શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 8 ડિસેમ્બર 2022 (15:21 IST)

ગુજરાતમાં BJP ની જીતના 3 કારણ - જાણો ભાજપની એ સ્ટ્રેટેજી જેણે તમામ રેકોર્ડ તોડીને બીજેપીને ઐતિહાસિક જીત અપાવી

modi megic
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર થઈ રહ્યાં છે. ચૂંટણીપંચ દ્વારા રજૂ કરાયેલાં વલણોમાં ગુજરાતમાં સત્તાપક્ષ ભાજપને 150 કરતાં વધુ બેઠકો મળી રહી હોવાનું જણાય છે. નોંધનીય છે કે ચૂંટણી અગાઉ પ્રચાર-પ્રસાર વખતે ભાજપના મોટા ભાગના નેતાઓ રાજ્યમાં આ વખત ‘તમામ રેકૉર્ડ ધરાશાયી કરીને’ ‘અભૂતપૂર્વ જીત’ હાંસલ કરવાનો દાવો કરી રહ્યા હતા. જે સાચો પડી રહ્યો હોય તેવું આ પરિણામોમાં જોવા મળી રહ્યું છે.
 
ભાજપના પ્રદેશપ્રમુખ સી. આર. પાટીલ સહિતના નેતાઓ અવારનવાર ગુજરાતમાં ‘ભાજપને 150 કરતાં વધુ બેઠકો મળવાનો દાવો’ કરી રહ્યા હતા. પરંતુ કૉંગ્રેસ સહિતના વિપક્ષો અને રાજકીય વિશ્લેષકો આ દાવા સાથે ‘સહમત’ નહોતા.
 
શરૂઆતનાં વલણો પ્રમાણે ભાજપ સરળતાથી વર્ષ 1985ની વિધાનસભા ચૂંટણીઓમાં કૉંગ્રેસના માધવસિંહ સોલંકીની આગેવાનીમાં મળેલ 149 બેઠકોનો રેકૉર્ડ ‘તોડશે’ તેવું જણાય છે.
 
પરંતુ મોરબી દુર્ઘટનામાં 135 લોકોનાં મૃત્યુ, કોરોના મહામારીમાં સરકારની આકરી ટીકા, રાજકીય વિશ્લેષકોના મતે ‘ઍન્ટિ ઇન્કમ્બન્સીની અસર’ જેવાં પરિબળો કામે લાગેલાં હોવા છતાં કેવી રીતે ભાજપ ‘સરળતાથી’ ‘ગુજરાતનો ગઢ’ જાળવી રાખી શક્યો અને એ પણ ‘બમ્પર બહુમતી સાથે?’
 
ઉપરોક્ત પ્રશ્નના જવાબ મેળવવા માટે અને આ વખતની ચૂંટણીમાં ભાજપની ‘અભૂતપૂર્વ જીત સુનિશ્ચિત’ કરવામાં કયાં પરિબળો કામ કરી ગયાં તે જાણવા, ગુજરાતના કેટલાક રાજકીય વિશ્લેષકો સાથે વાત કરી હતી.
 
‘હિંદુત્વનો મુદ્દો ચાલી ગયો’ 
 
ગુજરાતના રાજકારણ પર નિકટથી નજર રાખતા, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના નિવૃત્ત પ્રોફેસર ઘનશ્યામ શાહ જણાવે છે કે, “આ વખત વ્યાપક મોંઘવારી, કોરોનાકાળમાં સર્જાયેલ અવ્યવસ્થા અને બેરોજગારીના મુદ્દાની સામે ભાજપે હિંદુત્વનો મુદ્દો મૂકીને મેદાન મારી લીધું એવું લાગી રહ્યું છે.”
 
આ વાત સમજાવતાં તેઓ કહે છે કે, “ગુજરાતમાં અમિત શાહથી માંડીને નરેન્દ્ર મોદીના પ્રચારમાં હિંદુત્વનો મુદ્દો સર્વોપરી જોવા મળ્યો. આ સિવાય અસમના મુખ્ય મંત્રી હેમંતા બિશ્વા શર્મા અને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથનાં ભાષણોમાં મુસ્લિમ સમાજ માટે નફરત વધારવા માટે ઘણાં નિવેદનો કરાયાં. પ્રચારની આ ટેકનિક કામ કરી ગઈ.”
 
આ સિવાય તેઓ ચૂંટણી પહેલાં ભાજપ સરકારે ‘મુસ્લિમોની વસતીમાં ચલાવેલ ડિમોલિશન ડ્રાઇવ’એ પણ ‘હિંદુ મતદારોના મનમાં લઘુમતી પ્રત્યે ધિક્કાર અને ભયની લાગણી મજબૂત કરવામાં’ ભૂમિકા ભજવી હોવાનું જણાવે છે.
BJP won
ઘનશ્યામ શાહ આ અંગે વાત કરતાં કહે છે કે, “ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની ઠીક પહેલાં દ્વારકા, જામનગર અને પોરબંદરમાં ડિમોલિશન ડ્રાઇવ ચલાવાઈ જાણે આ વિસ્તારો પર પાકિસ્તાન કબજો કરવાનો હોય, આ વિસ્તારોમાં મોટા ભાગે મુસ્લિમોનાં બાંધકામ હતાં. મુસ્લિમ પ્રજાને ટાર્ગેટ પર લઈને હિંદુઓમાં ધિક્કાર અને ભયની લાગણી પુન:જાગૃત કરવાનો પ્રયત્ન કરાયો, જે કામ કરી ગયો. આ જ લાગણીઓના પડઘા પરિણામમાં ઝીલાઈ રહ્યાં છે.”
 
વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 64.33 ટકા મતદાન નોંધાયું હતું જે વર્ષ 2017ની સરખામણીમાં ઓછું હતું.
 
વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 68.41 ટકા મતદાન નોંધાયું હતું.
 
એક સમયે ઓછા મતદાન અંગે એવું કહેવાઈ રહ્યું હતું ‘ભાજપના મતો’ ઘટ્યા છે, પરંતુ પરિણામોનાં વલણોમાં એવું સ્પષ્ટ નથી થતું.
 
ઓછા મતદાનની ચૂંટણીનાં પરિણામો પર અસર અંગે વાત કરતાં ઘનશ્યામ શાહ જણાવે છે કે, “ભાજપની નીતિઓ અને સરકારથી નિરાશ લોકો મતદાન નહોતા કરવા ગયા, તેઓ પોતાના મતની કોઈ અસર નહીં થાય તેવું વિચારી રહ્યા હતા. આ મતદારોને પણ ખ્યાલ હતો કે ભાજપ સત્તામાં પરત આવી શકે છે એટલે તેઓ વિરોધમાં મતદાન કરવા ન ગયા અને ભાજપને અંતે ફાયદો થયો.”
આમ આદમી પાર્ટી અને વડા પ્રધાન મોદીનો ચહેરો
 
જગદીશ આચાર્ય હિંદુત્વ સાથે ભાજપની જીત માટે કારણભૂત અન્ય પરિબળો અંગે વાત કરતાં જણાવે છે કે, “હિંદુત્વના મુદ્દાની સાથોસાથ આમ આદમી પાર્ટીનું પરિબળ પણ ગુજરાતમાં ભાજપ માટે શુકનિયાળ નીવડ્યું. આમ આદમી પાર્ટી જે ભાજપની બી ટીમ હોવાની વાતનો ઇનકાર કરતી હતી, પરંતુ પરિણામોને જોતાં એવું લાગે છે કે આખરે તેણે કામ તો એવું જ કર્યું.”
 
જગદીશ આચાર્ય આ પરિણામોનાં વલણો અને તે પાછળનાં કારણો અંગે વાત કરતાં આગળ કહે છે કે, “ગુજરાતમાં હિંદુત્વના મુદ્દા સાથે આપનું પરિબળ, વડા પ્રધાન મોદીનો ચહેરો અને આક્રમક પ્રચારની રણનીતિ કામે ભાજપને કામે લાગી. આ સિવાય કૉંગ્રેસની નિષ્ક્રિયતા પણ ભાજપને ફળી ગઈ.”
 
તેઓ પોતાની વાત આગળ વધારતાં કહે છે કે, “કૉંગ્રેસે આ વખત ચૂંટણીપ્રચારમાં મહેનત નહોતી કરી. તે અન્ય પરિબળોને આધારે જીતવા માગતી હતી. જે રાજકારણમાં નથી થતું.”
 
વર્ષ 2022નાં ચૂંટણીપરિણામો પર નજર કરીએ તો આ વખત સૌરાષ્ટ્રના જિલ્લાઓની બેઠકો પર પણ ભાજપ આગળ ચાલી રહ્યો છે. નોંધનીય છે કે વર્ષ 2017માં ભાજપને પાટીદાર અનામત આંદોલન અને અન્ય કારણોસર આ બેઠકો પર નુકસાન થયું હતું.
 
આ બેઠકો પર પણ ભાજપ જીતની નજીક છે, તેની પાછળનાં કારણો ગણાવતાં જગદીશ આચાર્ય કહે છે કે, “સૌરાષ્ટ્રમાં પણ ભાજપના સારા પ્રદર્શન માટે આમ આદમી પાર્ટીનું પરિબળ અને કૉંગ્રેસની નિષ્ક્રિયતા કારણભૂત છે. સૌરાષ્ટ્રની ઘણી બેઠકો એવી છે કે જ્યાં ભાજપના ઉમેદવારના મતો કરતાં આપ અને કૉંગ્રેસના ઉમેદવારોના સંયુક્ત મતો વધુ છે.”
 
વર્ષ 1984ની ખામ થિયરી અને માધવસિંહનો વિજય
 
KHAM સમીકરણમાં 'K' (ક્ષત્રિય-ઠાકોર), 'H' (હરિજન, શિડ્યુલ્ડ કાસ્ટ), 'A' (આદિવાસી, શિડ્યુલ્ડ ટ્રાઇબ્સ) તથા 'M' મુસ્લિમોને સાથે રાખીને ચૂંટણી જીતવાનાં સમીકરણ ગોઠવવામાં આવ્યા હતા.
 
ખામની સફળતાને ટાંકવા માટે 1985નાં ચૂંટણીપરિણામોને ટાંકવામાં આવે છે, જેમાં કૉંગ્રેસ પાર્ટીને 182માંથી 149 બેઠક મળી હતી.
 
1977ની ચૂંટણીમાં ધબડકા બાદ કૉંગ્રેસ (આઈ) પાર્ટી ખામ સમીકરણ તરફ વળી હતી.
 
KHAMના સમીકરણને કારણે ગુજરાતનું રાજકારણ અને સમાજવ્યવસ્થા હંમેશાને માટે બદલાઈ જવાના હતા અને અત્યારસુધી લગભગ એકહથ્થું સત્તા ભોગવનારા સમુદાયો માટે પડકાર ઊભો થવાનો હતો.
 
1977ની ચૂંટણીમાં ધબડકા બાદ કૉંગ્રેસ (આઈ) પાર્ટી ખામ સમીકરણ તરફ વળી હતી.
 
જાન્યુઆરી-1980માં યોજાયેલી લોકસભા ચૂંટણી દરમિયાન પાર્ટીને 26માંથી 25 બેઠક મળી હતી. તેના ચાર મહિના બાદ મે-1980માં યોજાયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન પાર્ટીને 182માંથી 141 બેઠક મળી હતી.
 
1985 ની વિધાનસભા ચૂંટણીમાં 149 બેઠકો જીતવાનો કૉંગ્રેસનો રેકૉર્ડ 37 વર્ષ પછી ભાજપ તોડી રહી છે.