શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 9 જુલાઈ 2013 (10:55 IST)

મોદી બની શકે છે પીએમ પદના ઉમેદવાર, ટૂંક સમયમાં થશે જાહેરાત

P.R

ભારતીય જનતા પાર્ટી ગુજરાતના મુખ્યમંત્રી અને પ્રચાર સમિતિના પ્રમુખ નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર કરી શકે છે. આ મહિનાના અંત સુધીમાં ભાજપ તેમને ઔપચારીક રીતે વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ઘોષિત કરી દેશે. તેની સાથે જ એ નક્કી થઈ ગયું છે કે આગામી ચૂંટણી રાહુલ ગાંધી વિરુદ્ધ નરેન્દ્ર મોદીની હશે.

સમગ્ર ઘટનાક્રમની જાણકારી રાખતા એક સૂત્રએ જણાવ્યુ હતુ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) દ્વારા પક્ષના વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને આ અંગે જણાવી દેવામાં આવ્યું છે. ગત સપ્તાહે બંને નેતાઓ અને પક્ષ પ્રમુખ રાજનાથસિંહે સંઘ મુખ્યાલય નાગપુર જઈને સરસંઘચાલક મોહન ભાગવત તેમજ અન્ય ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. મહારાષ્ટ્રના અમરાવતીમા યોજાનાર સંઘના ત્રિદિવસીય મંથન બેઠકમાં મોદીના નામ અંગે વિવિધ પાસાઓ પર ચર્ચા થશે. ત્યારબાદ ભાજપ સંસદીય બોર્ડ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે મોદીના નામની ઘોષણા કરી દેશે.

ગોવામાં રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં ચૂંટણી અભિયાન સમિતિની કમાન સોંપાયા પછી તેઓ અનૌપચારીક રીતે પાર્ટીનો ચૂંટણીલક્ષી ચહેરો બની ગયા છે.

અગાઉ વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની મોદી પ્રત્યેની નારાજગીના કારણે ભાજપે ખચકાટ અનુભવ્યો હતો પરંતુ સંઘના વડા મોહન ભાગવતે ગત સપ્તાહે અડવાણીને કહ્યુ હતુ કે મોદી માટે જોરદાર ઉત્સાહ છે અને સંગઠન તેના પર બાજી ખેલશે.

એવી પણ ચર્ચા છે કે મોદી વારાણસીથી ચૂંટણી લડશે. અહીં મુરલી મનોહર જોશી સાંસદ છે.