પ્રભાવ પણ એગ્ઝની સંખ્યાની પર પડે છે.
 
એગ્ઝના પ્રમાણ ઉપરાંત તેની ગુણવત્તા પણ મહત્ત્વનો મુદ્દો છે. સ્ત્રીની વય વધવાની સાથે તેની ગુણવત્તામાં ઘટાડો થતો હોય છે.
 
'મેં મારા સસરાને ત્રીજી પત્ની ના લાવી આપી એટલે પતિએ તલાક આપી દીધા'
 
રંગસૂત્રોનું મહત્ત્વ
 
ક્રોમોઝોમ્સ એટલે કે રંગસૂત્રો પણ પ્રજનનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. સંશોધકોના મતાનુસાર, રંગસૂત્રોમાં ગડબડ થાય તો પ્રજનનમાં પણ સમસ્યાઓ સર્જાય છે. ખરેખર તો રંગસૂત્રો અસાધારણ હોય છે.
 
મોટાં ભાગનાં સ્ત્રીઓમાં તે હોય છે. તરુણીઓમાં તેનું પ્રમાણ ઓછું હોય છે. વય વધવાની સાથે રંગસૂત્રો ખરાબ થવાની શક્યતા વધે છે.
 
રંગસૂત્રોમાંની અસમાનતાનો અર્થ એ નથી કે સ્ત્રી બાળકને જન્મ જ ન આપી શકે, પરંતુ માસિકચક્ર દરમિયાન જે એગ્ઝનું નિર્માણ થાય છે તેમાં નીરોગી સંતાનના જન્મની સંભાવના ઓછી હોય છે.
 
વર્તમાન સામાજિક પરિસ્થિતિ
પ્રમાણમાં મોટી કહી શકાય તેટલી વયે સંતાનને જન્મ આપવાની વર્તમાન સામાજિક પરિસ્થિતિ બાબતે ટિપ્પણી કરતાં ડૉ. શેંબેકર કહે છે કે "અત્યારે 25 વર્ષની વયે પરણવાનો વિચાર બધી યુવતીઓ કરતી નથી. તેઓ આયુષ્યના ત્રીજા દાયકામાં લગ્ન કરે છે અને પછી માતા ક્યારે બનવું તેનો વિચાર કરે છે."
 
"30 વર્ષની વયને તેઓ બહુ નાની ગણે છે, પરંતુ તેમને એ ખબર નથી હોતી કે એ વય સુધીમાં હોર્મોન્સના પુરવઠાનો સંપૂર્ણપણે નાશ થઈ ચૂક્યો હોય છે. યુવતીઓ પહેલાં પોતાની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરે છે, લગ્ન મોડાં કરે છે અને ત્યાર પછી અનેક સમસ્યાઓ સર્જાય છે."
 
પૂજા ખાડે-પાઠકના પતિનું કેટલાંક વર્ષો પહેલાં અવસાન થયું હતું. તેથી હવે તેઓ સિંગલ પેરન્ટ છે. વેળાસર માતા બનવાથી તેમની દીકરી મોટી થઈ ગઈ અને તેમને હવે દીકરીની ચિંતા ઓછી રહે છે.
 
બીજી તરફ રીટાએ મોડી વયે માતૃત્વનો આનંદપૂર્વક સ્વીકાર કર્યો છે. માતા બનવાનો નિર્ણય મોટો અને બહુ મહત્ત્વનો હોય છે. એ નિર્ણય યોગ્ય સમયે લેવામાં આવે તો જીવન દરેક રીતે સુખદ બની શકે.