રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: ગુરુવાર, 17 ઑગસ્ટ 2023 (11:01 IST)

અમદાવાદમાં રિક્ષામાં બેઠેલી બેંક મેનેજર મહિલાનું પર્સ ખેંચી મોટરસાયકલ પર આવેલા બે લૂંટારા ફરાર

પર્સમાં આઈડી પ્રુફ, મોબાઈલ અને રોકડ સહિત 80 હજાર રૂપિયાની મત્તા હતી
મહિલાએ પાલડી પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી
 
અમદાવાદઃ શહેરમાં લૂંટ અને ઘરફોડ સહિત ચીલઝડપ અને સ્નેચિંગની ઘટનાઓ વધી રહી છે. લૂંટ કરતી ટોળકી ફરીવાર શહેરમાં સક્રિય થઈ હોવાનું આ પ્રકારની ઘટનાઓ પરથી દેખાઈ રહ્યું છે. ગુનેગારોને હવે પોલીસનો કોઈ ડર રહ્યો નથી. મુસાફરોને રિક્ષામાં બેસાડીને લૂંટી લેવાની પણ અનેક ઘટનાઓ સામે આવે છે. ત્યારે શહેરમાં બાઈક ચાલકોએ રિક્ષામાં બેસેલા મુસાફરોનું પર્સ છીનવીને ફરાર થઈ જવાની ઘટના સામે આવી છે. આ ઘટનાની ફરિયાદ પાલડી પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 
 
સામાન વેજલપુર ખાતેના મકાનમાં શિફ્ટ કરવાનો હતો
પ્રાપ્ત વિગતો પ્રમાણે પાલડી પોલીસ સ્ટેશનમાં નિશાબેન નામની મહિલાએ ફરીયાદ નોંધાવી છે. આ મહિલા મુંબઈમાં યુનિયન બેંક ઓફ ઈન્ડીયા નરીમાન પોઈન્ટ વિધાનભવન માર્ગ ખાતે મેનેજર તરીકે ક્રેડીટ કમ્પાલાન્સ એન્ડ મોનટરીંગ વિભાગમાં નોકરી કરે છે. તેઓ ગત 12મી ઓગસ્ટે તેમની માતા કાજલબેન અને  પિતાજીની સાથે મુંબઇથી અમદાવાદ આવ્યા હતાં. તેમને મણિનગરના જુના મકાનમાંથી સામાન વેજલપુર ખાતેના મકાનમાં શિફ્ટ કરવાનો હતો. તેઓ 14મી ઓગસ્ટના રોજ મણિનગરના ઘરેથી કામ પતાવીને રાત્રે રિક્ષામાં બેસીને વેજલપુર ખાતેના મકાન પર જવા માટે રવાના થયા હતાં. 
 
કુલ 80 હજારનો મુદ્દામાલ લઈને લૂંટારા ફરાર થઈ ગયા
આ દરમિયાન તેમની રિક્ષાની પાછળ એક મોટર સાયકલ પર બે અજાણ્યા માણસો આવ્યા હતા. મોટર સાયકલના ચાલકે નીશાબેનના ખોળામાં રહેલ લેડીસ પર્સ સેરવી લેવાની કોશીશ કરતાં તેને જોરથી ખેંચીને  પર્સ લઇને ચન્દ્રનગર તરફ ભાગ્યો હતો.  આ દરમિયાન નિશાબેને બુમો પાડતાં બન્ને ઈસમો ફરાર થઈ ગયા હતા. તેમના પર્સમાં ત્રણ મોબાઈલ તથા એક ઘડીયાળ, આઈડી પ્રુફો, રોકડા રૂપિયા અને પરચુરણ ચીજ વસ્તુઓ હતી.  મોટર સાયકલ સવાર લૂંટારૂઓએ કુલ 80 હજારના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતાં. જેથી નિશાબેને અજાણ્યા મોટરસાયકલ ચાલકો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.