શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 13 જૂન 2013 (14:43 IST)

લો...આ પાછું નવું.....મોદી યુપીથી ચૂંટણી લડશે

P.R
નરેન્‍દ્ર મોદીએ પોતાના વિશ્વાસુ અમિત શાહ થકી યુપીની રાજનીતિમાં ધુમ ધડાકાભેર પ્રવેશ કર્યો છે. સંઘ પરિવારના રણનીતિકારોએ ગુજરાતના મુખ્‍યમંત્રી મોદીને હવે યુપી થકી કેન્‍દ્રીય રાજનીતિમાં મોકલવાનો નિર્ણય લીધો છે.

મોદીને યુપીથી લોકસભાની ચૂંટણી લડાવવાનો ફેંસલો લેવામાં આવ્‍યો છે. માત્ર તેની જાહેરાત બાકી છે આ માટે જે જે સ્‍થળોની ચર્ચા છે તેમાં લખનૌ પ્રથમ ક્રમાંકે છે.

યુપીમાં ભાજપને મજબુત કરવાની જવાબદારી લઇને લખનઉ આવેલા મોદીના વિશ્વાસુ અમિત શાહે મોદી માટે પણ મજબુત જમીનની શોધ શરૂ કરી છે. તેમણે ટોચના નેતાઓ સાથેની વાતચીતમાં આનો સંકેત પણ આપ્‍યો હતો. એક નેતાના પ્રમાણે અમિત શાહે વાતચીતમાં યુપીમાં મોદીની સંભાવનાઓ ઉપર વાતચીત કરી હતી.

ભાજપમાં ચાલી રહેલ મહાભારત ભલે હજુ સંપુર્ણ રીતે પુરૂ થયુ ન હોય પરંતુ સંઘ પરિવારના રણનીતિકારોએ મિશન મોદી અને મિશન-ર૦૧૪ તરફ એક પગલુ વધુ આગળ વધાર્યુ છે.

મોદી માટે લખનૌ ઉપરાંત જે જે બેઠકો સંભાવના તલાશવામાં આવી રહી છે તેમાં વારાણસી, અલ્‍હાબાદની સાથે-સાથે ભાજપના એજન્‍ડાનો મુખ્‍ય હિસ્‍સો અયોધ્‍યા પણ સામેલ છે.

રણનીતિકાર મોદીને લખનૌ બેઠક ઉપરથી લડાવીને એક તો અટલજીના ઉત્તરાધિકારીના સ્‍વરૂપમાં તેમને સ્‍થાપિત કરવા માંગે છે અને એવો સંદેશ આપવા માંગે છે કે ભાજપ વાજપેઇની વિરાસતને મહત્‍વની અને પ્રતિષ્‍ઠાનો સવાલ માને છે. જો કે લખનૌથી મુરલી જોશી અને રાજનાથ પણ ચૂંટણી લડવા માંગે છે. રણનીતિકારોએ ડો.જોશીને હાલ વારાણસીમાં સંભાવનાઓ શોધવા સલાહ આપી છે પણ રાજનાથને લઇને અસમંજસ છે. જો રાજનાથ લખનૌથી લડે તો મોદી ફૈઝાબાદથી ચૂંટણી લડશે. ભાજપની ભગવા રાજનીતિ માટે ફૈઝાબાદનું મહત્‍વ ઘણુ છે. ખાસ સ્‍થિતિમાં અલ્‍હાબાદ અને વારાણસીનો અભ્‍યાસ પણ થઇ રહ્યો છે.

સંઘની રણનીતિ શું છે ?

મોદીના મુદ્દે અડવાણીને મનાવનાર સંઘ મોદીના નામ પર પીછે હટવા તૈયાર નથી. સંઘના રણનીતિકારોને ખબર છે કે યુપીથી બેઠકોની સંખ્‍યામાં વધારો કરીને કેન્‍દ્રમાં સત્તા પર પક્ષને બેસાડવાનું સ્‍વપ્‍નુ જોઇ શકાય છે. આ માટે તેની પાસે સૌથી વધુ હથિયાર હિન્‍દુત્‍વ જ છે. જો કે ભાજપના ભગવા એજન્‍ડામાં અયોધ્‍યા, મથુરા કે કાશી નથી તેથી તે ત્‍યાંથી એવી કોઇ વ્‍યકિતને ચૂંટણીના મેદાનમાં ઉતારવા માંગે છે કે જે ભગવા એજન્‍ડાને ધાર આપી શકે. સ્‍વાભાવિક રૂપથી મોદી આ કસોટી ઉપર ફીટ બેસે છે.