શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: અમદાવાદ , મંગળવાર, 23 સપ્ટેમ્બર 2008 (15:06 IST)

અમદાવાદ બ્લાસ્ટ રાજ્યની બેદરકારી

કેન્દ્રે માહિતી આપી હતીઃ મોઢવાડિયા

ગુજરાત કોંગ્રેસનાં પ્રવક્તા અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે માર્ચ મહિનામાં ગુજરાત સરકારને કેન્દ્રીય જાસુસી સંસ્થા સેન્ટ્રલ આઈબીએ આતંકવાદી હુમલા અંગે ચેતવણી આપી હતી. જેમાં જણાવ્યું હતું કે આતંકીઓ જયપુર અને અમદાવાદમાં બ્લાસ્ટ કરવાના છે. તેમછતાં સરકાર કાવતરાખોરોની ધરપકડ ન કરતાં નિર્દોષ લોકો મોતને ભેટ્યાં હતાં.

મોઢવાડિયાએ પત્રકારોને સિમીનાં વડા સફદર નાગોરી અને આમીર પરવેઝનાં પોલીસ સમક્ષનાં નિવેદનની નકલ આપી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે નાગોરીએ નામ આપેલા 15 લોકોની ગુજરાત સરકારે ધરપકડ ન કરતાં જયપુર, અમદાવાદ અને દિલ્હીમાં બ્લાસ્ટ થયાં હતાં.

મોઢવાડિયાએ જણાવ્યું હતું કે હરેન પંડ્યા હત્યાકાંડમાં જેનું નામ ખુલ્યું હતું તે મૌલાના નાસુરીદ્દીનનાં પુત્ર નાસીરની હૈદરાબાદ પોલીસે જાન્યુઆરી 2008માં ધરપકડ કરી હતી. આ નાસીરે આપેલા નિવેદનમાં સફદર નાગોરી, આમીર પરવેઝ અને અબ્દુલ સુભાન ઉર્ફે તૌકીરનાં નામો આપ્યાં હતાં. સફદર અને આમીરની ધરપકડ કરી, તે વખતે ઈન્દોર પોલીસ તૌકીર હાજર હોવાછતાં તેને ઓળખી ન શકી, અને તે છટકી ગયો.

આમીરે આપેલા નિવેદન મુજબ તેમણે હાલોલ નજીક જંગલમાં સિમીનાં કાર્યકર્તાઓનો કેમ્પ રાખ્યો હતો. તેમણે કબુલાત કરી હતી કે જયપુર અને અમદાવાદમાં બ્લાસ્ટ કરવાની પણ તેમની યોજના છે. તેમણે 15 સિમી કાર્યકર્તાઓનાં નામ આપ્યા હતાં. જેમાં જયપુર બ્લાસ્ટનો આરોપી શાહબાઝનો સમાવેશ થાય છે. જયપુર અને અમદાવાદ બ્લાસ્ટ બાદ પોલીસે તે તમામ 15 લોકોની ધરપકડ કરી છે. તેથી અર્જુનભાઈએ ગુજરાત સરકારને ઉંઘતા રહેવા બદલ આકરી ઝાટકણી કાઢી હતી.