ઘર અને ઔદ્યોગિક વપરાશનો ગેસ આપવામાં ગુજરાત અવલ્લ નંબરે

ગાંધીનગર:| Last Modified મંગળવાર, 16 જુલાઈ 2019 (09:02 IST)
ગેસ આધારિત અર્થવ્યવસ્થા દેશમાં ૬ ટકા જ્યારે ગુજરાતમાં ૨૫ ટકા : સૌરભ પટેલગુજરાતમાં ઘર વપરાશ અને ઔદ્યોગિક વિકાસના વપરાશ માટે સસ્તો અને ઘર આંગણે ગેસ પુરો પાડવામાં ગુજરાત દેશમાં અગ્રેસર છે તેમ ઊર્જા મંત્રીશ્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું. આજે ઉદ્યોગ અને ખાણ વિભાગની માંગણીના પ્રત્યુત્તરમાં પી.એન.જી. ગેસના વપરાશ અને વ્યવસ્થા અંગેની જાણકારી માહિતી આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગેસ આધારિત અર્થવ્યવસ્થા દેશમાં ૬ ટકા છે જ્યારે ગુજરાતમાં ૨૫ ટકા છે.
 
ઊર્જા મંત્રીએ ગેસ આધારિત અર્થવ્યવસ્થા અંગે જણાવ્યું કે, દેશમાં ગુજરાત એકમાત્ર રાજ્ય છે કે જેમાં તમામ જીલ્લાઓમાં ગેસ વિતરણના ૧૦૦ ટકા લાયસન્સ આપવામાં આવ્યા છે. વર્ષ-૨૦૧૪ સુધી માત્ર ૧૬ જીલ્લામાં ગેસ વિતરણ વ્યવસ્થા હતી જે ૨૦૧૪ પછી બાકીના ૧૭ જીલ્લામાં વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે જે રાજ્ય સરકારની પ્રજાકીય સેવાની ઈચ્છા શક્તિનું પરિણામ છે. ગુજરાતમાં ગેસ વપરાશની વિગતો આપતા જણાવ્યું કે, ગુજરાતમાં ૧૫,૩૮,૫૭૭ ગ્રાહકો પી.એન.જી.નો ઉપયોગ કરી રહ્યા છે જે કુલ વપરાશકારની ૭૬ ટકા, ૧૩,૦૧૮ કોમર્શિયલ પી.એન.જી. વપરાશકારો જે કુલ વપરાશકારોના ૭૦ ટકા છે. ૩,૮૪૯ ઔદ્યોગિક પી.એન.જી. વપરાશકારો જે કુલ વપરાશકારોના ૭૯ ટકા થવા જાય છે.
 
ગુજરાત અને દેશની ગેસ વ્યવસ્થાઓ અને તેના ઉપયોગની વિગતો આપતા જણાવ્યું કે, ૩૦ જુન, ૨૦૧૯ની સ્થિતિએ પી.એન.જી.ના ગુજરાતના ૨૦,૧૩,૧૯૫ વપરાશકારોની સરખામણીમાં દેશના ૫૧,૦૦,૯૫૪ છે. એટલે કે, ગુજરાતમાં ૪૦ ટકા થવા જાય છે. તે જ રીતે કોમર્શિયલ પી.એન.જી.ના ૧૮,૬૬૮ વપરાશકારોની સરખામણીમાં દેશના ૨૬,૪૬૮ છે. એટલે કે, ગુજરાતમાં ૭૦ ટકા જ્યારે ઔદ્યોગિક પી.એન.જી.ના ૪,૮૭૧ વપરાશકારોની સરખામણીમાં દેશના ૮,૧૧૪ છે. એટલે કે ગુજરાતમાં ૬૦ ટકા થવા જાય છે. દેશમાં ૧૭૬૨ સી.એન.જી. સ્ટેશનોની સરખામણીમાં ગુજરાતમાં ૫૪૨ એટલે કે ગુજરાતમાં ૩૧ ટકા છે.
 
ગુજરાતના વિકાસ અને સારા પર્યાવરણ માટે પ્રોત્સાહન આપવા સી.એન.જી. સહભાગી યોજના ૨૫ જુન, ૨૦૧૯ના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર કરી છે. આ યોજના અંતર્ગત આગામી બે વર્ષમાં ૩૦૦ નવા સી.એન.જી. સ્ટેશનો ઊભા કરાશે. સાથો સાથ પેટ્રોલ-ડીઝલના કાર્યરત હાલના સ્ટેશનોમાં સી.એન.જી.ની વધુ સુવિધા ઊભી કરાશે. તેમણે એમ પણ જણાવ્યું કે, ભારતીય નાગરિકત્વ ધરાવતા કોઈપણ નાગરિક પોતાની જમીન પર સી.એન.જી. સ્ટેશન શરૂ કરવા માંગતા હશે તેને ૨૦ વર્ષની લીઝ સાથે અરજી કરી શકશે


આ પણ વાંચો :