ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: રવિવાર, 12 ડિસેમ્બર 2021 (17:41 IST)

ઓમિક્રૉન વૅરિયન્ટ સામે લડવા રસીનો ત્રીજો ડોઝ જરૂરી છે?

દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકો દ્વારા શોધવામાં આવેલા ઓમિક્રૉન વૅરિયન્ટના ભારતમાં 33 કેસો નોંધાયા છે.
 
કેટલાક લોકો દાવો કરી રહ્યા છે કે આ વૅરિયન્ટ ડેલ્ટા કરતાં વધારે જોખમી છે, તો કેટલાક લોકો દાવો કરી રહ્યા છે કે આ વૅરિયન્ટ ડેલ્ટા કરતાં ઓછો ઘાતકી છે.
 
આ સિવાય આ વૅરિયન્ટ પર વૅક્સિનની અસરને લઈને પણ વિવિધ દાવા થઈ રહ્યા છે.
 
વૅરિયન્ટના શરૂઆતી કેસ નોંધાયા તેના પંદરેક દિવસ બાદ યુનાઇટેડ કિંગ્ડમમાં થયેલા એક સંશોધન પરથી વૅરિયન્ટ પર વૅક્સિનની અસરને લઈને કેટલાંક તથ્યો સામે આવ્યાં છે.
 
ઓમિક્રૉન સામે લડવા વૅક્સિનના 2 ડોઝ પૂરતા નથી?
બીબીસીના આરોગ્ય અને વિજ્ઞાન સંલગ્ન બાબતોનાં સંવાદદાતા જેમ્સ ગૅલેઘર લખે છે કે યુકેમાં ડેલ્ટા અને ઓમિક્રૉન વૅરિયન્ટના કેસ પર થયેલું શરૂઆતી સંશોધન સૂચવે છે કે વૅક્સિન એ નવા વૅરિયન્ટને રોકવામાં ઓછી અસરકારક છે.
 
જોકે સંશોધન પ્રમાણે, ત્રીજો બૂસ્ટર ડોઝ 75 ટકા લોકોને કોરોનાનાં લક્ષણોથી બચાવે છે.
 
યુનાઇટેડ કિંગ્ડમ હેલ્થ સિક્યૉરિટી એજન્સી દ્વારા નવા વૅરિયન્ટ્સ પર વૅક્સિનની અસર તપાસવા માટે ઓમિક્રૉનના 581 કેસ અને ડેલ્ટાના હજારો કેસ પર સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું.
 
આ સંશોધનમાં આ બન્ને વૅરિયન્ટ્સના કેસોમાં વૅક્સિનની અસરકારકતા ઘટી હોવાનું સામે આવ્યું હતું.
 
જ્યારે બૂસ્ટર ડોઝ મેળવ્યો હોય એવા 75 ટકા સંક્રમિત લોકોમાં લક્ષણો જોવા મળ્યાં ન હતાં.
 
ત્રીજો બૂસ્ટર ડોઝ કેટલો જરૂરી?
બીબીસીના હેલ્થ ઍડિટર મિશેલ રોબર્ટ્સ લખે છે કે આફ્રિકામાં એક કરતાં વધારે વખત કોરોના સંક્રમિત થતા લોકોની સંખ્યામાં ઉછાળો આવ્યો હોવાનું વૈજ્ઞાનિકોના ધ્યાને આવ્યું છે.
 
જે સૂચવે છે કે વૅરિયન્ટ વૅક્સિનની અસરકારકતા પર માઠી અસર કરે છે.
 
લૅબોરેટરીમાં કરાયેલું પ્રારંભિક સંશોધન જણાવે છે કે, વૅરિયન્ટ સામે રક્ષણ માટે વૅક્સિનના 2 ડોઝ પૂરતા નથી. તેના માટે યુનાઇટેડ કિંગ્ડમની જેમ લોકોની રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે ત્રીજો ડોઝ આપી શકાય તેમ છે.
 
વિશ્વભરના આંકડા સૂચવે છે કે ઓમિક્રૉન વધુ સંક્રામક છે અને વધારે ઝડપથી પ્રસરી શકે છે, પરંતુ અત્યાર સુધી એ વાત સાબિત નથી થઈ કે તે ગંભીર રીતે અસર કરે છે કે નહીં.
 
કેટલાક લોકોનો દાવો છે કે તે અન્ય વૅરિયન્ટ કરતાં ઓછો ઘાતકી છે, પરંતુ હાલના તબક્કે કંઈ પણ કહી શકાય તેમ નથી.
 
જોકે, અન્ય વૅરિયન્ટની જેમ જ ઓમિક્રૉન ઉંમરલાયક લોકો અને અન્ય બીમારી ધરાવતા લોકોને વધુ અસર કરી શકે છે.
 
વૅક્સિન ઓમિક્રૉન સામે લડવા સક્ષમ : WHO
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના અધિકારી ડૉ. માઇક રયાનનું કહેવું છે કે હાલમાં વિશ્વમાં જે કોરોના વૅક્સિન આપવામાં આવી રહી છે. તે ઓમિક્રૉન વૅરિયન્ટ સામે લડવા માટે સક્ષમ છે.
 
WHOનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે દક્ષિણ આફ્રિકાની એક લૅબમાં પરીક્ષણો બાદ જાણવા મળ્યું છે કે ફાઇઝરની રસી ઓમિક્રૉન પર માત્ર આંશિક અસર કરે છે.
 
WHOના ડૉ. માઇક રયાને કહ્યું કે, "એવા કોઈ સંકેત નથી કે ઓમિક્રૉન વૅરિયન્ટ પર રસીની અસર બાકીના વૅરિયન્ટની સરખામણીમાં ઓછી હશે."
 
ડૉ. રયાને સમાચાર સંસ્થા AFPને જણાવ્યું કે, "આપણી પાસે ખૂબ જ અસરકારક વૅક્સિન છે. એવું વિચારવાનું કોઈ કારણ નથી કે તે ઓમિક્રૉન પર રસીની ઓછી અસર થશે."
 
તેમણે એમ પણ કહ્યું કે, "પ્રારંભિક ડેટા દર્શાવે છે કે ઑમિક્રોન ડેલ્ટા અને અન્ય વૅરિયન્ટ કરતાં ઓછો ગંભીર છે."
 
દક્ષિણ આફ્રિકાના સંશોધનમાં સહભાગી રહેલા વાઇરોલૉજિસ્ટ પ્રોફેસર ઍલેક્સ સિગલે પણ કહ્યું કે, "ઓમિક્રૉનના જોખમ અંગે 12 લોકોનાં રક્તપરીક્ષણનાં પરિણામો અપેક્ષા કરતાં સારાં હતાં. વૅક્સિન હજુ પણ અસરકારક સાબિત થઈ શકે છે."
 
તેમના મતે, અભ્યાસ સૂચવે છે કે બૂસ્ટર ડોઝ કોરોનાના નવા વૅરિયન્ટ સામે કારગત નીવડી શકે છે.