શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 31 મે 2013 (11:58 IST)

અમિત શાહનો ખોટો ભાણો પોલીસને સાચુકલા 'મામા' બનાવી ગયો

P.R
પાંચ દિવસ પહેલાં કચ્છ પોલીસને ભુજ શહેરમાં છવ્વીસ વષીર્ય મિહિર શાહ નામના યુવાને ફરિયાદ લખાવી કે ગાંધીનગરથી અમદાવાદ આવતી વખતે પ્રાઇવેટ બસમાં તેની ૨૫૦૦ ડૉલર અને ગ્રીન-કાર્ડ ભરેલી ગુમ થઈ છે. આ ફરિયાદ કરનારાએ જ્યારે પોતાની ઓળખાણ ગુજરાતના વિધાનસભ્ય અને ભૂતપૂર્વ ગૃહપ્રધાન અમિત શાહના ભાણેજ તરીકે આપી ત્યારે કચ્છ પોલીસ સફાળી જાગી ગઈ હતી અને અમિત શાહના નરેન્દ્ર મોદી સાથેના સીધા સંપર્કોને કારણે મિહિરની બૅગ શોધવા દોડતી થઈ ગઈ હતી. આટલું જ નહીં, પોલીસ-ડિપાર્ટમેન્ટ, કચ્છ BJPના કાર્યકર્તાઓ અને કલેક્ટર ઑફિસનો સ્ટાફ સુધ્ધાં તેની આગતા-સ્વાગતામાં લાગી ગયા હતા. મિહિર માટે તેમણે ભુજના સરકિટ હાઉસમાં એ જ રૂમ બુક કરાવ્યો જે રૂમ માત્ર નરેન્દ્ર મોદી અને અમિતાભ બચ્ચન જેવા સ્ત્ભ્ઓને જ આપવામાં આવે છે.

આટલું ઓછું હોય એમ ઑફિશ્યલી મિહિરને સ્ટેટ ગવર્નમેન્ટના ગેસ્ટ જાહેર કરીને તેને તમામ પ્રકારની સગવડ પણ આપવામાં આવી હતી. અમેરિકામાં રહેતા મિહિર શાહે ઍરફોર્સમાં ઇન્ટરવ્યુ આપવાનો હોવાથી તે આવ્યો હતો. આ ઇન્ટરવ્યુ બુધવારના ગોઠવાયા હતા એવું મિહિરે ફરિયાદમાં લખાવ્યું હતું. મિહિરના કહેવા પ્રમાણે આ ઇન્ટરવ્યુ માટે બધા ઓરિજિનલ સર્ટિફિકેટ પણ તે લાવ્યો હતો, જે ગુમ થઈ ગયેલી બૅગમાં હતાં. બનવાકાળ કચ્છ પોલીસના એક અધિકારીને નલિયાસ્થિત ઍરફોર્સમાં કેટલાક અધિકારીઓ સાથે સારું બનતું હોવાથી તેણે અમિત શાહના ભાણેજને તકલીફ ન પડે એ માટે મંગળવારે સાંજે ઍરફોર્સમાં ફોન કર્યો અને મિહિરની હાલત સમજાવી અને એવું પણ કહ્યું કે અત્યારે મિહિરના ઓરિજિનલ સર્ટિફિકેટ દેખાડી નહીં શકે, પણ એ પાછાં લઈ આવવાની જવાબદારી અમારી, તમે માત્ર ઇન્ટરવ્યુની ફૉર્માલિટી પૂરી કરી લો.

પોતાની વગનો ઉપયોગ કરી ભૂતપૂર્વ ગૃહપ્રધાનના ભાણેજનું કામ કરાવવા નીકળેલા તે અધિકારીને ઝાટકો ત્યારે લાગ્યો કે જ્યારે તેને કહેવામાં આવ્યું કે ઍરફોર્સના કોઈ ઇન્ટરવ્યુ રાખવામાં જ નથી આવ્યા. ઇન્ટરવ્યુ રાખવામાં નથી આવ્યા એ વાતની જાણ થયા પછી પોલીસે ખાનગી રાહે બીજી તપાસ આદરી, જેમાં ખૂલ્યું કે અમિત શાહની બહેને ક્યારેય અમેરિકા જોયું જ નથી. અરે, અમિત શાહની બહેનનો દીકરો હજી માંડ ટીનેજ એવી પણ ખબર પડી. પત્યું કામ. પોલીસે અમિત શાહના આ કથિત ભાણેજને બોલાવ્યો અને તેમની આગવી સ્ટાઇલથી ઇન્ક્વાયરી ચાલુ કરી કે તરત જ મિહિરે કબૂલી લીધું કે તેનું સાચું નામ યશ અમીન છે અને તે દક્ષિણ ગુજરાતમાં આવેલા દહેગામમાં રહે છે, જ્યાં તેના પપ્પા ખેતમજૂર છે.

બૅગ ગુમ થયાની વાર્તા એકદમ નકલી હતી. આ નકલી બૅગને શોધવા માટે પોલીસે વીસથી વધુ લોકોની અટકાયત પણ કરી હતી અને તેમને માર પણ માર્યો હતો. હવે મિહિર એટલે કે યશ અમીનને પકડીને પોલીસે તે સૌને છોડી મૂક્યા છે.