1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 28 ફેબ્રુઆરી 2023 (10:05 IST)

રાજ્યમાં ડુંગળી પકવતા ખેડૂતોને થઇ રહેલા નૂકશાન સંદર્ભે મુખ્યમંત્રીને કરી રજૂઆત, ખેડૂતોને મળી સહાયની હૈયા ધારણ

onion rate
રાજ્યમાં ડુંગળી પકવતા ખેડૂતોને થઇ રહેલા નૂકશાન સંદર્ભે  ભાવનગરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં એપીએમસીના આગેવાનોએ કરેલી રજૂઆતને ગંભીરતાથી સાંભળી ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.
 
અગાઉ પણ આ પ્રશ્ને ખેડૂત આગેવાનોએ અને ધારાસભ્યશ્રીઓએ કૃષિ મંત્રી રાઘવજી પટેલને રજુઆતો કરેલ હતી. જેના પ્રતિભાવમાં કૃષિ મંત્રી દ્વારા ખેડૂતોને સહાય કરવા માટે હૈયા ધારણ આપવામા આવી હતી.
 
ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ હકારાત્મક પ્રતિભાવ આપવા બદલ આગેવાનોએ અને ધારાસભ્યશ્રીઓએ મુખ્યમંત્રીનો ખેડૂતો વતી આભાર માન્યો હતો. 
 
ડુંગળીના નીચા ભાવથી ખેડૂતોને થઈ રહેલા નૂકશાનથી બચાવવા રાજ્ય સરકારે ગત વર્ષે રૂા.૧૦૦ કરોડની સહાય જાહેર કરી હતી. જેમાં રાજય સરકારે ખેડૂતો દ્વારા અરજી કર્યા બાદ કુલ ૩૧,૬૭૪ ખેડૂતોને કુલ રૂા.૬૯.૨૬ કરોડની સહાય ચુકવવામાં આવી હતી. જેથી આ વખતે પણ સરકાર જરૂરી નિર્ણય લેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
 
રાજ્યમાં ડુંગળીના ઘટી ગયેલા ભાવ સંદર્ભે ખેડૂતો માટે યોગ્ય નિર્ણય લેવા આજે ભાવનગરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં મહુવા એપીએમસીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, પાલીતાણાના ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારૈયા તથા ગોંડલ એપીએમસીના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી હતી.
 
આ રજૂઆતમાં મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને તળાજા ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ રજૂઆતને ખૂબ જ સંવેદના સાથે ગંભીરતાથી સાંભળી હતી અને ખેડૂતોને થઈ રહેલા નુકસાનને ધ્યાનમાં લઈને યોગ્ય નિર્ણય લેવા તૈયારી દર્શાવી હતી.