શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: નાગપુર. , સોમવાર, 11 નવેમ્બર 2019 (10:58 IST)

India Vs Bangladesh 3rd T20 - બાંગ્લાદેશને હરાવી ભારતે સીરીઝ પર જમાવ્યો કબજો, દીપક ચહરે લીધી 6 વિકેટ

નાગપુરમાં રમાયેલી ત્રીજી ટી-20 મેચમાં ભારતે બાંગ્લાદેશને 30 રને હાર આપી છે. ભારતે 3 મેચની સીરિઝ 2-1થી પોતાના નામે કરી છે. 175 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં બાંગ્લાદેશ 144 રનમાં ઓલઆઉટ થયું હતું ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી ત્રીજી ટી-20 મૅચમાં દીપક ચાહરની ઘાતક બૉલિંગની મદદથી ભારતે આ શ્રેણી પોતાના નામે કરી લીધી છે.
 
ભારતે બાંગ્લાદેશ સામે પ્રથમ બેટિંગ કરતા 5 વિકેટના નુકસાને 174 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશને જીતવા માટે 175 રનની જરૂર હતી.  ભારત સામે બેટિંગ કરવા ઊતરેલી બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ દીપક ચાહર સામે ટકી શકી નહીં.
 
આ મૅચના હીરો રહેલા દીપક ચાહરે માત્ર 7 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. આ સાથે જ તેઓ ટી-20માં સૌથી સારું પ્રદર્શન કરનારા ખેલાડી બની ગયા છે. દીપક ચાહરને તેમના શાનદાર પ્રદર્શન બદલ મૅન ઑફ ધી મૅચ અને મૅન ઑફ ધી સિરીઝ જાહેર કરવામાં આવ્યા.
દીપક ચહરની બોલિંગ 
 
બાંગ્લાદેશની ટીમ ભારત સામે 175 રનના લક્ષ્યને લઈને મેદાનમાં ઊતરી હતી. ઓપનર તરીકે લિટન દાસ અને મોહમ્મદ નઇમ મેદાનમાં આવ્યા. ભારત તરફથી ત્રીજી ઓવરમાં દીપક ચાહરે પોતાની ઘાતક બૉલિંગનો પરચો બાંગ્લાદેશની ટીમને આપ્યો હતો.
 
-  ત્રીજી ઓવરના ચોથા બૉલે દીપક ચાહરે બાંગ્લાદેશના ઓપનર લિટન દાસને વૉશિંગ્ટન સુંદરના હાથે કૅચ આઉટ કરાવી ભારત અને પોતાની પ્રથમ વિકેટ ઝડપી.
 
-  ત્રીજી ઓવરના પાંચમાં જ બૉલે લિટન દાસ બાદ આવેલા સૌમ્ય સરકારને શૂન્ય રને શિવમ દૂબેના હાથે કૅચ આઉટ કરાવી બીજી વિકેટ ઝડપી હતી.
 
-  ત્રીજી ઓવરમાં બે વિકેટ પડ્યા બાદ બાંગ્લાદેશના બૅટ્સમૅનોએ ભારતના બૉલરોને થોડીવાર પરેશાન કર્યા અને એક લાંબી ભાગીદારી નોંધાવી. ફરીથી 13મી ઓવર ફેંકવા આવેલા ચાહરે છઠ્ઠા બૉલે ચાહરે મોહમ્મદ મિથુનની વિકેટ લઈને બાંગ્લાદેશની લાંબી પાર્ટનરશીપને અટકાવી દીધી.
 
-  જે બાદ અંતિમ ઓવરોમાં દીપક ચાહર સામે બાંગ્લાદેશના બૅટ્સમૅન ટકી શક્યા નહીં અને એકબાદ એક એમ ત્રણ વિકેટ ખેરવી ચાહરે હેટ્રિક પૂર્ણ કરી.
17મી ઓવરના અંતિમ બૉલે ચાહરે સફીઉલ ઇસ્લામની વિકેટ લીધી, જે બાદ તેઓ ફરી 19મી ઓવર ફેંકવા આવ્યા.
 
19મી ઓવરના પ્રથમ બૉલે મુસ્તાફિઝુર રહેમાન અને બીજા બૉલે અમીનુલ ઇસ્લામની વિકેટ લઈને દીપક ચાહરે પોતાના નામે રેકૉર્ડ સ્થાપી દીધો.
 
ટી-20માં હેટ્રીક લેનારા તેઓ ભારતના એકમાત્ર બૉલર બની ગયા. ઉપરાંત વિશ્વમાં ટી-20માં 7 રનમાં 6 વિકેટ લઈને સૌથી સારું પ્રદર્શન કરનારા બૉલર પણ બની ગયા.
 
ટી-20 આંતરરાષ્ટ્રીયમાં બૅસ્ટ પર્ફૉર્મન્સ
 
6/7 દીપક ચાહર vs બાંગ્લાદેશ, નાગપુર 2019
 
6/8 અજંતા મેંડિસ vs ઝિમ્બાબ્વે, હમ્બનટોટા 2012
 
6/16 અજંતા મેંડિસ vs ઑસ્ટ્રેલિયા, પલ્લેકેલે 2011
 
6/25 યુઝવેન્દ્ર ચહલ vs ઇંગ્લૅન્ડ, બેંગલુરુ 2017
 
આ સાથે જ દીપક ચાહરને શિવમ દૂબેનો પણ આ મૅચમાં સાથ મળ્યો.
 
શિવમે 4 ઓવરમાં 30 રન આપીને 3 વિકેટ ઝડપી અને યુઝવેન્દ્ર ચહલે 4 ઓવરમાં 43 રન આપીને 1 વિકેટ ઝડપી હતી.
 
ભારતના ઓપનરો ફેલ, મિડલ ઑર્ડરે રંગ રાખ્યો
 
સિરીઝની અંતિમ ટી-20માં બાંગ્લાદેશ સામે પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી.બીજી ઓવરના ત્રીજા બૉલે ભારતીય ટીમના હાલના કપ્તાન અને ધમાકેદાર બેટિંગ માટે જાણીતા રોહિત શર્મા બૉલ્ડ થઈ ગયા હતા. જેમણે માત્ર 2 રન બનાવ્યા હતા. જે બાદ પાવરપ્લેમાં રનરેટ ધીમી પડી ગઈ, રોહિત ગયા બાદ શિખર ધવને બાજી સંભાળવાની કોશિશ કરી પરંતુ તેઓ પણ સફળ થયા નહીં. ધવન 19 રનના વ્યક્તિગત સ્કોરે સિક્સ મારવા જતાં મહમુદુલ્લાહના હાથે કૅચ આઉટ થઈ ગયા.
 
જોકે, ત્યાર બાદ લોકેશ રાહુલ અને શ્રેયાંસ ઐયરે બાજી સંભાળી અને બંને બૅટ્સમૅનોએ ફિફ્ટી ફટકારી. રાહુલે 52 અને ઐયરે 62 રન બનાવ્યા, જ્યારે મનીષ પાંડેએ 22 રનનું યોગદાન આપ્યું હતું. 
 
ત્રણ મૅચની આ સિરીઝમાં ભારત બાંગ્લાદેશ સામે પ્રથમ મૅચ હારી ગયું હતું. જોકે, અંતિમ બંને મૅચમાં વિજય હાંસલ કરીને સિરીઝ જીતી લીધી હતી.
 
બાંગ્લાદેશે ભારત સામેની ત્રીજી T-20માં નાગપુર ખાતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતની પ્લેઈંગ 11માં કૃણાલ પંડ્યાની જગ્યાએ મનીષ પાંડેને તક આપવામાં આવી હતી.