શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 19 જાન્યુઆરી 2016 (17:37 IST)

સૌરાષ્ટ્રમાં લસણ-ડુંગળીનો મબલખ પાક, પંદર દિવસમાં બજારો ઉભરાશે

સૌરાષ્ટ્રમાં હવે ધીરેધીરે રવિપાકો બજારમાં આવવાની શરૂઆથ થશે. દિવાળીના સમયગાળા દરમિયાન થયેલા વાવેતરની ડુંગળી અને લસણ તથા ધાણાના નવા પાકોની આવક ૧૫ દિવસ બાદ બજારોમાં શરૂ થશે. ઘઉંને થોડો વધુ સમય લાગનાર હોવાથી માર્ચ આરંભે ખેતરોમાંથી ઊતરશે તેમ ખેતી સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સૌરાષ્ટ્રમાં રવી પાક તરીકે મુખત્વે ઘઉં, ચણા, ધાણા, લસણ, ડુંગળી વગેરે ઊગાડવામાં આવે છે આ વર્ષે પાછોતરા વરસાદના અભાવે ખેડૂતોને પાણીનો ખર્ચ પડી છે પણ સિંચાઇની સગવડ હોય તેને વાંધો આવ્યો નથી. પાણીની ખેંચ છતા કુદરતી વાતાવરણ સાનુકૂળ રહ્યું હોવાથી શિયાળુ પાક સરેરાશ ૬૦ ટકાથી વધુ ઉતરે તેવો અંદાજ છે ખેડૂતો રવિપાક માટે છેલ્લા તબક્કાની મહેનતમાં લાગ્યા છે. ખેતીની ઉપજ બજારમાં આવતા તેની અસર અર્થતંત્ર પર જોવા મળશે ધાણા, લસણ, ડુંગળી વગેરે પખવાડિયા પછી બજારમાં આવવાનું શરૂ થાય ત્યારે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળવાની આશા છે. દરમિયાન તલાલા-ગીર પંથકમાં આ વર્ષે ધાણાનું વિક્રમજનક વાવેતર થયું છે. તલાલા તાલુકામાં ખેતીલાયક ૨૯૬૦૦ હેક્ટરથી પણ વધુ ફળદ્રુપ જમીન છે તે પૈકી ૧૬ હજાર હેક્ટર જમીનમાં કેસર કેરીના બગીચા પથરાયેલા છે. બાકી રહેતી વાવેતર લાયક જમીન પૈકી ૭૬૪૦ હેક્ટર જમીનમાં આ વર્ષે પ્રથમવાર વિક્રમજનક ધાણાનું વાવેતર થયું છે. તલાલા પંથકમાં ૧૦ હજાર હેક્ટર જમીનમાં ઘઉંનું વાવેતર થયું હતું તેની સામે આ વર્ષે માંડ ૯૦૫ હેક્ટરમાં જ ઘઉંનું વાવેતર થયું છે. જ્યારે ધાણાના વાવેતરમાં આ વર્ષે પ્રથમ વખત વિક્રમજનક વધારા સાથે ૭૬૪૦ હેક્ટરમાં ખેડૂતોએ ધાણાનું વાવેતર કર્યું છે. ધાણાનો પાક ઘઉં કરતા ૩૦ દિવસ વહેલો તૈયાર થાય છે તેમ જ ઉત્પાદન ખર્ચ પણ ઓછો આવે છે. આમ ઓછો ખર્ચ, ઓછી મહેનત અને પોષણક્ષમ ભાવ સાથે ખેડૂતોને પૂરતું વળતર મળી રહેશે તેમ ખેડૂતોનું માનવું છે.