શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 10 મે 2014 (14:39 IST)

આવનાર ચોમાસાનો વરતારો કરતા ગરમાળાનાં પીળાચટ્ટાક ફૂલો

ધોમધમખતા તાપમાં બધુ જ નિસ્તેજ હોય ત્યારે ગરમાળાનાં ઝાડમાં પીળાચટ્ટાક ફૂલોનો વૈભવ નયનરમ્ય બને એ સ્વાભાવિક છે, પણ લોકવાયકા પ્રમાણે ગરમાળાનાં આ ફૂલો જ આવનાર ચોમાસાનો વરતારો કરી દેતાં હોય છે.
 
કુદરતને સારી પેઠે માણતા અને જાણતા માળીયા હાટીનાં પંથકનાં ગ્રામીણ વયોવૃધ્ધો કરે છે કે, કાળઝાળ ઉનાળામાં જ કુદરત તો આવતા ચોમાસાનો વરતારો કરી દયે છે. વરસમાં માત્ર એક જ વખત ઉનાળાનાં મધ્યાહ્ને ગરમાળાનાં ઝાડમાં પીળાચટ્ટાક ફૂલો આવે છે. આ ફૂલોનાં ઓછાવધુ પ્રમાણ મુજબ ચોમાસામાં મેઘમહેર થતી જોઈ છે. આ વખતે ગરમાળામાં ફૂલો પુરબહારમાં ખીલ્યા હોવાથી ચોમાસામાં ધીંગી મેઘમહેરની આશા બળવતર બની છે. વળી, લોકવાયકા પ્રમાણે ગરમાળાનાં ઝાડમાં ફૂલ આવ્યાંનાં ૪૫ દિવસ બાદ મેઘસવારી આવી પહોંચે છે. એટલે કે ચાલુ ઉનાળામાં ૧લી મે આસપાસ ગરમાળામાં મબલખ ફૂલો લચી પડયા હોવાથી દોઢ મહિના બાદ ૧૫મી જૂન આસપાસ ધૂંઆધાર વરસાદનાં શ્રીગણેશ થશે.
 
કુદરતનાં પારખું એવું પણ કહે છે કે, ગરમાળાનાં વૃક્ષોમાં ભર ઉનાળે ખિલતા ફૂલોનાં આધારે થતો ચોમાસાનો વરતારો ૭૫ ટકા સાચો પડતો આવ્યો છે. અનેક ગ્રામ્ય વિસ્તારોમાં તો કુદરતનાં આ 'કહેણ'ને નિહાળીને જ ધરતીપુત્રો ચોમાસા સમયે કરવાની વાવણીની તૈયારી શરૃ કરી દેતા હોય છે.