સુરતમાં રહેતા પરપ્રાંતિય શ્રમિકોએ વતન જવાના ફોર્મ ભરવા લાઈન લગાવી
લોકડાઉનની સ્થિતિમાં સુરતમાં રહેલા પરપ્રાંતિયોને વતન મોકલવા માટેની કામગીરી ચાલી રહી છે. જેમાં સાંસદ સી.આર.પાટીલના અભિયાનમાં સોમવારે વધુ 1600 અરજીઓ ઓનલાઇન જિલ્લા કલેકટરને ઓનલાઈન મોકલવામાં આવી હોવાનું જાણવા મળે છે. હાલ પણ વતન જવાના ફોર્મ ભરવા માટે લાંબી લાઈનો લાગે છે. સવારે 4 વાગ્યાથી લોકો લાઈનમાં ઉભા રહી જાય છે.
વતનથી હજારો કિલોમીટર દૂર સુરતમાં રહીને પેટિયું રળતા પરપ્રાંતીઓને પોતાના વતન મોકલવા માટે સાંસદ સી.આર.પાટીલ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરતથી વધુ ચાર બસો રવાના થઈ હતી. જેમાં યુપી તરફ એક બસ અને ઓરિસ્સા તરફ ત્રણ બસો જવા માટે રવાના થઇ છે. પરપ્રાંતિયોને પોતાના વતન મોકલવા માટેની વ્યવસ્થા ઉભી થતા જ સી.આર.પાટીલ કાર્યાલયે લોકોની લાંબી કતાર લાગી છે.
વતન જવા ઇચ્છુક લોકોની 1600 જેટલી અરજીઓ સી.આર.પાટીલ કાર્યાલયથી ઓનલાઇન જિલ્લા કલેકટરને મોકલી આપવામાં આવી છે. આ અરજીઓને પરવાનગી મળ્યા બાદ જે તે વાહનમાં લોકો પોતાના વતન જઈ શકશે. અત્રે નોંધનીય છે કે, હાલ સુધીમાં સી.આર.પાટીલ કાર્યાલય પર શરૂ કરવામાં આવેલા કેન્દ્રમાં હાલ સુધીમાં 9800થી વધુ અરજીઓ આવી ચૂકી છે.
સી આર પાટીલએ જણાવ્યું હતું કે, વતન જવા માટેની પરવાનગી મેળવવા અરજી કરનાર વ્યક્તિ અને પરિવાર ની અરજી નું સરકારે આપેલી ગાઇડલાઇન પ્રમાણે વેરિફિકેશન કરવામાં આવે છે. ત્યારબાદ અરજીઓને કલેકટર કચેરી મોકલવામાં આવે છે. જેથી કચેરીના કર્મચારીઓની અરજી વેરિફિકેશન માં કામગીરી માં રાહત થઈ શકે અને કામગીરી સરળ બને.