રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: અમદાવાદ: , બુધવાર, 28 ઑગસ્ટ 2019 (11:02 IST)

અમદાવાદમાં યોજાશે અત્યાર સુધીનો સૌથી મોટો ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેર, 30 ઓગષ્ટના રોજ થશે પ્રારંભ

ટીટીએફ (ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેર) અમદાવાદનું તેની 2019ની એડીશન માટે આગમન થયું છે. ત્રણ દિવસ ચાલનારા આ શોનો અમદાવાદમાં શુક્રવાર, તા.30 ઓગષ્ટના રોજ પ્રારંભ થશે. ગુજરાત યુનિવર્સિટી એક્ઝીબિશન હોલ ખાતે આ શો યોજાઈ રહ્યો છે. વિવિધ શહેરોમાં યોજાતો ટીટીએફ સૌથી મોટો ટ્રેડ શો છે. ટીટીએફ સિરીઝ દિવાળીની રજાઓની સિઝન માટે બિઝનેસનો પ્રારંભ કરશે. ભારતના 20 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો તથા 5 દેશના ૬૫૦ એક્ઝીબિટર્સ ટીટીએફ અમદાવાદમાં સામેલ થઈ રહ્યા છે અને સમગ્ર ગુજરાત તથા પશ્ચિમ ભારતના ટ્રાવેલ ટ્રેડ માટે બિઝનેસની તકો ખૂલ્લી મૂકશે.
 
આ શોના પ્રથમ બે દિવસ (શુક્રવાર અને શનિવાર) ટ્રાવેલ ટ્રેડ માટે અનામત રખાયા છે, જ્યારે છેલ્લો દિવસ (રવિવાર) સામાન્ય મુલાકાતીઓ માટે ખૂલ્લો રહેશે. ટીટીએફ અમદાવાદ માટે 5,000 થી વધુ ટ્રેડ બાયર્સે તેમના નામ અગાઉથી નોંધાવ્યા છે. 10,000 જેટલા ટ્રાવેલ ટ્રેડના સભ્યો અને 5,000 જનરલ વિઝીટર્સ પણ ટીટીએફ અમદાવાદની મુલાકાત લેશે તેવી અપેક્ષા છે.
 
વિદેશના જે એક્ઝીબિટર્સ સામેલ થઈ રહ્યા છે તેમાં શ્રીલંકા, ઈન્ડોનેશિયા અને નેપાળ પાર્ટનર કન્ટ્રીઝ છે, જ્યારે શ્રી લંકા ટુરિઝમ પ્રમોશન બ્યૂરો સૌથી મોટો પેવેલિયન ધરાવે છે. ચીન, આ ટ્રેડ શોમાં ફીચર કન્ટ્રી તરીકે હાજરી આપશે. ટીટીએફ અમદાવાદમાં જે અન્ય દેશોનું પ્રતિનિધિત્વ જોવા મળશે. તેમાં ભૂતાન, હોંગકોંગ, મલેશિયા, માલદિવ્ઝ, મોરીશ્યસ, ઓમાન, રશિયા, સિંગાપોર, દક્ષિણ આફ્રિકા, થાઈલેન્ડ, તુર્કી, યુએઈ, યુક્રેન, યુનાઈટેડ કીંગ્ડમ, ઉઝબેકિસ્તાન અને વિયેતનામનો સમાવેશ થાય છે.
 
ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઓડીશા, કેરાલા, કર્ણાટક, ગોવા અને રાજસ્થાન ટીટીએફ અમદાવાદમાં પાર્ટનર સ્ટેટસ તરીકે સામેલ થઈ રહ્યા છે. દરેક રાજ્ય આ ટ્રેડ શોમાં તેમના વિસ્તારની મોટી હોટલો અને એજન્ટો સાથે જોડાઈ રહ્યું છે. ટીટીએફ અમદાવાદના ફીચર્સ સ્ટેટસમાં મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, બિહાર, પંજાબ, પોંડિચેરી, આંદામાન-નિકોબાર, મણિપુર અને મેઘાલયનો સમાવેશ થાય છે. ટીટીએફમાં આ રાજ્યોના કલરફૂલ પેવેલિયન્સ જોવા મળશે. આ વખતે ટીટીએફ અમદાવાદમાં ગોરખાલેન્ડ ટેરિટોરિયલ એડમિનિસ્ટ્રેશન પણ ફીચર ડેસ્ટીનેશન તરીકે જોડાયું છે.
 
ભારતના 8 શહેરોની ટીટીએફ સિરીઝમાં ટીટીએફ અમદાવાદ વધુ એક વખત સૌથી મોટો શો બની રહેશે, કારણ કે તેમાં અમદાવાદ અને ગુજરાતના ધમધમતા બજારનો લાભ મળવાનો છે. આ સમારંભમાં નજીકના વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, વલસાડ, નવસારી, વાપી, ભરૂચ, અંકલેશ્વર, આણંદ વગેરે શહેરોના ટ્રાવેલ એજન્ટો અને ટુર ઓપરેટરો પણ લોકલ ટ્રાવેલ ટ્રેડ એસોસિએશનના સહયોગથી મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે.
 
ત્રણ દિવસનો આ ટ્રાવેલ ફેર સ્ટેટ ટુરિઝમ બોર્ડઝ, નેશનલ ટુરિસ્ટ ઓફિસીસ, હોટેલિયર્સ, એરલાઈન્સ, ટુર ઓપરેટર્સ અને ટ્રાવેલ એજન્ટસ તથા ઓનલાઈન ટ્રાવેલ કંપનીઓ, રેલવેઝ અને ક્રૂઝ લાઈન્સને એક જ સ્થળે બીટુબી પરામર્શ માટે એકત્ર કરે છે. મુલાકાતીઓને પણ તે આગામી રજાઓમાં મુલાકાતનું આયોજન કરવાની તક પૂરી પાડે છે.
 
ટીટીએફ અમદાવાદને યજમાન રાજ્ય ગુજરાતના ટુરિઝમ વિભાગનો તથા અન્ય રાજ્યોના ટુરિઝમ વિભાગોનો સહયોગ પ્રાપ્ત થયો છે. ભારત સરકારનું પ્રવાસન મંત્રાલય અને કેટલાક દેશોની નેશનલ ટુરિસ્ટ ઓફિસો, પ્રાઈવેટ એક્ઝીબીટર્સ અને ટ્રેડ એસોસિએશનનો પણ આ શોને સહયોગ પ્રાપ્ત થયો છે. સતત સહયોગ મળી રહેવાના કારણે ટીટીએફ અમદાવાદ દેશભરના બાયર્સ અને સેલર્સ માટે સૌથી મોટું પ્લેટફોર્મ બની રહે છે અને બિઝનેસની લેટેસ્ટ ઓફરો ઉપરાંત લાંબા ગાળાના બિઝનેસના સંબંધોનું નિર્માણ થાય છે.
 
ટીટીએફ અમદાવાદને ઈન્ક્રેડિબલ ઈન્ડીયા તથા TAAI, ADTOI, OTOAI, ATOAI, IATO, IAAI, SKAL INTERNATIONAL, ETAA, SATA, TAG, ATAA, TAAS, SGTCA, RAAG અને GTAA નો સહયોગ પ્રાપ્ત થયો છે. ટીટીએફ અમદાવાદ પછી તા.6 થી 8 સપ્ટેમ્બર દરમ્યાન ટીટીએફ સુરતનું પંડિત દિન દયાળ ઉપાધ્યાય ઈનડોર સ્ટેડિયમ, સુરત ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
 
ભારે માંગને કારણે આ વર્ષે અમદાવાદમાં ટીટીએફ સમરનું પણ આયોજન કરવામા આવ્યું હતું, જેના કારણે એક્ઝીબિટર્સને સમર ટ્રાવેલનો મોટો બિઝનેસ મળ્યો હતો. વર્ષ 2020માં ટીટીએફ સમર અમદાવાદનું આયોજન 8 થી 9 ફેબ્રુઆરી દરમ્યાન કરવામાં આવ્યું છે.