શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદ, , શનિવાર, 9 જુલાઈ 2016 (11:59 IST)

ગુજરાત યુનિવર્સિટીની રજીસ્ટાર મળતા નથી

ગુજરાત યુનિવર્સિટીમાં લાંબા સમયથી ખાલી પડેલી રજીસ્ટ્રાર અને ચીફ એકાઉન્ટન્ટની જગ્યાઓ ભરવા માટે અનેક જાહેરાતો આપવામાં આવી છે. જોકે, હજી સુધી તેના માટે કોઈ યોગ્ય ઉમેદવાર મળ્યો નથી. રજીસ્ટ્રાર ઉપરાંત ચીફ એકાઉન્ટિંગ અને અન્ય કેટલીક મહત્વની જગ્યાઓ માટે ચાર-ચાર વખત ભરતી પ્રક્રિયા હાથ ધરવા છતાં યોગ્ય ઉમેદવાર ન મળતા યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયા સામે જ સવાલો ઉઠી રહ્યા છે.

વિદ્યાર્થી સંગઠનો આક્ષેપ કરી રહ્યા છે કે રાજ્યની સૌથી પ્રતિષ્ઠિત એવી ગુજરાત યુનિવર્સિટીએ રજીસ્ટ્રાર જેવી મહત્વની જગ્યાઓને મજાક સમાન બનાવી દીધી છે.  રજીસ્ટ્રાર અને ચીફ એકાઉન્ટન્ટની ભરતી માટે ચાર-ચાર પ્રયત્નો કરવા છતા ઉમેદવાર ન મળે  તે મજાક સમાન વાત કહેવાય. તાજેતરમાં રજીસ્ટ્રાર સહિત કેટલીક મહત્વની જગ્યા ભરવા માટે ઈન્ટરવ્યુ થયા હતા. જોકે તેમાં કેટલાક ઉમેદવારો હાજર પણ રહ્યા હતા.

તેમાંથી એકપણ ઉમેદવાર યુનિવર્સિટીને લાયક લાગ્યો નહતો. સુત્રોનું માનીએ તો ઈન્ટરવ્યુ બાદ રજીસ્ટ્રારના પદ માટે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાના પીએ રાજેન્દ્રસિંહ રાણાનુ નામ ફિક્સ હતું. પરંતુ છેલ્લી ઘડીએ યુનિવર્સિટીને રાજેન્દ્રસિંહના નામ સામે વાંધો પડ્યો અને વધુ એક વખત રજીસ્ટ્રારની જગ્યા ખાલી રહી જવા પામી છે. એનએસયુઆઈએ આક્ષેપ કર્યો  છે કે, વિદ્યાર્થીઓના પૈસે વારંવાર ભરતી પ્રક્રિયા યોજવામાં આવે છે. 

જોકે, તેમ છતાં એકપણ વખત ભરતી કરવામાં આવતી નથી. આટલુ જ નહીં કુલપતિ સામે ચાલી કોઈને
પણ રજીસ્ટ્રાર બનાવવાની ઓફર કરી તેના પદની ગરીમાને નુકશાન પણ પહોંચાડી રહ્યા છે. યુનિવર્સિટીના વારંવારના પ્રયત્નો છતાં મહત્વની ગણાતી રજીસ્ટ્રારની જગ્યા ન ભરાતા યુનિવર્સિટીના વહીવટી કામકાજ પર પણ બોજો પડી રહ્યો છે. ત્યારે યુનિવર્સિટીના સત્તાધીશો સત્વરે જાગીને રજીસ્ટ્રાર અને ચીફ એકાઉન્ટન્ટની ભરતી કરે તેવી માંગ ઉઠવા પામી છે.