રવિવાર, 13 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By હિમાંશુ દરજી|
Last Modified: બુધવાર, 9 સપ્ટેમ્બર 2020 (12:14 IST)

ગુજરાતમાં હવે બિઝનેસ કરવો અઘરો કેમ થઈ રહ્યો છે?

એક સમયે બિઝનેસ માટે પ્રથમ પસંદ ગણાતું ગુજરાત તાજેતરમાં જ જાહેર થયેલા 'ઇઝ ઑફ ડુઇંગ'ના રૅન્કિંગમાં 10મા ક્રમે ધકેલાઈ ગયું છે.
 
'ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ'માં આંધ્ર પ્રદેશ સૌથી ટોચ પર અને ઉત્તર પ્રદેશ બીજા ક્રમે છે.
 
'ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ' અંગેની રાજ્યોની યાદીમાં એક સમયે ગુજરાત પ્રથમસ્થાને પણ રહી ચૂક્યું છે. જોકે વર્ષ 2016માં તે ત્રીજા સ્થાને પહોચ્યું હતું. ત્યાર બાદ 2018ના રેન્કિંગમાં ગુજરાત પાંચમા સ્થાને અને હવે ગુજરાત દસમા ક્રમે પહોચ્યું છે.
 
બિઝનેસ માટે ગુજરાતમાં શું અગવડ પડી રહી છે અને શા માટે ગુજરાત પ્રથમ ક્રમેથી દસમા ક્રમે ધકેલાઈ ગયું? તે વિશે જાણતાં પહેલાં ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ એટલે શું તે જાણી લઈએ.
 
ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ છે શું?
 
'ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ'ને સરળ શબ્દોમાં કહીએ તો બિઝનેસ કરવામાં સરળતા એવો અર્થ થાય.
 
કોઈ કંપની જે-તે રાજ્યમાં બિઝનેસ કરવા અરજી કરે, જમીન ખરીદે અને પછી પ્લાન્ટ સ્થાપે અને તેનો બિઝનેસ ચલાવે આ તમામ કામગીરી દરમિયાન સરકાર સાથેના વ્યવહારોમાં અને પ્રશ્નો ઉકેલવામાં જે-તે રાજ્ય કેટલું સારું કામ કરે છે તેને 'ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ' કહે છે.
 
જે રાજ્યમાં બિઝનેસ સ્થાપવા અને તેને ચલાવવા અગવડતા ન પડે અને સરકાર સાથે કામગીરીઓ અટવાતી ન હોય તો તે રાજ્યમાં 'ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ'માં સારું પ્રદર્શન કરે છે તેમ કહેવાય.
 
અગાઉ ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત સમીટને પગલે રાજ્યમાં વિવિધ રોકાણ માટે પડકારને ઉકેલવાના સરકાર સતત પ્રયાસ કરતી હતી.
 
હવે છેલ્લાં ત્રણ રૅન્કિંગમાં ગુજરાતની કથળેલી સ્થિતી બતાવે છે કે ગુજરાતે ખાસ પ્રયત્નો કરવાની જરૂર છે.
 
છેલ્લાં પાંચ વર્ષમાં ફોરેન ડાઇરેક્ટ ઇન્વેસ્ટમૅન્ટમાં પણ ગુજરાત અગ્રેસર રહ્યું છે પરંતુ હાલનું રૅન્કિંગ નવા રોકાણને અસર કરે તેમ છે.
'ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ'માં કેટલાંક પરિબળો ધ્યાને લેવામાં આવે છે. જેમ કે રાજ્યોને બાંધકામ પરમિટ, શ્રમ અને રોજગાર કાયદા, પર્યાવરણ રજિસ્ટ્રેશન, યોગ્ય સમયે બિઝનેસની માહિતી મળવી, વિવિધ વિવાદ ઉકેલવાની ઝડપ, જમીન પ્રાપ્તિ અને સિંગલ વિન્ડો સિસ્ટમ્સના આધારે 'ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ રૅન્કિંગ' ડીઆઈપીપી (ડિપાર્ટમૅન્ટ ફૉર પ્રમોશન ફૉર ઇન્ડસ્ટ્રિયલ ઍન્ડ ઇન્ટરનેશલ ટેડ' દ્વારા આપવામાં આવે છે.
 
ગુજરાતમાં બિઝનેસ કરવો અઘરો કેમ બની ગયો?
 
રાજ્યમાં વેપાર-ઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણીઓ પાસેથી વેપાર કરવાની સરળતા મામલે તળિયે ગયેલા ક્રમાંક પર જાણવાનો પ્રયાસ કર્યો.
 
આ મામલે ગુજરાત ચેમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝ (જીસીસીઆઈ)ના પૂર્વ પ્રમુખ બિપીન પટેલે જણાવ્યું કે, રાજયનું સરકારી તંત્ર ઠપ થઈ ગયેલું છે.
 
તેમણે કહ્યું, "ઉદ્યોગોનાં કામ સમયસર થતાં નથી, બહુ વિલંબ થાય છે. જેમકે ઉદ્યોગ વિભાગ પાસે સિંગલ વિન્ડો કલિયરન્સનું સૉફટવેર ચાર વર્ષથી તૈયાર છે. ચેમ્બર ઑફ કૉમર્સમાં વેપારીઓએ તેને જોઈને સુધારા કરીને આગળ વઘવા જણાવ્યું હતું, પરંતુ હજુ કંઈ થયું નથી. અધિકારીઓની લૉબી પાવરફૂલ છે,તેઓ કામ કરવા દેતા નથી."
 
તેઓ કહે છે, "રાજય સરકારમાં કોઈ પ્રોજેકટ માટે જમીન લીધી હોય તો પર્યાવરણીય મંજૂરીથી લઈને વિવિધ મંજૂરીઓ મળતાં બેથી અઢી વર્ષ થઈ જાય છે."
 
"તેટલામાં કોઈ બિઝનેસમૅનના બિઝનેસના ગણિત ઊંધા થઈ જાય છે અને પ્રોજેકટ વ્યાજના ચક્કરમાં ફસાઈ જાય છે."
 
"સરકારમાં વિવિધ પ્રક્રિયાને લઈને ઢીલાશ જોવા મળે છે. જેને કારણે ઉદ્યોગોને સહન કરવું પડે છે."
 
"આ કારણોથી જ ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસમાં અન્ય રાજ્યો આગળ નીકળે છે અને ગુજરાત પાછળ જઈ રહ્યું છે."
 
ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ (એફઆઈએ) ગુજરાતના સેક્રેટરી અજિત શાહે જણાવ્યું કે રાજ્યમાં 'મિડલ ઑર્ડર એટલે કે અધિકારીઓને કામ કેમ ન થાય એ જ બાબતમાં રસ છે'. એટલે અમે તો 'ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ' નહીં, 'કિલીંગ ઑફ બિઝનેસ' કહીએ છીએ.
 
તેઓ કહે છે, "ગુજરાત દસમા ક્રમે આવ્યું એ ખરું પણ જો એમએસએમઈનું રૅન્કિંગ કાઢો તો તેમાં તેના કરતાં ઘણા નીચે આવીએ તેમ છે."
 
"રાજ્યમાં મોટા ઉદ્યોગોને સાચવી લેવાય અથવા તેઓ તેમના કામ કઢાવી લે પરંતુ નાના ઉદ્યોગો તો ધક્કા જ ખાય છે."
 
"સરકારી કામકાજ ભ્રષ્ટાચાર અને સમયની બરબાદી છે. અધિકારીઓને અમે ઉદ્યોગોના ઍસોસિયેશન વતી રજૂઆતો કરીએ તો ઉપલા સ્તરેથી નીચે રજૂઆત જાય પછી ત્યાંથી તે ફર્યા જ કરે કંઈ થાય નહીં. આ સ્થિતિમાં રૅન્કિંગ ક્યાંથી સુધરે."
 
ગુજરાતમાં વેપાર
 
નરેન્દ્ર મોદીના વખતની રાજ્ય સરકારના પૉલિસી સલાહકાર અને અગ્રણી કૉર્પોરેટ કંપનીઓના સલાહકાર સુનીલ પારેખ હાલના રૅન્કિંગને ગુજરાત માટે આધાતજનક ગણાવતાં કહે છે કે ગુજરાતનો ક્રમાંક જ્યાં ઉદ્યોગો માટે વાતાવરણ નથી તેવા બંગાળ રાજ્ય કરતાં પાછળ હોય તો ખ્યાલ આવે કે હાલત બદથી બદતર છે.
 
તેઓ કહે છે, "અગાઉના રૅન્કિંગમાં ત્રીજા, પાંચમા અને હવે દસમા સ્થાને આવ્યા છીએ ત્યારે ગુજરાતે ખરેખર મૉનિટરિંગ કરવાની જરૂર છે."
 
"અન્ય રાજ્યો તેલંગાણા હોય કે યુપી, તમામ રાજ્યો હરિફાઈ લગાવી રહ્યાં છે, નવા રોકાણકારોને આકર્ષી રહ્યાં છે."
 
"એમએસએમઈ કે સ્ટાર્ટઅપના માટે યોગ્ય વાતાવરણ ઊભું કરવાની જરૂર છે. રાજ્યની 200 બિલિયનની ઇકૉનૉમી પાસે ફુલ ટાઇમ ઇન્ડસ્ટ્રી સેક્રેટરી નથી તે પણ કેવી બાબત છે. નવી પૉલિસી જાહેર કરી તેમાં અન્ય રાજ્યોની સરખામણીમાં ઘણું કરી શકાય તેમ છે."
 
ફેડરેશન ઑફ ક્ચ્છ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિયેશન કે જે કચ્છના ઉદ્યોગોનું સંગઠન છે, તેના પ્રમુખ નિમિષ ફડકે જણાવે છે કે રાજ્યમાં ઉદ્યોગો માટે લૅન્ડ અને રેવન્યુ વિભાગના મોટા પ્રશ્નો છે.
 
તેઓ કહે છે, "આપણે ત્યાં સ્ટ્રક્ચરલ રિફૉર્મની જરૂર છે. ગુજરાત માટે વેક અપ કૉલ છે."
 
"સરકાર પૉલિસી બનાવે અને તેમાં ઊભા થયેલા પ્રશ્નનો હલ તમે ન કરી શકો તો તમારી પૉલિસી કૉમ્પેક્ટ કહેવાય અથવા પછી પૉલિસીનો મતલબ રહેતો જ નથી. તેવું ન હોવું જોઈએ. જેમ કે કચ્છમાં કોઈ માઇનિંગ પ્લાન પાસ કરાવવો હોય તો, નેવે પાણી આવી જાય છે."
 
મંદી જેવી સ્થિતિએ ગુજરાતને પાછળ ધકેલ્યું?
 
ગુજરાત ચેમ્બર ઑફ કૉર્મસના હાલમાં જ બિનહરીફ ચૂંટાયેલા પ્રમુખ નટુભાઈ પટેલે જણાવ્યું હતું કે આંકડાઓ ભારત સરકારના જ છે, તેથી તેને ચૅલેન્જ ન કરાય પરંતુ જે રૅન્કિંગ છે તે 2018-19નું છે.
 
તેઓ કહે છે, "એ સમય મંદીનો સમયગાળો હતો, પરંતુ આગામી વર્ષમાં નવી પૉલિસી અને કૉવિડની કપરી સ્થિતિમાંથી કેટલાક ઉદ્યોગોને બાદ કરતાં બાકીના 70થી 80 ટકા ઉદ્યોગો બહાર આવી રહ્યા છે. ત્યારે આગામી રૅન્કિંગ સારું હશે"
 
"રાજ્યની વિજય રૂપાણી સરકારે 'ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ' તરફ વધુ એક પહેલ કરી રહી છે."
 
વિદ્યુતશુલ્ક માફીની કામગીરીમાં પારદર્શિતા સાથે ઓનલાઇન પૉર્ટલ લૉન્ચ કર્યું છે. સરકારના દાવા પ્રમાણે ઉદ્યોગોને ઑનલાઇન વિદ્યુતશુલ્ક માફી આપનારું દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું છે.
 
ભારત 'ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ'ના રૅન્કિંગ 2019માં 190 દેશોમાં 77માં સ્થાનમાંથી 63માં ક્રમે પહોચ્યું હતું.
 
આ રૅન્કિંગમાં ન્યૂઝીલૅન્ડ પ્રથમ, સિંગાપોર બીજે અને ત્રીજા ક્રમે હૉંગકૉંગ છે. ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસમાં વર્લ્ડ બૅન્કના રૅન્કિંગ જુદાં-જુદાં 10 પૅરામિટર્સ પર આધારિત હોય છે.
 
બિઝનેસ શરૂ કરવો, બાંધકામની પરવાનગી, વીજળી મેળવવી, ક્રૅડિટ મેળવવી, કરની ચૂકવણી, સરહદપાર વેપાર, કૉન્ટ્રાક્ટ લાગુ કરવા અને નાદારીના ઉકેલ સહિતની બાબતોનો સમાવેશ વર્લ્ડ બૅન્કના રૅન્કિંગમાં થાય છે.
 
તે અગાઉ વિશ્વ બૅન્ક દ્વારા રજૂ કરાયેલા વર્ષ 2018ના 'ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ' વિશેના અહેવાલમાં ભારત 130મા ક્રમેથી 100મા ક્રમે પહોંચ્યું હતું.