શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 18 નવેમ્બર 2022 (09:38 IST)

ચૂંટણીની ટ્રેનિંગ માટે હાજર ન રહેલા 39 સરકારી કર્મચારી સામે ધરપકડ વોરંટ ઈશ્યૂ

gujarat election
વિધાનસભાની ચૂંટણી માટે પોલિંગ ઓફિસરથી માંડી પ્રિસાઈડિંગ ઓફિસર સુધીના કર્મચારીઓની ચૂંટણી અધિકારી દ્વારા જુદી જુદી તાલીમ યોજવામાં આવી રહી છે. આ તાલીમમાં હાજર નહીં રહેનારા આયકર, ટેલિકોમ અને ઈન્સ્યોરન્સ કંપનીના 39 કર્મચારીઓ વિરુદ્ધ મુખ્ય ચૂંટણી અધિકારીએ ધરપકડ વોરંટ કાઢતા ભારે વિવાદ થયો છે.

કલેક્ટર દ્વારા જે તે પોલીસમથકને ધરપકડ વોરંટ બજાવવા સૂચના આપ્યાના એક જ દિવસમાં 24 કર્મચારીઓ કલેક્ટર સમક્ષ હાજર થઈ ગયા હતા અને શુક્રવારે વિવિધ તાલીમમાં હાજર થવાની ખાતરી આપી હતી. અન્ય 15 કર્મચારીઓ પણ શુક્રવારે હાજર થવાના હોવાનો સંદેશો કલેક્ટર ઓફિસે પાઠવ્યો હતો.અમદાવાદ જિલ્લા કલેક્ટર ધવલ પટેલે કહ્યું કે, ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન આ પ્રકારના ધરપકડ વોરંટ એ રૂટિન પ્રક્રિયા છે. ઉલ્લેખનીય છે કે, જે કર્મચારીઓને ધરપકડ વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યા હતા તેમાંથી કેટલાક કર્મચારીઓની તો ટ્રાન્સફર થઈ ગઈ છે, કેટલાકે અગાઉથી પૂર્વ મંજૂરી મેળવી લીધી હતી છતાં પણ તાલમેલના અભાવે આવા કર્મચારીઓ સામે પણ ધરપકડ વોરંટ ઈશ્યૂ કરાયા છે.એક અંદાજ મુજબ અમદાવાદની ચૂંટણી પ્રક્રિયા પાર પાડવા માટે 25 હજાર કર્મચારીઓની જરૂર છે. જેમાંથી 2700 કર્મચારીઓએ વિવિધ કારણોસર આ પ્રક્રિયામાંથી મુક્તિ માટે રજૂઆત કરી છે. મુખ્યત્વે માંદગી, ટ્રાન્સફર, માતા-પિતાની તબિયત, લગ્ન પ્રસંગ સહિતના કારણો રજૂ કરી મુક્તિ માગી છે. જો કે, હજુ આ અંગે નિર્ણય લેવાયો નથી.