શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: મંગળવાર, 28 જાન્યુઆરી 2014 (12:24 IST)

જો દેશ માટે જીવનારા લોકો નહીં મળે તો દેશ માટે મરનારા લોકો ક્યાંથી મળશેઃ નરેન્દ્ર મોદી

P.R

મુંબઈમાં લતા મંગેશકર દ્વારા ગવાયેલા એ મેરે વતન કે લોગો.. ગીતના 50 વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના પીએમ કેન્ડિડેટ નરેન્દ્ર મોદીએ લતા મંગેશકરનું સમ્માન કર્યું.

તેમણે કહ્યું કે, દુનિયાનો એકેય દેશ એવો નહીં હોય જ્યાં વોર મેમોરિયલ નહીં હોય. પરંતુ, આપણો દેશ એકમાત્ર એવો દેશ છે કે, જ્યાં વોર મેમોરિયલ નથી. તેમણે આડકતરી રીતે એમ પણ કહી દીધું કે, કેટલાક સારા કામો તેમના જ નસીબમાં લખેલા છે.

તેમણે કહ્યું કે, જેટલા જવાનો આપણે યુદ્ધમાં નથી ગુમાવ્યા તેનાથી વધુ જવાનો આતંકવાદમાં ગુમાવ્યા છે. મોદીએ કહ્યું કે, સમાજ વીરતાની પૂજા કરે છે. યોદ્ધાઓની પૂજા કરે છે. તેમના પરાક્રમનું ગાન કરે છે. તેમણે જણાવ્યું કે, જો દેશ માટે જીવનારા લોકો નહીં મળે તો દેશ માટે મરનારા લોકો ક્યાંથી મળશે, આ એક દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ છે.

મોદી બોલ્યા કે, લતા મંગેશકરના કંઠે ગવાયેલું આ ગીત આજે પણ એટલું જ જીવંત છે. જો આ ગીત ન બન્યું હોત તો કદાચ આપણને 1962નું યુદ્ધ પણ યાદ ન હોત. તેમણે જણાવ્યું કે, સમાજ વીરતાની પૂજા કરે છે. યોદ્ધાઓની પૂજા કરે છે. તેમના પરાક્રમનું ગાન કરે છે.
P.R

મહત્વનું છે કે, સુવિખ્યાત ગાયિકા લતા મંગેશકરના કંઠે ગવાયેલા 'એ મેરે વતન કે લોગો...'ગીતના આજે 50 વર્ષ પુરા થઈ રહ્યા છે ત્યારે આ પ્રસંગે મુંબઈમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા. આ કાર્યક્રમમાં મોદી અને લત્તા મંગેશકર એક જ મંચ પર સાથે જોવા મળવાના હોવાથી આ કાર્યક્રમ પહેલાથી જ ચર્ચામાં હતો.

જોકે, લતા મંગેશકરે આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, પોતે કોઈ પાર્ટી સાથે સંકળાયેલા નથી. તેમજ પોતાને રાજકારણમાં રસ પણ નથી. રાજકારણ અને સંગીત જુદા વિષયો છે. મહત્વનું છે કે, આ કાર્યક્રમમાં મોદીના હસ્તે લતા મંગેશકરનું બહુમાન થયું હતું. લત્તાએ આ ગીત 27 જાન્યુઆરી 1963માં ગાયું હતું. સી રામચંદ્ર દ્વારા કંપોઝ કરાયેલા તેમજ કવી પ્રદીપ દ્વારા લખાયેલા આ ગીતને ભારત-ચીન યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોની યાદમાં બનાવાયું હતું. જેને સાંભળી તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ રડી પડ્યા હતા.
P.R

મહત્વનું છે કે, નવેમ્બરમાં લતા મંગેશકરે ભારતના લોકો મોદીને પીએમ તરીકે જોવા ઈચ્છે છે તેવું નિવેદન આપી રાજકીય વિવાદ ઉભો કર્યો હતો. જેનો કોંગ્રેસે પણ વાંધો ઉઠાવ્યો હતો.