1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 8 ઑગસ્ટ 2022 (12:59 IST)

ગોવા જવાનું હોય તો પહેલા આ ન્યૂઝ વાંચી લો, અમદાવાદથી વન-વે એરફેરમાં તોતિંગ વધારો થયો

flights
૧૫મી ઓગસ્ટની રજાઓમાં બહાર ફરવા જવાનું આયોજન કરી રહ્યા હોવ તો સામાન્ય કરતાં અઢી ગણું એર ફેર ચૂકવવું પડી શકે છે. વાત એમ છે કે, રક્ષાબંધન, બીજો શનિવાર અને સોમવાર એમ સળંગ રજાઓને પગલે અમદાવાદથી વન-વે એરફેરમાં તોતિંગ વધારો થયો છે.

૧૧ ઓગસ્ટના ગુરુવારે રક્ષાબંધનની જાહેર રજા છે ત્યારબાદ બીજો શનિવાર-રવિવાર  આવે છે અને સોમવારે સ્વતંત્રતા દિવસ છે. આમ, શુક્રવારની એક દિવસની રજાની ગોઠવણી કરીને પાંચ દિવસના મિની વેકેશન માટે અનેક લોકો આયોજન કરી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદથી ગોવા જવા માટેનું વન-વે એરફેર સામાન્ય દિવસોમાં રૃપિયા ૫ હજારની આસપાસ હોય છે અને તે હવે ૧૨ ઓગસ્ટમાં ૧૪ હજારને પાર થઇ ગયું છે. રજાઓ નજીક આવશે તેમ આ એરફેર હજુ ૧૫ હજાર સુધી પણ પહોંચે તેમ મનાઇ રહ્યું છે.  અમદાવાદથી મુંબઇનું મહત્તમ વન-વે એરફેર વધીને હવે રૃપિયા ૬૪૨૭ થઇ ગયું છે.ટૂર ઓપરેટરોના મતે ગોવા હંમેશાં ગુજરાતીઓ માટે વેકેશનમાં ફેવરિટ રહ્યું છે. ગોવા, જયપુર, બેંગાલરુ, દેહરાદૂન માટે ભારે માગને લીધે તેના એરફેરમાં વધારો થયો છે. આ ઉપરાંત તાજેતરમાં વિમાન માટેના ઈંધણની કિંમત વધતા તેના લીધે પણ એરફેર આસમાને જઇ રહ્યા છે. એરફેર ઉપરાંત આ ફરવાના સ્થળોએ આવેલી હોટેલ-રીસોર્ટ્સમાં પણ બૂકિંગ ફૂલ થવા લાગ્યા હોવાનું સામે આવ્યું છે.