સોનાનો ભાવ તૂટ્યો, 26 હજાર સુધી પહોંચવાની શક્યતા
થોડા સમય અગાઉ લગભગ 30 હજાર સુધી પહોંચવા આવેલા સોનાના ભાવ હવે તુટી રહ્યા છે. છેલ્લા દસ દિવસમાં સોનાની કિંમતમાં 1હજાર રૂપિયા કરતા પણ વધુનો ઘટાડો થયો છે, અને હજુ પણ સોનાના ભાવ તૂટવાનો સિલસિલો યથાવત છે. આંતરાષ્ટ્રીય બજારમાં સોનું છેલ્લા ચાર માસના સૌથી નિચા ભાવ પર આવી ગયું છે. ભારતીય બજારમાં સોનું હાલ લગભગ 28 હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામનો ભાવ ધરાવે છે. જાણકારો સોનાનું અસલી સ્તર 26થી 27 હજાર રૂપિયાની આસપાસ માની રહ્યા છે. સોના-ચાંદીને લઇને સર્વે કરનાર એજન્સી વિનાયક ઇન્કના મત અનુસાર સોનાનું અસલી સ્તર 26 થી 27 હજાર રૂપિયાની આસપાસનું છે, આવા સંજોગોમાં સોનાની કિંમતમાં સુધારો થવો ખુબજ જરૂરી છે. છેલ્લા કેટલાક દિવસથી સોનાના વાયદા કારોબારમાં નરમીનું વલણ જોવા મળી રહ્યું છે, બીજી તરફ વાયદા સોદાઓમાં પણ પડતી આવી છે. આવામાં તેની સીધી અસર સોનાની કિંમતો પર જોવા મળી રહી છે. આવામાં કોરોબારીઓ માટે પણ સોનાનું વેચાણ વધારવા માટે તેની કિંમતમાં સુધારો કરવો જરૂરી બની ગયો છે. જાણકારોના મત મુજબ સ્પેન દ્વારા બેંકોની સ્થિતિ સુધારવાની ઘોષણા અને યુરોપના બેલ આઉટ ફંડને જોતા સોનાના ભાવમાં આ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. બીજી તરફ ડોલરની કિંમત 50 રૂપિયાથી નીચે રહેતા સોનાનો ભાવ 25,500 રૂપિયાની આસપાસ થઇ જશે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.