શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 9 જાન્યુઆરી 2017 (15:33 IST)

ગુજરાતમાં હુક્કાબાર પર પ્રતિબંધ : દારૃબંધીનો કાયદો કડક,કાયદાનો ભંગ કરનારાને એકથી ત્રણ વર્ષની સજા : 20થી 50 હજાર સુધીનો દંડ

ગુજરાતનાં યુવાનો-યુવતીઓને નશાખોરીમાં ધકેલાતી બચાવવા માટે આખરે રાજ્ય સરકાર જાગી છે. રાજ્યની કેબીનેટની બેઠકમાં એક મહત્ત્વનો નિર્ણય કરીને રાજ્યભરમાં આજથી હવે કોઈપણ હુક્કાબાર ચલાવી શકાશે નહીં એવો આદેશ કરાયો છે. તેમજ તે માટેનો એક ઓર્ડિનન્સ પણ બહાર પાડયો છે. હુક્કાબારમાં પ્રવેશવાની તપાસ સહિતની સતા પોલીસ તંત્રને અપાઈ છે. આ કાયદાનો ભંગ કરનારી વ્યક્તિને ૧ થી ૩ વર્ષની સજા ફટકારવામાં આવશે. કેબીનેટમાં લેવાયેલા આ નિર્ણય અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ગાંધીનગરમાં મીડિયા સમક્ષ જાહેરાત કરી હતી. તેઓએ જણાવ્યું કે, રાજ્યમાં ચાલતા હુક્કાબારમાં અનેક યુવાન-યુવતીઓ નિયમિત રીતે જઈ રહ્યાં છે. તાજેતરમાં ૧૪ કીલોની સોનાની લૂંટ કરનારો યુવાન પણ રોજ નિયમિત રીતે હુક્કાબારમાં જતો હતો. આવી આદતને કારણે યુવાનોમાં નશાનું પ્રમાણ વધી રહ્યું છે અને તેઓ દેવાદાર બની રહ્યાં છે. દેવાદાર થયા બાદ વ્યાજના ચક્રમાં તેઓ ફસાઈ રહ્યાં છે. જેમાંથી છૂટકારો મેળવવા તેઓ ગુનાહિત કૃત્ય કરતાં હોય છે. ખાસ કરીને કોલેજીયન યુવાનોને વધુ હુક્કાબારનું વધુ વ્યસન છે. યુવાનો એક કલાકમાં હુક્કાની સામાન્ય રીતે સિગારેટ કરતા ૧૦૦થી ૨૦૦ ગણો વધારે ઝેરી ધુમાડો પોતાના શરીરમાં ઉતારે છે. હુક્કાનાં એક કસમાં ૨૦૦ પફ જ્યારે સિગારેટનાં ૨૦ પફ વોલ્યુમ હોય છે. જે શરીર માટે ખૂબ જ નુકશાનકારક છે. હુક્કામાં તમાકુને ગરમ કરવા કોલસો વપરાય છે તેના ધૂમાડામાં કાર્બન મોનોક્સાઈડ મેટલ અને કેન્સર પેદા કરતા અત્યંત ઝેરી કેમિકલ્સ હોય છે. સામાન્ય રીતે હુક્કાના એક કલાકમાં સેશનમાં ૯૦ હજાર મિલીલીટર ધૂમાડો બને છે. જ્યારે સિગારેટમાં તેનું પ્રમાણ માત્ર ૫૦૦ થી ૬૦૦ મિલીલીટર હોય છે. તમાકુના ધુમાડામાં ૭ હજારથી વધારે કેમિકલ્સ હોય છે જેમાં ૭૦થી વધારે કેમિકલ્સ પેદા કરે છે. હુક્કાનાં તમાકુનાં સેવનથી જડબા, ફેફસા, ગળાનું, અન્નનળીનું કેન્સર તેમજ કિડની, લીવર, સ્વાદુપીંડને પણ ભારે નુકસાન થાય છે. રાજ્ય સરકારે હુક્કાબારને પ્રતિબંધિત જાહેર કર્યો છે. તેમજ આ કાયદાનો ભંગ કરનારાને સજા ઉપરાંત ૨૦ હજારથી માંડીને ૫૦ હજાર સુધીનો દંડ પણ કરાશે. આવો ગુનો કોગ્નિઝેબલ ગણાશે તેવો સુધારો સિગારેટ અને અન્ય તમાકું ધારો-૨૦૦૩માં કરવામાં આવ્યો છે. આમ, હવેથી સાર્વજનિક ખાનપાનની જગ્યા કે હોટેલ રેસ્ટોરન્ટમાં હુકકાબાર ચલાવી શકાશે નહીં. જાહેરમાં હુક્કાબાર પર પ્રતિબંધ મુકાયો છે પરંતુ ખુલ્લા બજારમાં હુક્કાની વિવિધ ફલેવરો અને હુક્કા મળે છે તેની સામે કાર્યવાહી કરાશે ? તેમજ જો કોઈ યુવાન-પોતાના મિત્રો સાથે પોતાના ઘરમાં હુક્કાપાર્ટી કરે તો તે ગુનો ગણાશે કે કેમ ? આવા પ્રશ્નનાં જવાબમાં પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, સરકારે જાહેરમાં હુક્કાબાર પર પ્રતિબંધ મુક્યો છે. જો કોઈ તેની ફલેવર વેચતું હશે તો કાર્યવાહી કરાશે. પરંતુ ઘરમાં હુક્કો પીનારી વ્યક્તિ સામે કોઈ પગલા લેવાની જોગવાઈ નથી.