શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 26 ડિસેમ્બર 2013 (11:09 IST)

ગુજરાતના ખ્રિસ્તીઓ નાતાલને પણ રીયલ ગુજરાતીની જેમ જ ઉજવે છે

P.R
ગુજરાતી પ્રજાની ખાસિયત છે કે તે કોઈપણ ધર્મ કે સંસ્કૃતિને પોતાની કરી લે છે. પોતાના ઢાળમાં ઢાળી દે છે. ગુજરાતમાં વસતા ખ્રિસ્તીઓનું પણ કંઈક આવું જ છે. ગુજરાતના દેવળોમાં પ્રભુ ઈસુને ગુજરાતીમાં પ્રાર્થના કરવામાં આવે છે. એમ ક્રિસમસમાં ગુજરાતના ખ્રિસ્તીઓનાં ઘરે કેકની સાથોસાથ ચુરમાના લાડવા, ઘુઘરા અને ફરસી પુરી પણ બને છે. દિવાળીમાં હિન્દુઓના ઘરે જે ફરસાણ બને છે એ જ ફરસાણ નાતાલમાં ખ્રિસ્તીઓના ઘરે બને છે.

ચર્ચ ઓફ નોર્થ ઈન્ડિયાના સેક્રેટરી મહેશ ક્રીશ્ચને કહ્યું હતું કે ક્રિસમસમાં અમે ઘરે નાનકડી ગભાણ બનાવીએ છીએ. તેમાં બાળ ઈસુ, ઘેટા, ભરવાડ, મધર મેરી, યુસુફ અને માગી રાજાઓની નાની નાની પ્રતિમાઓ મુકવામાં આવે છે. ઈસુનો જન્મ ગભાણમાં થયો હોવાથી તે બનાવવામાં આવે છે. આ ઉપરાંત ગીફટ આર્ટીકલ્સ વડે ક્રિસમસ ટ્રી સજાવવામાં આવે છે. ઘરની બહાર રોશની લગાવાય છે અને ઘરમાં સાંતા ક્લોઝની મૂર્તિ રાખવામાં આવે છે.

શીતલ ક્રિશ્ચન નામના એક ખ્રિસ્તી અગ્રણી મહિલાએ કહ્યું હતું કે નાતાલ પર પ્લમ કેક બનાવવામાં આવે છે. ગુજરાતના ખ્રિસ્તીઓ પ્લમ કેક સિવાય ચુરમાના લાડવા અને ઘુઘરા પણ બનાવે છે. નાતાલ પર કેક કાપવામાં આવે છે અને ઈસુ પાસે આશીર્વાદ માગવામાં આવે છે. આપણે આપણા જન્મદિવસ પર ઘર શણગારીએ એ રીતે નાતાલમાં ઘર સજાવવામાં આવે છે.

વિકટર મ્હોત્રા નામના એક ખ્રિસ્તી શિક્ષકે કહ્યું હતું કે નાતાલ ઈશ્વરનો આભાર માનવાનો તહેવાર છે. સંત યોહાને કહ્યું છે કે ઈશ્વરને દુનિયા માટે ખૂબ જ પ્રેમ હતો એટલે તેણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો. સામાન્ય રીતે અમે નાતાલમાં ઘરે વાનગીઓ બનાવવા કરતા બહારથી તૈયાર જ ખરીદી લઈએ છીએ. જીવન ઝડપી થઈ ગયું છે, એટલે એ વધારે અનુકૂળ રહે છે. આજકાલ ક્રિસમસ પર લોકો પુષ્કળ ડ્રિન્ક કરે છે, પરંતુ એ ક્રિસમસની ઉજવણી નથી. બાઈબલમાં ડ્રિન્ક કરવાની ના કહી છે. આ પ્રમાણે ડ્રિન્ક કરનારા લોતો સાચા ખ્રિસ્તી ગણાય નહીં. નાતાલ એ બધા ધર્મના લોકોનો તહેવાર છે.