શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :રાજકોટ, , સોમવાર, 25 જુલાઈ 2016 (12:44 IST)

માયાવતી આજે ગુજરાત આવશે

ઉનાકાંડ મામલે ચાલી રહેલ રાજકારણ વચ્ચે એક બાદ એક રાજકીય નેતાઓની સમઢીયાળા ગામની મુલાકાત યથાવત છે. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ, પ્રફુલ પટેલ,શરદ યાદવ, વૃંદા કરાત, તેજશ્રી પટેલ જેવા નેતાઓ સમઢિયાળા ગામની મુલાકાત લઈને પીડિત પરિવારોને મળી ચુક્યા છે ત્યારે હવે આવતીકાલે દલિત નેતા અને બસપા સુપ્રીમો એવા માયાવતી સમઢિયાળાની મુલાકાતે આવી રહ્યા છે. જેને લઈને પીડિત પરિવારોમાં પણ ભારે ઉત્સુક્તા જોવા મળી રહી છે.
 
આ અત્યાચારમાં ભોગ બનેલા દલિત યુવક રમેશ સરવૈયા, બેચર સરવૈયા, અશોક સરવૈયા અને વશરામ
સરવૈયા અત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.  જે પૈકી વશરામ સરવૈયાએ જણાવ્યુ હતું કે,   અત્યાર સુધી જે નેતાઓ આવ્યા તેમને તો અમે ઓળખતા પણ નથી પણ માયાવતી અમારા દેવી છે અને તે આવશે તો જ અમને ન્યાય મળશે. મહત્વનું છે કે માયાવતી આવતીકાલે ઉનાના સમઢિયાળા ગામે જઈને પીડિત પરિવારોને મળવાના છે.

ઉપરાંત તેઓ રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને આ દુર્ઘટનાનો ભોગ બનનાર પીડિત યુવકોને પણ મળવાના છે. એટલુ જ નહીં તેઓ આ આંદોલન દરમિયાન આત્મહત્યાનો પ્રયત્ન કરનાર યુવકોને પણ મળવાના છે. માયાવતીએ ઉનામાં દલિત સભા યોજવાની પણ મંજુરી માંગી છે. જોકે અત્યારે ઉના જિલ્લામાં કલમ-૧૪૪ લાગુ હોવાના કારણે તેને સભાની મંજુરી મળે તેવી કોઈ શક્યતા દેખાઈ રહી નથી. જોકે, માયાવતીની આ મુલાકાતને લઈ રાજ્ય સરકાર પણ સક્રિય બની છે અને તે ગુજરાત મુલાકાત દરમિયાન કોને કોને મળે છે તેના પર બાજનજર રાખી રહી છે.