બેન સ્ટોક્સ અને ગુસ એટકિન્સનને નાઈટ કલબ વિવાદ બાદ સ્કવોડમાંથી કર્યા બહાર, જો રૂટ રહેશે કપ્તાન
ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે ન્યૂઝીલેન્ડ સામે ચાલી રહેલી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ માટે ટીમની જાહેરાત કરવાની સાથે કેટલાક મોટા ફેરફારોની જાહેરાત કરી છે, જે 17 જૂનથી લંડનના કેનિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં રમાશે. ઇંગ્લેન્ડ ટેસ્ટ ટીમના વર્તમાન કેપ્ટન બેન સ્ટોક્સ અને પ્રથમ મેચમાં શાનદાર બોલિંગ કરનારા ફાસ્ટ બોલર ગુસ એટકિન્સનને પ્રથમ મેચ પછી થયેલા નાઇટક્લબ વિવાદ બાદ ECB દ્વારા આ મેચમાંથી બહાર કરવામાં આવ્યા છે. ECBએ બીજી ટેસ્ટ માટે કાર્યકારી કેપ્ટન તરીકે ટીમના અનુભવી ખેલાડી જો રૂટને આ જવાબદારી સોંપી છે.
Ben Stokes and Gus Atkinson fighting video outside nightclub after 1st test against New Zealand. pic.twitter.com/04aQkZIjiq
— . (@phyzerr) June 9, 2026
નાઈટક્લબમાં થયેલી મારામારીની તપાસ કરી રહ્યું છે ECB
7 જૂનના રોજ લોર્ડ્સ ટેસ્ટ મેચ વહેલી સમાપ્ત થયા પછી ચેલ્સીના નાઈટક્લબમાં થયેલી મારામારીની તપાસ ECB કરી રહ્યું છે. આ ઘટનાએ એવી અટકળોને વેગ આપ્યો છે કે સ્ટોક્સની કેપ્ટનશિપ, સાથે તેનું સમગ્ર કરિયર પર ફૂલસ્ટોપ લાગી શકે છે. ECB એ સ્પષ્ટતા કરી છે કે આ મામલો ટીમ શિસ્ત અને કર્ફ્યુ ઉલ્લંઘનનો છે, અને તમામ બાબતોની તપાસ પછી જ નિર્ણય લેવામાં આવશે.
જોફ્રા આર્ચર પરત ફર્યા, જોર્ડન કોક્સનો સમાવેશ
ઇંગ્લેન્ડે 17 જૂનથી ઓવલ ખાતે શરૂ થનારી ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ માટે બેન સ્ટોક્સ અને ગુસ એટકિન્સનને તેમની ટીમમાંથી બહાર કરી દીધા છે, જ્યારે ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર અને જોર્ડન કોક્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આર્ચર 11 જૂને ઈંગ્લેન્ડ પરત ફરશે, જે એશિઝ શ્રેણી પછી તેનો પ્રથમ ટેસ્ટ દેખાવ છે. જો કે, હજુ સુધી સ્પષ્ટ નથી કે તે આ મેચમાં રમશે કે નહીં, કારણ કે તેના વર્કલોડને પણ ધ્યાનમાં લેવામાં આવશે. જો રૂટ, જેમણે અગાઉ લાંબા સમય સુધી કેપ્ટનશીપ સંભાળી છે, તેમણે 2017 થી 2024 સુધી રેકોર્ડ 64 ટેસ્ટ મેચોમાં ઇંગ્લેન્ડનું નેતૃત્વ કર્યું છે.
ન્યુઝીલેન્ડ સામે ઓવલ ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની ટીમ:
જો રૂટ (કેપ્ટન), રેહાન અહેમદ, જોફ્રા આર્ચર, સોની બેકર, શોએબ બશીર, જેકબ બેથેલ, હેરી બ્રુક, જોર્ડન કોક્સ, બેન ડકેટ, મેથ્યુ ફિશર, એમિલિયો ગે, જેમ્સ ર્યુ, ઓલી રોબિન્સન, જેમી સ્મિથ (વિકેટકીપર), જોશ ટંગ.
