શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 6 જૂન 2016 (10:44 IST)

સગીર ગાડી ચલાવશે તો તેના વાલી કે ગાડીના માલિકને 20 હજારનો દંડ અને 3 વર્ષની જેલ

મોદી સરકાર સંસદના ચોમાસુ સત્રમાં મોટર વ્હીકલ એકટમાં ફેરફારો કરવા જઇ રહી છે. સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરવા પર ઓટો કંપનીઓ ઉપર 100 કરોડ સુધીનો દંડ ફટકારાશે એટલુ જ નહી પ્રસ્તાવિત જોગવાઇઓ અનુસાર સગીર વયનો કોઇ વ્યકિત કાર ચલાવશે તો તેના વાલી કે ગાડીના માલિક પર 20,000 સુધીનો અને ત્રણ વર્ષની જેલની સજા થઇ શકશે. આ સિવાય વાહનનો રજીસ્ટ્રેશન નંબર પણ કેન્સલ થશે.
 
   પ્રસ્તાવિત ભલામણોથી સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યુ છે કે, સગીર દ્વારા ડ્રાઇવીંગ, ગાડી ચલાવતી વેળાએ ફોન ઉપર વાત કરવી, નશામાં ગાડી ચલાવવી, ઓવર સ્પીડીંગ, ટ્રાફીક લાઇટના ઉલ્લંઘન પર આકરા દંડની ભલામણ થઇ છે. ખોટા લાયસન્સ સાથે કાર ચલાવવા પર 10,000 રૂ.ના દંડ સાથે એક વર્ષની જેલની સજાની પણ ભલામણ થઇ છે. હાલ આવા ગુન્હા માટે 500નો દંડ અને ત્રણ માસની જેલનો સમાવેશ થાય છે.
 
   કાર કંપનીઓએ પોતાના વાહનોમાં ખરાબ ડિઝાઇન અને જરૂરી સુરક્ષા ફિચર ન હોવા પર 100 કરોડ રૂપિયા સુધીનો દંડ કરવાની સાથે વાહનોને રિકોલ કરવા પડશે. નવા માર્ગ સુરક્ષા ખરડા હેઠળ અનઅધિકૃત કમ્પોનન્ટ અને મેન્યુફેકચરીંગ કે મેઇનટેનન્સ સાથે જોડાયેલા ઉલ્લંઘન જેમ કે ફોગલાઇટ, પ્રેશર હોર્ન, એકસ્ટ્રા લાઇટ, રૂપટોપ કેરીયર અને મેટાલીક પ્રોટેકટરના ઉપયોગ માટે પણ 5000નો દંડ ચુકવવો પડશે. ડિલર અને વ્હીકલ બોડી બનાવનાર પર આવા અપરાધ પર પ્રતિ વાહન 1 લાખનો દંડ થશે. આ સિવાય ડિલરો નોન એપ્રુવ્ડ ક્રીટીકલ સેફટી કમ્પોનન્ટ વેચવા માટે 1 લાખ રૂપિયા સુધીનો દંડ લગાવાશે.
 
   નવા ખરડામાં વાહન પર કેરીયર, પ્રેશર હોર્ન લગાડવા પર આકરા દંડની જોગવાઇ હશે. મોદી સરકારે કહ્યુ છે કે, ૪પ દિવસની અંદર રોડ સેફટી પર અસરકારક કાનૂન બની જશે. તમામ ફોર્મ સરળ બનાવાશે. લર્નીંગ લાયસન્સ ઓનલાઇન જારી કરવા અને કાયમી લાયસન્સને કડક બનાવવા પણ ભલામણ થઇ છે.