શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : શનિવાર, 20 મે 2023 (10:30 IST)

PBKS vs RR: છેલ્લી ઓવરમાં ફટકારાયેલો એ સિક્સ જેણે પંજાબને પ્લેઑફમાંથી બહાર ફેંકી દીધું

rajasthan royals
રાજસ્થાન રૉયલ્સે આઈપીએલ 2023ની પોતાની અંતિમ લીગ મૅચમાં પંજાબ કિંગ્સને ચાર વિકેટથી હરાવીને પ્લેઑફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. મૅચનો નિર્ણય અંતિમ ઓવરમાં આવ્યો, જ્યારે ધ્રુવ જુરેલે છગ્ગો ફટકારીને રાજસ્થાન રૉયલ્સને જીત અપાવી.
 
આ મૅચમાં હાર સાથે જ પંજાબ કિંગ્સનું પ્લેઑફ સુધી પહોંચવાનું સ્વપ્ન ખતમ થઈ ગયું છે. જ્યારે રાજસ્થાન રૉયલ્સની ટીમ પૉઇન્ટ ટેબલ પર ભલે પાંચમા સ્થાને હોય પરંતુ પ્લેઑફ સુધી પહોંચવા માટે અન્ય ટીમોની હાર પર નિર્ભર છે.
 
ગઈકાલની મૅચમાં પંજાબ કિંગ્સે પહેલા બેટિંગ કરીને પાંચ વિકેટના નુક્સાને 187 રન બનાવ્યા હતા. 188 રનોના લક્ષ્યાંકનો પીછો કરતા રાજસ્થાન રૉયલ્સના ઓપનર યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડિક્કલ અને શિમરૉન હૅટમાયરની જોરદાર બેટિંગના કારણે તેણે આ મૅચ જીતી લીધી હતી.
 
યશસ્વી જયસ્વાલ (50) અને દેવદત્ત પડિક્કલ (51) એ અર્ધશતકીય ઇનિંગ રમી તો શિમરૉન હૅટમાયરે પણ 28 બૉલમાં 46 રન બનાવીને ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.
 
 
પંજાબની ઇનિંગ
 
શુક્રવારે પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રૉયલ્સ પોતાની અંતિમ લીગ મૅચ રમી રહ્યું હતું. ટૉસ જીતીને રાજસ્થાને પંજાબને પહેલા બેટિંગ કરવા આમંત્રણ આપ્યું. પંજાબ કિંગ્સના બેટ્સમૅન શાહરૂખ ખાન અને સૅમ કરને છેલ્લી બે ઓવરોમાં 46 રન ફટકાર્યા અને રાજસ્થાન સામે જીતવા માટે 188 રનોનો લક્ષ્યાંક મૂક્યો.
 
બંને બૅટ્સમૅનો છેલ્લે સુધી આઉટ ન થયા. શાહરૂખે માત્ર 23 બૉલમાં 41 રન ફટકાર્યા તો સૅમ કરને 31 બૉલ પર 49 રન બનાવ્યા હતા.
 
આ બંને સિવાય પંજાબ માટે જીતેશ શર્માએ 28 બૉલમાં 44 રન બનાવ્યા હતા.
 
નવદીપ સૈની અને ટ્રૅન્ટ બોલ્ટે આપ્યો ઝાટકો
 
પંજાબ કિંગ્સની ઇનિંગ શરૂ થઈ એવામાં જ પ્રથમ ઝટકો ટ્રૅન્ટ બૉલ્ટે આપ્યો. તેમણે પોતાની પહેલી ઓવરના બીજા બૉલ પર જ પ્રભસિમરન સિંહને આઉટ કર્યા. ત્યાર પછી શિખર ધવને ઝડપી બેટિંગ કરી, પરંતુ ચોથી ઓવરમાં અથર્વ તાવડે 12 બૉલમાં 19 રન બનાવીને આઉટ થયા.
 
આ વિકેટ નવદીપ સૈનીએ પોતાના શૉર્ટ બૉલ પર લીધી. તેમને રાજસ્થાન રૉયલ્સે આ સિઝનમાં બીજી વખત રમવાની તક આપી હતી. પાવરપ્લેની અંતિમ ઓવરમાં કપ્તાન શિખર ધવન પણ ઍડમ ઝમ્પાના બૉલ પર એલબીડબલ્યૂ આઉટ થઈને પેવેલિયન પાછા ફર્યા.
 
છ ઓવરમાં પંજાબનો સ્કોર બે વિકેટ પર આઠની ઍવરેજથી 48 રનનો હતો. શિખર ધવને 12 બૉલમાં એક છગ્ગો અને બે ચોગ્ગાની મદદથી 17 રનનું યોગદાન આપ્યું હતું.
 
નવદીપ સૈનીએ પાવરપ્લે બાદ તરત જ સાતમી ઓવરમાં લિયમ લિવિંગ્સટનને આઉટ કર્યા. એક તરફ ટ્રૅન્ટ બૉલ્ટની કસાયેલી બૉલિંગથી પંજાબની રનોની ગતિ ધીમી પડી રહી હતી તો બીજી તરફથી સતત વિકેટો પડી રહી હતી. તેમ છતાં પંજાબ તરફથી જીતેશ શર્મા, સૅમ કરન અને શાહરૂખ ખાન સારી ઇનિંગ્સ રમ્યા અને પંજાબ કિંગ્સનો સ્કોર 20 ઓવરમાં પાંચ વિકેટના નુક્સાને 187 રન સુધી પહોંચાડ્યો.
 
પાંચમી વિકેટ માટે સૅમ કરન અને જીતેશ શર્માએ 64 રનની ભાગીદારી નોંધાવી. આ સિવાય સૅમ કરન અને શાહરૂખ ખાન વચ્ચે પણ અર્ધશતકીય ભાગીદારી નોંધાઈ હતી.
 
 
આ હાર સાથે જ પંજાબ કિંગ્સ માટે પ્લેઑફની શક્યતા પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે રાજસ્થાન માટે હાલ પણ માર્ગ મોકળો નથી. પૉઇન્ટ ટેબલમાં સૌથી ઉપર ગુજરાત ટાઇટન્સ છે. જે પ્લેઑફમાં પહોંચનારી એક માત્ર ટીમ છે.
 
રાજસ્થાન રૉયલ્સના પૉઇન્ટ હવે 14 થઈ ગયા છે અને તેમનો નેટ રનરેટ 0.148 છે, પરંતુ હજી પણ તેમનાથી ઉપર ચેન્નાઈ સુપરકિંગ્સ અને લખનઉ સુપરજાયન્ટ્સ પાસે 15-15 પૉઇન્ટ છે. જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ અને રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લોર અને રાજસ્થાન રૉયલ્સના સમાન 14-14 પૉઇન્ટ્સ છે.
 
પ્લેઑફમાં પહોંચવા માટે હવે રાજસ્થાન રૉયલ્સે આ બંને ટીમો વચ્ચે રવિવારે યોજાનારી મૅચના પરિણામ પર નિર્ભર રહેવું પડશે.