1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: બુધવાર, 13 ડિસેમ્બર 2017 (12:12 IST)

ચૂંટણી પછી હાર્દિકને એકલો પાડી દેવાનો કારસો ઘડાયો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે મેદાને પડેલા હાર્દિક પટેલની નેતાગીરીને ‘પાસ’ની કોર કમિટિ જ પડકારી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ ચૂંટણીના પરિણામ જે આવે તે પરંતુ જેવી ચૂટણી પતશે કે થોડા જ સમયમાં પાટીદાર અનામત આંદોલન સમિતિમાં બે તડા પડી જશે. કારણકે હાલમાં ‘પાસ’માં રહેલા કોર કમિટીના આગેવાનો ચૂંટણી પછી હાર્દિકની આગેવાની સ્વીકારવાનાં મૂડમાં ન હોવાનું જાણવા મળે છે. સૂત્રોનું કહેવું છે કે, કોંગ્રેસ ચૂંટણીના પરિણામમાં પાસ થાય કે નપાસ, હાર્દિક પટેલને ‘પાસ’થી દૂર કરવાનું આયોજન ગોઠવાયું છે.

બીજી તરફ હાર્દિક પણ આ બાબતથી જાણકાર હોવાનું અને તે અંગે પોતાની તૈયારીઓ કરતો હોવાનું સૂત્રોનું કહેવું છે. પાટીદાર સમાજના આંતરિક સુત્રોના જણાવ્યા મૂજબ હાલમાં હાર્દિકની સભામાં ઉમટી રહેલી હજારોની ભીડને પાટીદારોની ભીડ તરીકે ખપાવી દેવામાં આવી રહી છે. ચૂંટણી સુધીનો સમય સંવેદનશીલ હોવાને કારણે હાર્દીકના વલણની સંપુર્ણ વિરૂદ્ધમાં રહેલા પાટીદાર સમાજ અને તેના ચોક્કસ અગ્રણીઓ અનામત આંદોલનની દોર પોતાના હાથમાં લેવાનું ટાળી રહ્યા છે. પરંતુ ચૂંટણીના પરિણામ બાદ હાર્દિક પટેલને પાટીદાર અનામત આંદોલનના આગેવાન પદેથી હટાવી દેવાનું આયોજન ગોઠવાઈ ગયું છે. જો કોંગ્રેસ જીતી જાય તો સ્વાભાવિકપણે કોંગ્રેસની સરકારમાં પાટીદાર અનામત આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આ‌વશે. પાટીદાર સમાજનાં કેટલાંક અગ્રણીઓ અને ‘પાસ’ના કોર કમિટિના કેટલાંક આગેવાનોનું ચોક્કસપણે માનવું છે કે, કોંગ્રેસની સરકાર બને તો હાર્દિકનું અનામત માટેનું આંદોલન ભાજપની સરકારમાં હતું એટલું ઉગ્ર નહીં રહે. આથી હાર્દિકને હટાવીને આંદોલન હાથમાં લેવું સરળ રહેશે. કારણ કે સમાજમાં પણ હાર્દિકની નીતિ-રીતિ અંગે સવાલો ઊભા કરી શકાશે. સૂત્રોનું કહે છે કે, જો ભાજપ ફરી એક વાર સરકાર બનાવશે તો ‘પાસ’ના મોટા ભાગનાં કોર કમિટીના તેમજ જિલ્લા તાલુકા સ્તરના આગેવાનો હાર્દિક સાથે નહીં રહે. તેઓ અલગ મોરચો બનાવીને સરકાર સમક્ષ રજૂઆતો કરશે. તેમજ હાર્દિક અંગેની હજુ સુધી ન જાહેર થયેલી અનેક બાબતો પણ ખુલીને જાહેર કરવામાં આવશે. જેથી પાટીદાર તેમજ અન્ય સમાજ જો હાર્દિકના સમર્થનમાં રહેવા માગતો હોય તો દુર થઈ જાય.