એર ઈંડિયાનું સંકટ વધ્યુ, વધુ 25 પાયલોટ્સ સસ્પેન્ડ
એર ઇન્ડિયા દ્વારા વધુ રપ પાયલોટ્સને સસ્પેન્ડ કરવા તેમજ ઇન્ડિયન પાયલોટ્સ ગિલ્ડના ૧૧ સસ્પેન્ડેડ પદાધિકારીઓનાં લાઇસન્સ કરવાની ડીજીસીએને ભલામણ કરવાથી આ વિમાન કંપની પરનું સંકટ વધુ ગહેરાયું છે. ર૦૦ કરતાં વધુ હડતાળિયા પાયલોટ્સે કામ પર પરત ફરવાનો ઇનકાર કર્યા બાદ કંપની મેનેજમેન્ટે આ નિર્ણય લીધો છે.આઇપીજીના પ્રવક્તા તૌસીફ મુકદ્દમે જણાવ્યું કે, એર ઇન્ડિયા આ મુદ્દાને હલ કરવાને બદલે વધુ ઉલઝાવી રહી છે. તેમણે કહ્યું કે તેમનું આંદોલન ચાલુ જ રહેશ. તેમણે એ પણ કહ્યું કે, પાયલોટ્સે આ મુદ્દો ઉકેલવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રી અજીતસિંહ પાસે મુલાકાત માટે સમય પણ માગ્યો છે.જ્યારે સામે પક્ષે એર ઇન્ડિયાએ કહ્યું કે, સ્થિતિની ગંભીરતા જોતાં રપ હડતાળિયા પાયલો્ટસને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ મંગળવારે આંદોલનની શરૂઆતથી અત્યાર સુધી સસ્પેન્ડેડ પાયલોટ્સની સંખ્યા ૭૧ એ પહોંચી છે.એર ઇન્ડિયાએ ડીજીસીએને પત્ર લખીને આઇપીજીના બરખાસ્ત કરાયેલા ૧૧ પદાધિકારીઓનાં લાઇસન્સ રદ કરી દેવા કહ્યું છે. વિમાન કંપનીએ કહ્યું કે, તેઓ મુસાફરોને થઇ રહેલી અસુવિધા દૂર કરવા માટે એક યોગ્ય આપાત યોજના લાગુ કરવાની તૈયારીમાં છે. આજે કંપનીની ર૩ આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ ફ્લાઇટ્સ રદ થવાથી મુસાફરોને ઘણી પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે અજીતસિંહે વડાપ્રધાનને આ સમગ્ર ઘટનાક્રમથી માહિતગાર કરીને પાયલોટ્સને કામ પર પરત ફરવા અપીલ કરી હતી. જો કે, મંત્રીએ આ કર્મચારીઓ પર એસ્મા લાગુ કરવાની સંભાવનાથી ઇનકાર કર્યો હતો.