રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 10 ડિસેમ્બર 2021 (13:57 IST)

જામનગરમાં ઓમિક્રોનના નવા બે કેસ નોંધાયા, ઝિમ્બાબ્વેથી પોઝિટિવ આવેલી વ્યક્તિની પત્ની અને સાળાનો રિપોર્ટ પોઝિટિવ

વિશ્વભરમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોને દહેશત ફેલાવી છે. ત્યારે ગુજરાતમાં પણ ઓમિક્રોન વેરિયન્ટનો પ્રથમ કેસ જામનગરમાં નોંધાયો હતો, જેના સંપર્કમાં આવેલી તેની પત્ની અને સાળા એમ બે વ્યક્તિમાં પણ ઓમિક્રોન હોવાનું સામે આવ્યું છે. હવે ગુજરાતમાં ઓમિક્રોનના કુલ ત્રણ કેસ થયા છે. આ ત્રણેય કેસ જામનગરમાં નોંધાયા છે.જામનગરમાં જે વ્યક્તિ ઓમિક્રોન પોઝિટિવ આવી હતી તેના સંપર્કમાં આવેલી બે વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી ઓમિક્રોનને લઈ તેમનાં સેમ્પલ મોકલવામાં આવ્યાં હતાં, જેમાં આ બન્ને વ્યક્તિમાં પણ ઓમિક્રોન હોવાનું લેબોરેટરી તપાસમાં સામે આવ્યું છે.

ગુજરાતમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ જામનગરમાં નોંધાયો હતો. ઝિમ્બાબ્વેથી 28 નવેમ્બરે ગુજરાત આવેલા જામનગરના 72 વર્ષીય વૃદ્ધનો 2 ડિસેમ્બરના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઓમિક્રોનનાં શંકાસ્પદ લક્ષણ જોવા મળતાં સેમ્પલ પુણે લેબમાં મોકલવામાં આવ્યું હતું. આ વૃદ્ધનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવતાં શહેરનું આરોગ્યતંત્ર હરકતમાં આવી ગયું છે. ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટનો આ પ્રથમ કેસ નોંધાયો હતો. મુખ્ય સચિવે જામનગરના કલેક્ટર અને આરોગ્ય અધિકારીઓ સાથે રિવ્યુ મીટિંગ બોલાવી હતી અને મુખ્યમંત્રીએ પણ તાત્કાલિક રિવ્યુ બેઠક બોલાવી હતી.

ઓમિક્રોનનો પ્રથમ કેસ જામનગરમાં નોંધાયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને આરોગ્યમંત્રી સાથે ત્વરિત બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં ઓમિક્રોન વેરિયન્ટના ખતરાને પહોંચી વળવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરને વિદેશથી આવેલા પ્રવાસીઓનું સઘન ટેસ્ટિંગ કરવામાં આવે એવી સૂચના આપવામાં આવી છે. આરોગ્ય-સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે જામનગરની ડેન્ટલ કોલેજમાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. 4 વ્યક્તિ કોરોના પોઝિટિવ આવી હતી, એમાંથી એકને ઓમિક્રોન વેરિયન્ટ ડિટેક્ટ થયો છે.