બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: મંગળવાર, 31 માર્ચ 2020 (09:53 IST)

પોલીસે બિનજરૂરી બહાર નિકળેલા લોકોના 6104 વાહનો જપ્ત કર્યાં, કુલ 8773 લોકોની અટકાયત

દેશમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના "ઘરે રહો, સુરક્ષિત રહો"ના મંત્રને ધ્યાને રાખી રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ લોકોને તંત્રને સહાય કરવા અપીલ કરી છે. આ ઉપરાંત હાલ પોલીસ પણ માઇક અને સ્પીકરના માધ્યમથી ઘરમાં રહેવાની જ અપીલ કરવામાં આવી છે.

આ ઉપરાંત ગુજરાત પોલીસ જરૂરિયાતમંદોને સહાય કરવાની ભાવના સાથે પણ ફરજ બજાવી રહી છે. ત્યારે શિવાનંદ ઝાએ કહ્યું હતું કે, ‘એક-બે ટામેટા લેવાના બહાના કાઢીને ફરતા યુવાનો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેમના વાહનો પણ જપ્ત કરવામાં આવશે. શહેરમાં કોઇ પણ વૃદ્ધ સહિત મહિલાઓને મદદ જોઇતી હોય તો પોલીસના હેલ્પલાઇન નંબર 100, 112, 1077 અને 1070 ઉપર સંપર્ક કરી શકશે.’

શિવાનંદ ઝાએ વધુમાં રાજ્યના કરિયાણાના વેપારીઓને સંબોધીને કહ્યું હતું કે, ગ્રાહકોને ટોકન આપવાની વ્યવસ્થા કરવી જેથી ખરીદી સરળ બની શકે. આ સિવાય સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન થાય તેનું પણ ધ્યાન રાખવું જોઇએ. ઘરેથી ઓર્ડર કરતા લોકો માટે એક નિયત સમયગાળો નક્કી કરવામાં આવે તેવું સૂચન પણ કર્યું છે.

લોકડાઉન દરમિયાન પોલીસે જાહેરનામાના ભંગના 983 અને હોમ ક્વોરન્ટાઇન ભંગના 394 સહિત અન્ય 40 મળીને કુલ 1417 ગુના નોંધ્યા છે. જેમાં 2539 લોકોની અટકાયત કરવામાં આવી છે. વગર કારણે બહાર નીકળતા લોકોના 6104 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જાહેરનામાના ભંગ બદલ અત્યાર સુધીમાં કુલ 8773 લોકોની અટકાયત કરી છે.